આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮
સરદાર વલ્લભભાઈ

દોરવાયેલા પુષ્કળ લોકોને કેદમાં પૂરવા પડ્યા છે તેથી સરકારને ખેદ થાય છે. પણ કાયદાની વ્યવસ્થિત અવગણનાનો સજા સિવાય બીજો ઉપાય નથી. આ સરકારને આ ચોખ્ખી સવિનય ભંગની હિલચાલ લાગે છે. સરકારની સત્તા ઉથલાવી નાખવાનો જ આ પ્રયત્ન છે. સરકારનો નિશ્ચય છે કે કાયદેસર સત્તાને આપવામાં આવેલા પડકારને, તેને ઊંધી વાળવાના આ પ્રયત્નનો, પોતાનાં તમામ સાધનોથી પ્રતિકાર કરવો. સરકારને વિશ્વાસ છે કે સરકારની આ નીતિમાં કાયદાને માન આપનારા સૌ નાગરિક, ધારાસભાના સભ્યો સુધ્ધાં, સરકારને ટેકો આપશે.”

ગવર્નર સાહેબે આવી સલાહ આપવા છતાં શ્રી વિઠ્ઠલભાઈના પ્રયાસથી ધારાસભામાં ઠરાવો આવ્યા કે (૧) રાષ્ટ્રધ્વજની લડતને અંગે જે મુકદ્દમા ચલાવવામાં આવે છે તે બધા પાછા ખેંચી લેવા અને નાગપુરની ટિકિટ લેતાં કોઈ ને અટકાવવા નહી. (૨ ) ૧૪૪મી કલમ મુજબ નાગપુરમાં ઝંડાનાં સરઘસ અટકાવનારો હુકમ તરત પાછા ખેંચી લેવો. (૩) એ લડતને અંગે પકડાયેલા અને સજા ભોગવતા સઘળા કેદીઓને બિનશરતે છોડી મૂકવા. આ ઠરાવ ઉપર થયેલી ચર્ચાનો જવાબ આપતાં ગૃહમંત્રીએ સાફ જણાવ્યું કે, ‘વાવટાની સામે કોઈ વાંધો નથી, કોઈ પણ પ્રકારનાં સરઘસ કાઢવાની બાબતમાં નિયમ કરવાનું સુધરેલી સરકારનું કામ છે. જો રજા માગવામાં આવે તો સરઘસ લઈ જવાની જરૂર પરવાનગી મળે.’ તેમણે એ પણ ઉમેર્યું કે, ‘સરઘસબંધીના હુકમની મુદ્દત આવતી ૧૭મીએ પૂરી થાય છે. તે દરમિયાન કશાં દંગાતોફાન ન થાય તો કાયદા પ્રમાણે પણ તે હુકમ ચાલુ રહી શકે નહીં.’ ઠરાવ ૩૧ વિ○ ર૭ મતે પસાર થયો. પણ જ્યાં સુધી સવિનભંગ બંધ ન થાય ત્યાં સુધી કોઈ પણ ઠરાવના અમલનો વિચાર ન થઈ શકે એમ કહી ગવર્નર સાહેબે પોતાની ખાસ સત્તાની રૂએ ધારાસભામાં બહુમતીથી પસાર થયેલો ઠરાવ રદ્દ કર્યો. આમ શ્રી વિઠ્ઠલભાઈના પ્રયત્ન નિષ્ફળ જવાથી ધારાસભાવાદીઓ નિરાશ થયા.

ગવર્નર સાહેબ અને હોમ મેમ્બરે ધારાસભાના સભ્યોને તો ઉડાવ્યા, પણ બંનેને લાગવા માંડ્યું હતું કે લડતનું જોર વધતું જાય છે અને બહારથી પ્રતિષ્ઠિત લોકો આવી નાગપુરની જેલો ભરી રહ્યા છે, એટલે લડતનું સમાધાન થાય તો સારું. એટલે ત્યાંના ગૃહમંત્રી તરફથી ગવર્નર સાથે સરદાર તથા શ્રી વિઠ્ઠલભાઈની મુલાકાત તા. ૧૩મીએ ગોઠવવામાં આવી. બંને પક્ષે પોતપોતાનાં દૃષ્ટિબિંદુ સ્પષ્ટ કર્યા, એથી આગળ કશુંયે મુલાકાતમાં નક્કી થયું નહીં અને શ્રી વિઠ્ઠલભાઈએ સમાધાનીની ઉમેદ છોડી દીધી. સરઘસબંધીના હુકમની મુદ્દત પૂરી થતાં સરકાર નવો હુકમ કાઢશે એમ ગવર્નરની મુલાકાતમાં ચોક્કસ લાગ્યું. વળી એમ પણ ચોક્કસ જણાયું કે નવો હુકમ કાઢતાંની સાથે સરદારને