આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
વિદ્યાભ્યાસ


એક શિક્ષક પોતાના વર્ગમાં વપરાતી ચોપડીઓનો તથા વિદ્યાર્થીઓએ વાપરવાના કાગળ, પેન્સિલ, નોટબુક વગેરે સાહિત્યનો વેપાર કરતા અને પોતાની પાસેથી જ એ બધું ખરીદવાની વર્ગના વિદ્યાર્થીઓને ફરજ પાડતા. સરદાર પાસે આ ફરિયાદ આવતાં તેમણે વિદ્યાર્થીઓ પાસે એ શિક્ષકનો એવો બહિષ્કાર કરાવ્યો કે આખરે પેલા શિક્ષકને પોતાનો વેપાર છોડી દઈને નમવું પડ્યું.

આવી લડાઈઓ ઉપરાંત સાર્વજનિક સ્વરૂપની કહેવાય એવી પ્રવૃત્તિમાં પણ તેઓ ભાગ લેતા. મ્યુનિસિપલ ચૂંટણીમાં શાળાના એક મહાનંદ નામના માસ્તર ઉમેદવાર તરીકે ઊભા થયેલા. મહાનંદ માસ્તરના પક્ષે કામ કરવા શાળાના બધા છોકરાઓને સરદારે તૈયાર કર્યા. સામે નડિયાદના દેસાઈ કુટુંબના એક ભાઈ હતા. તે બોલી ગયેલા કે આ માસ્તરની સામે હું હારું તો મૂછ મૂંડાવી નાખું, સરદારે વિદ્યાર્થીઓની મદદથી મતદારોમાં એવું સજ્જડ કામ કર્યુ કે મહાનંદ માસ્તરની બહુ મોટી બહુમતીથી જીત થઈ. તરત જ સરદાર તો પચાસેક છોકરાના ટોળા સાથે એક હજામને લઈને દેસાઈને મૂછ મૂંડાવાનું કહેવા ઊપડ્યા !

વડોદરાનું એક પરાક્રમ તો બહુ રમૂજી છે. ઉપર કહેવાઈ ગયું છે કે મૅટ્રિકમાં હતા ત્યારે વડોદરા હાઈસ્કૂલમાં સરદાર ગયેલા. સંસ્કૃતમાં બહુ રસ નહીં પડવાથી તેમણે મૅટ્રિકમાં સંસ્કૃત છોડી ગુજરાતી લીધેલું. શ્રેય:સાધક અધિકારી વર્ગના પ્રસિદ્ધ છોટાલાલ માસ્તર તે વખતે ત્યાં ગુજરાતી શીખવતા હતા. તેઓ ગુજરાતી શીખવતા પણ દેવભાષા છોડીને ગુજરાતી શીખવા આવનાર પ્રત્યે તેમને સહેજે અણગમો રહેતો. સરદાર તેમના વર્ગમાં દાખલ થયા કે તરત છોટાલાલ માસ્તરે તેમને કહ્યું કે, “આવો મહાપુરુષ ! ક્યાંથી આવ્યા ? સંસ્કૃત છોડી ગુજરાતી લો છો. પણ સંસ્કૃત વિના ગુજરાતી આવડે જ નહીં એ ખબર છે ?” એમ કહીને સંસ્કૃતના ઘણા લાભો ગણાવ્યા. એટલે વિદ્યાર્થી વલ્લભભાઈ કહે : “પણ સાહેબ, અમે બધા સંસ્કૃતમાં જ રહેત તો પછી તમે શીખવત કોને ?” શિક્ષક ખિજાયા અને હુકમ કર્યો : “મહાપુરુષ ! જાઓ, એક એકથી દસ એકા સુધીના પાડા લખી લાવજો.” એક દિવસ થયો, બે દિવસ થયા, મહાપુરુષ શેના લખી લાવે ? માસ્તર સાહેબ જ ચિડાતા જાય અને રોજ સજા વધારતા જાય. “જાઓ, કાલે બે વાર લખી લાવજો,” “ કાલે ચાર વાર,” “કાલે આઠ વાર,” એમ વધતાં વધતાં બસો પાડા લખવાનો હુકમ થયો. પણ ‘મહાપુરુષ’ ઉપર કશી અસર ન થઈ. શિક્ષક શિક્ષા વધારતા ગયા અને શિષ્ય એ શિક્ષા મૂંગે મોઢે સાંભળતા ગયા. પછી તો છોટાલાલ માસ્તરે પૂછ્યું: “કેમ, લખી લાવવા છે કે નહીં ? કે બીજી શિક્ષાનો વિચાર કરું ?” શિષ્યે જવાબ