આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૭
નાગપુર ઝંડા સત્યાગ્રહ


કાર્યકર્તાઓ લડતની પરિસ્થિતિ નિહાળવા અને સરકારના શબ્દોમાં આ ‘બધું કારસ્તાન’ રચનાર જમનાલાલજી સાથે મસલત કરવા નાગપુર ઊપડી ગયા.

બીજી તરફથી સરકારે પણ ઝેર વરસાવવા માંડ્યું હતું. નાગપુરનો કમિશનર સિવિલ લાઈન્સમાં રહેતો હતો. અને ત્યાંના સઘળા ગોરાઓનો આગેવાન હતો. આપણા રાષ્ટ્રીય ઝંડાની એને બહુ ભારે સૂગ હતી. સરઘસ સિવિલ લાઈન્સમાં પસાર થાય તો એનો બંગલો રસ્તામાં આવે જ એમ હતું. એ વારંવાર ધમકી આપતો કે મારા બંગલા આગળ સરઘસ આવશે તો હું એના ઉપર ગોળી ચલાવવાનો. મધ્ય પ્રાંતની સરકાર એનાથી ખૂબ ડરતી હતી. હિંદુસ્તાનના સનદી નોકરોના મંડળનો એ મંત્રી હતો. આ મંડળ ગવર્નરો તથા વાઈસરૉયોને પણ ધારે તો ઉથલાવી પાડે એવી શક્તિ ધરાવતું. એટલે એવા મંડળના મંત્રી તરીકે સ્વાભાવિક રીતે જ એની લાગવગ બહુ જબરી હતી. વળી એ પોતે આ લડતને અંગે પ્રકાશનનું અને પ્રચારનું કામ સંભાળતો. એટલે એ શેનો બાકી રાખે ? આગળ આપણે જોઈશું કે મુંબઈના ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ અને કલકત્તાના ‘સ્ટેટ્સમૅન' ના ખબરપત્રી તરીકે પોતે જ તેમાં લખવા માંડ્યું હતું. ‘આ લડત આખી કૃત્રિમ છે. કેવળ કાયદાભંગ માટે, યુરોપિયનોને પજવવા માટે, ગમે તેમ કરીને તોફાન ઊભું કરવા માટે એ ઉપાડવામાં આવી છે. એમને તે ગવર્નમેન્ટ હાઉસ ઉપર અને સેક્રેટેરિયેટ ઉપર સ્વરાજ્યનો ધ્વજ ચઢાવવો છે. આવા હેતુથી લડવા નીકળેલા જુઠ્ઠા, લુચ્ચા-લફંગા, જંગલી અને રખડતાઓને જો કેવળ પકડીને જેલોમાં જ મોકલવામાં આવશે, અને તેમની સારી પેઠે ખબર નહીં લેવામાં આવે તો કાયદાથી સ્થાપિત રાજ્યતંત્ર ઊંધું વળશે, એવી ચેતવણીનો સૂર ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’માંના લેખમાં તેણે કઢાવ્યો. વળી આવા બદમાશોથી રાજનિષ્ઠ રૈયતને બચાવવાનો ઉપાય ગોળીબાર છે એવી સૂચના પણ કરાવી. પોતાના ગોરા જાતભાઈઓને ઉશ્કેરવા તેમને એવી સલાહ અપાવી કે મુસલમાનની મસ્જિદ આગળ વાજાં વગાડવામાં આવે તો મુસલમાનોની લાગણી દુખાય તેમ ગોરાઓના લત્તામાંથી અથવા તેમની ક્લબ આગળથી સ્વરાજ્યનો વાવટો લઈ જવામાં આવે તો તેમની લાગણી દુખાવી જોઈએ. એના ડેપ્યુટી કમિશનરોએ જે જાહેરનામાં કાઢ્યાં છે તે તો તેમની અવળચંડાઈ અને કુટિલ નીતિના આબાદ નમૂના છે. સેવનીના ડેપ્યુટી કમિશનરનું જાહેરનામું જુઓ :

“લોકોને જાહેર થાય જે ખોટી ઉશ્કેરણીથી તમને નાગપુર મોકલવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ત્યાં તમારે સભ્ય વસ્તીમાં રાષ્ટ્રીય કહેવાતો એવો વાવટો લઈને જવું પડશે અને પકડાઈ જવું પડશે. તમને સમજાવવામાં આવે છે કે આ આપણા દેશનો વાવટો છે અને દેશની ઈજ્જત જાળવવા ખાતર