આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૧
નાગપુર ઝંડા સત્યાગ્રહ

એમાં વિનોબાજી પણ હતા. આ લોકો ઉપર કઈ કલમ લગાડવી એ પ્રશ્ન થઈ પડ્યો. જમનાલાલજી અને ભગવાનદીનજી ઉપર તો કાવતરું કરવાની વગેરે અનેક કલમો લાગુ પાડી. પણ સ્થાનિક તેમ જ બીજા પ્રાંતોમાંથી આવેલા સૈનિકોએ હજી કશો ગુનો કર્યો નહોતો, એટલે કઈ કલમ પ્રમાણે સજા કરવી એ મોટો પ્રશ્ન હતો. પણ સિવિલિયન અમલદારોનાં ભેજાં ફળદ્રુપ હતાં. તેમણે ૧૦૯મી કલમ શોધી કાઢી. જેને દેખીતી રીતે ગુજરાનનું કશું સાધન ન હોય અને જેને વિષે તે બદમાશ તથા ભામટો હોવાનો વહેમ જાય તેવાને માટે આ કલમ યોજાયેલી. ગુજરાનનું કાંઈ સાધન ન હોવું એ ગુનો નથી, પણ ભામટો એટલે રખડતો અને ગુજરાન મેળવવા જે મહેનત જ ન કરે તેવો, અને બદમાશ એટલે ગુજરાન મેળવવા અથવા બીજા હેતુ માટે લુચ્ચાઈ લંફગાઈ કરે તેવો, એવાને એ કલમ લાગુ પાડી શકાય. આ સૈનિકો જેમાંના ઘણા હાઈકોર્ટના વકીલો હતા, યુનિવર્સિટીની બબ્બે ડિગ્રીઓ ધારણ કરનારા હતા, વિદ્વાન અધ્યાપક હતા અને આબરૂદાર ખેડૂતો તથા પ્રતિષ્ઠિત વેપારીઓ હતા, જેમનો પરિચય થવાનો પ્રસંગ આવવો એ નાગપુરના અમલદારોએ પોતાનું અહોભાગ્ય સમજવા જેવું હતું, તેમને એ કલમ લાગુ પાડી ભામટાઓ અને બદમાશો ગણીને સજા કરવામાં આવી. આ કલમ લગાડવામાં સરકારનો એક બીજો હેતુ એ પણ હોઈ શકે કે કોઈક દિવસ વાવટાવાળા હુકમના ભંગ માટે સજા પામેલા સત્યાગ્રહીઓનો આંકડો કાઢવાનો પ્રસંગ આવે તો આ કલમવાળાને તેમાંથી બાતલ રાખી સત્યાગ્રહીઓની સંખ્યા ઓછી બતાવી શકાય.

જમનાલાલજી તથા બીજા આગેવાનો તેમ જ જમા થયેલા સૈનિકોને એકસામટા ઘેરીને પકડી લીધા છતાં સત્યાગ્રહી ધ્વજ-સૈનિકોનો પ્રવાહ ચાલુ રહ્યો. મધ્ય પ્રાંતના તેમ જ બીજા પ્રાંતના સૈનિકો નિયમિત આવતા તેમને હવે તે ૧૦૯ કલમ પ્રમાણે જ પકડી લેવામાં આવતા. આની સામે, તેમ જ જમનાલાલજી તથા ભગવાનદીનજીને તેઓ ગુનાનું કશું કૃત્ય કરે તે પહેલાં પકડી લીધા હતા તે બાબત વર્તમાનપત્રોમાં ખૂબ ટીકા થવા લાગી. એટલે સરકારે તા. ૨૮મી જૂનના રોજ એક યાદી બહાર પાડીને ખુલાસો કર્યો તેમાં ભગવાનદીનજીને ‘એક જાથુના કાયમી ચળવળિયા’ તરીકે, ‘રાજદ્રોહને માટે સજા પામેલા એક ગુનેગાર’ તરીકે અને ‘હડતાલ પડાવી નામચીન થયેલા એક શખ્સ’ તરીકે વર્ણવ્યા. તેમનો નવો ગુનો એ બતાવવામાં આવ્યો કે તેમણે ભરસભામાં જાહેર કર્યું હતું કે રાષ્ટ્રીય વાવટો સરકારી મહેલ ઉપર ઉડાવવો જોઈએ. જમનાલાલજીનું વર્ણન એ કર્યું કે, ‘શેઠ જમનાલાલ બજાજ વર્ધાના એક તવંગર મારવાડી અને ગાંધીના ચુસ્ત અનુયાયી’ છે. જાણે કે એમ હોવું એ તેમનો ગુનો હોય ! તેમનાં ભાષણોમાંથી આડાઅવળા ઉતારા લઈ તેમનો મોટો