આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૨
સરદાર વલ્લભભાઈ

આવેલા ધારાસભાના બહિષ્કારને પરિણામે નાશ પામ્યું છે એટલા માટે; અને ધારાસભાની ચૂંટણીમાં ભાગ ન લેવો એ અહિંસાત્મક કાર્યક્રમનું મુખ્ય અંગ હોઈ ને આવતા વર્ષની ચૂંટણીઓમાં પણ હિંદુસ્તાનની પ્રજા કોઈ પણ જાતનો ભાગ ન લે એ જરૂરનું છે એટલા માટે આ કૉંગ્રેસ આ ઠરાવથી એવી સલાહ આપે છે કે કૉંગ્રેસનો કોઈ પણ સભ્યે ધારાસભાના ઉમેદવાર તરીકે ઊભા રહેવું નહીં અને કૉંગ્રેસની સલાહ વિરુદ્ધ ધારાસભાની ઉમેદવારી કરનારા કોઈ નીકળે તેને કોઈ પણ મતદારે મત આપવો નહીં, અને આ બાબતમાં મહાસમિતિ વખતો વખત જે સૂચનાઓ આપે તે પ્રમાણે તેમણે પોતાના બહિષ્કારનું સ્વરૂપ રાખવું.”

આમ ધારાસભાનો બહિષ્કાર કાયમ રહ્યો પણ લોકો હવે સવિનય ભંગ માટે અધીરા થવા માંડ્યા હતા. તે માટે સવિનય ભંગની તૈયારીનો નીચેનો ઠરાવ અબ્બાસ સાહેબ તૈયબજીએ રજૂ કર્યો :

“આ કૉંગ્રેસ પોતાના અભિપ્રાયને વળગી રહે છે કે જ્યારે આપખુદ, જુલમી અને પ્રજાની મર્દાનગીનું હરણ કરનારી રાજ્યસત્તાને સુધારવાના બધા ઇલાજો લેવાઈ ખૂટે ત્યારે શસ્ત્રયુદ્ધની અવેજીમાં સવિનય ભંગ એ એક જ સભ્ય અને અસરકારક ઇલાજ બાકી રહે છે. પ્રજામાં સ્વરાજ્યની તમન્ના વધારે ને વધારે પ્રગટેલી જોવામાં આવે છે અને આપણા રાષ્ટ્રીય ધ્યેયને હાંસલ કરવા માટે સવિનય ભંગ કરવો જ પડશે એમ પ્રજાને હૈયે વસી ગયું છે. વળી ઉશ્કેરણી અને ખિજવાટનાં ભારે કારણો મળ્યા છતાં દેશમાં જરૂરી અહિંસાનું વાતાવરણ જળવાઈ રહ્યું છે; તેથી આ કૉંગ્રેસ બધા કાર્યકર્તાઓને આદેશ કરે છે કે આવતી તા. ૩૦મી એપ્રિલ પહેલાં નીચે પ્રમાણે તૈયારીઓ પૂરી કરવી :
“૧. કૉંગ્રેસ સમિતિઓ વધારવી અને તેને વધારે સંગઠિત અને મજબૂત કરવી.
“૨. સ્વરાજયફાળામાં ઓછામાં ઓછા ૨૫ લાખ રૂપિયા એકઠા કરવા.
“૩. અમદાવાદ કૉંગ્રેસમાં નક્કી થયેલી પ્રતિજ્ઞા પાળવા તૈયાર હોય એવા પચાસ હજાર સ્વયંસેવકો નોંધવા.”

કૉંગ્રેસમાં પોતાના મતથી વિરુદ્ધ ઠરાવ પસાર થયો એટલે કૉંગ્રેસનું અધિવેશન પૂરું થયા પછી દાસબાબુએ પોતાના પ્રમુખપદનું રાજીનામું આપી દીધું અને ધારાસભા પ્રવેશની તરફેણવાળાઓનો ‘સ્વરાજ પક્ષ’ નામનો નવો પક્ષ સ્થાપ્યો. પોતે એ પક્ષના નેતા નિમાયા અને ૫ં○ મોતીલાલજીને તેના મંત્રી નીમવામાં આવ્યા. એ બે ઉપરાંત હકીમ સાહેબ, શ્રી વિઠ્ઠલભાઈ પટેલ તથા શ્રી કેળકર તેના મુખ્ય આગેવાન હતા. આ ‘સ્વરાજ પક્ષ’ મારફત કૉંગ્રેસમાં પોતાની બહુમતી કરવાનો તેઓ પ્રયત્ન કરવાના હતા, એટલે કૉંગ્રેસના પ્રમુખ તરીકે કાયમ રહેવું તેમને યોગ્ય ન લાગ્યું. જ્યારથી ધારાસભામાં જવાની