આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાપિતા


બીજી વાર ઑપરેશન કર્યું. તેથી તો ઊલટું દરદ વધ્યું અને ધનુર ધાયું. સ્થિતિ ગંભીર થઈ પડી. પેલા સર્જને કહ્યું કે જીવ બચાવવો હોય તો પગ તરત કાપી નાખવો પડશે. હિંદુસ્તાન પાછા આવીને બૅરિસ્ટરી કરવી હતી તે લંગડા પગે કરવાની કાંઈ શોભે ? એટલે એ સર્જનને છોડ્યો. ડૉ. પી. ટી. પટેલના એક પ્રોફેસરે તપાસીને ફરી ઓપરેશન કરવાનો ચાન્સ લીધો, પણ ક્લૉરોફોર્મ ન લો તો સારા થવાનો વધારે સંભવ છે એમ તેણે કહ્યું. સરદારે કહ્યું કે, “મારે તો ક્લૉરોફોર્મ લેવાની જરૂર જ નથી. ગમે તેટલી પીડા કે દુ:ખ થાય તે હું સહન કરી શકું એમ છું.” અને ખૂબી એ થઈ કે ઑપરેશન પૂરું થયું ત્યાં સુધી એક ઊંહકાર સરખો તેમણે ન કાઢ્યો. સર્જન અને એના મદદનીશ તાજુબ થયા અને બોલ્યા કે : “આવો દરદી અમને પહેલી જ વાર મળ્યો છે.”

સરદારને સ્વચ્છતા અને સુઘડપણાની ટેવ પણ માતાપિતા તરફથી જ વારસામાં મળેલી છે. કેવળ અંગત સ્વચ્છતા જ નહીં, પણ આસપાસની વસ્તુઓ, આંગણું, ફળિયું અને અત્યારે દિલ્હીમાં જે બંગલામાં રહે છે ત્યાંના કમ્પાઉંડનો ખૂણોખાંચરો તમામ સ્વચ્છ રાખવાનો તેમનો આગ્રહ હોય છે. એમની સાથે ઘણી સંસ્થાઓમાં હું ફર્યો છું. ત્યાંનાં મકાનો તથા કમ્પાઉંડમાં કાંઈ પણ ભાંગેલુંતૂટેલું કે અવ્યવસ્થિત હોય, એના પ્લાન કે રચનામાં કાંઈ ખામી હોય તો તે તરફ એમનું ધ્યાન ગયા વિના રહે નહીં; તેમ બધું બરાબર હોય તો એની કદર કરવાની પણ સહેજે વૃત્તિ થઈ આવે. આ વસ્તુ એમના આખા કુટુંબમાં છે. કરમસદનું એમનું ઘર જેમાં અત્યારે એમના નાના ભાઈ કાશીભાઈ રહે છે તે આમ ભભકાવાળું નથી, પણ બહારથી અને અંદરથી સુઘડ છે. અંદર બધી વસ્તુઓ હમેશ તમે વ્યવસ્થિત ગોઠવેલી જુઓ. ઘરની આગળ થોડી છૂટી જમીન છે તે પણ સ્વચ્છ. તેમાં એકાદ ઝાડ અને થોડા ફૂલછોડ છે. એમનો બારડોલીનો આશ્રમ જુઓ તો ત્યાં પણ નમૂનેદાર સ્વચ્છતા અને સુઘડપણું દેખાશે. સરદારમાં જે ઊંચા પ્રકારની મ્યુનિસિપલ દૃષ્ટિ છે તેનાં બીજ એમના આખા કુટુંબમાં છે અને અત્યારે એમના સંબંધવાળી દરેક વસ્તુમાં જોવા મળે છે.