આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૧
નાગપુર ઝંડા સત્યાગ્રહ


બદલાઈ છે માટે આપણે સિવિલ લાઈન્સમાંથી સરઘસ લઈ જવાના છીએ તેની પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને અગાઉથી ખબર આપવી એ ઠીક છે. એટલે તા. ૧૮મીએ સરઘસ નીકળતા પહેલાં એને નીચે પ્રમાણે કાગળ લખ્યો. આ કાગળ આગળ ઉપર ચર્ચાનો વિષય થઈ પડ્યો છે તેથી આખો શબ્દેશબ્દ અહીં આપ્યો છે :

“ધિ ડિસ્ટ્રિટ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ,
નાગપુર
“સાહેબ,
આ ઉપરથી તમને હું ખબર આપું છું કે હું આજે તા. ૧૮મી ઑગસ્ટ, ૧૯૨૩ના રોજ શહેરમાં અને સિવિલ લાઈન્સમાં સરઘસ કાઢવાનો છું. સરઘસનો વખત અને માર્ગ છાપેલી સૂચનાઓમાં દર્શાવેલ છે તેની નકલ તમારી જાણ માટે આ સાથે મોકલું છું.
સેવક,
વલભભાઈ ઝ○ પટેલ”
 


સરઘસને માટે સૂચનાઓ
૧. સરઘસના નાયકની પાસે રાષ્ટ્રીય ઝંડો હોય અને બીજા બધા સ્વયંસેવકો છાતી પર ઝંડાનો ચાંદ ધારણ કરે.
૨. જે રસ્તાઓ પરથી સ્વયંસેવકોનું સરઘસ પસાર થાય તે રસ્તાઓ પર જનારા આવનારાઓને કે આસપાસ રહેનારાઓને માઠું લાગે એવી વિનાકારણ ગીરદી ન કરવી.
3. કચેરીના મકાનથી ખ્રિસ્તી દેવળ સુધી આપણા સરઘસના કાર્યકર્તાઓએ એવી જાતની વ્યવસ્થા રાખવી કે જેથી આપણા દેશના ગોરા વસનારાઓની લાગણીઓનો આપણે પૂરતો ખ્યાલ રાખીએ છીએ તે દેખાઈ આવે.
સરઘસનો રસ્તો — સરઘસ હમેશની માફક ઝંડા પુલ ઉપર થઈને જિલ્લા કચેરી, જ્યૂડિશિયલ કમિશનરની અદાલત અને સેક્રેટેરિયેટનાં મકાન પાસેથી નીકળી, ચાર રસ્તાના ખૂણા પર આવેલા લાલ બંગલાની પાસે થઈ જમણા હાથની સડક પર થતું ત્યાંથી કમિશનરની ઑફિસની સામે થઈ તેલનખેડી તળાવની ઉત્તર તરફની સડકને રસ્તે સદર બજાર જાય. [૧]
સમય — સરઘસ બપોરના બાર વાગ્યે રાષ્ટ્રીય ઝંડા સત્યાગ્રહ ઑફિસથી રવાના થશે અને બે વાગ્યાના સુમારે સદર બજાર પહોંચશે.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટના હુકમથી આજના પરિણામ વિષે સરદારના મનમાં થોડો વસવસો હતો. પણ શું કરવું તે વિચારવાનું સરકારનું કામ હતું. આપણો કાર્યક્રમ તો નિશ્ચિત હતો.


  1. ❁ જેને માટે સરઘસબંધી હતી તે બધો ભાગ આમાં આવી જાય છે.