આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨
સરદાર વલ્લભભાઈ

પ્રગટ કરીશ. સરકારે જે મુલાકાતનો ખાનગી રાખવાનું વચન આપેલું તે મુલાકાતનો હેવાલ તેમાંની હકીકતને મારી મચડીને તદ્દન ઊંધી રીતે રજૂ કરી તેણે વિશ્વાસનો ભંગ કર્યો છે. મધ્ય પ્રાંતની સરકાર વિષે મારા પર કાંઈક સારી છાપ પડી હતી. પણ હવે મને એના પર દયા છૂટે છે.

“પ્રથમ, ગવર્નર સાથેની મુલાકાત વિષે શ્રી વિઠ્ઠલભાઈ પર ચીફ સેક્રેટરીનો એક કાગળ આવ્યો. તેમાં પોતાને મળી પરિસ્થિતિની ચર્ચા કરવાનું અમને આમંત્રણ હતું. તે પ્રમાણે અમે બંને તેમને મળ્યા. વાતચીતમાં એવી સૂચના કરવામાં આવી કે અમારે ગવર્નરની મુલાકાત લેવી. અમે તેનો કોઇ જવાબ નહીં આપેલો. બીજે દિવસે શ્રી વિઠ્ઠલભાઈ ઉપર ચીફ સેક્રેટરીની ચિઠ્ઠી આવી કે જો તમારે ગવર્નરને મળવું હોય તો તેઓ સાહેબ તમને રેસિડેન્સીમાં આવતી કાલે સવારે અગિયાર વાગ્યે મળવા ખુશી છે. તે પ્રમાણે અમે મળવા ગયા. તેમની સાથે લગભગ ત્રણ કલાક સુધી આખી પરિસ્થિતિની ચર્ચા કરી. મુલાકાત માટે મોઢાની કે લેખી અરજી અમે કદી આપી નહોતી.
“બીજી વાત સરઘસની પરવાનગી વિષે. અમે પરવાનગી માટે અરજી આપી નથી તેનો પ્રત્યક્ષ પુરાવો પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ ઉપરનો મારો કાગળ છે. શ્રી વિઠ્ઠલભાઈ ધારાસભાની બેઠક થઈ તે પહેલાં હોમ મેમ્બરને મળેલા. હોમ મેમ્બરે વિઠ્ઠલભાઈને લખેલું કે કૉંગ્રેસ સમિતિ વતી કોઈ પણ માણસ ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટની પરવાનગી માગશે તો સરકાર સરઘસને પસાર થવા દેશે. અમે તરત જવાબ આપ્યો કે ડિસ્ટ્રિક્ટ મૅજિસ્ટ્રેટના હુકમને લીધે તો આ સત્યાગ્રહનો જન્મ થયેલ છે. અમે એવી કંઈ અરજી કરી શકીએ એમ નથી. સરકારી ઠરાવમાં અમે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને અરજી કરી એવું જે સૂચન છે તે સાવ ખોટું અને કેવળ બુદ્ધિભેદ ઉપન્ન કરનારું છે.
“ત્રીજું, કેદીઓ છૂટ્યા પછી નાગપુર રાષ્ટ્રધ્વજની લડતમાં અમુક શરતોએ જ ભાગ લેશે એવી અમે કબૂલાત આપી એમ જે કહેવામાં આવ્યું છે તે તદ્દન પાયા વિનાનું છે અને દેખીતાં કારણોસર હેતુપૂર્વક કહેવામાં આવ્યું છે. એક પણ બાબત વિષે નહોતી સરકારે અમને કબુલાત આપી, નહોતી અમે સરકારને કબૂલાત આપી. પહેલાં તો શ્રી વિઠ્ઠલભાઈ જ હોમ મેમ્બરને મળતા. પાછળથી હોમ મેમ્બરે ધારાસભાના પોતાના ભાષણમાં સ્પષ્ટ શબ્દોમાં વિષ્ટિને માટે લગભગ નોતરું આપ્યા જેવા ઉદ્‌ગારો કાઢ્યા તે જોઈને કૉંગ્રેસની કારોબારી સમિતિએ મને વિષ્ટિ કરવાની સલાહ આપી. ત્યારથી હું હોમ મેમ્બરને મળવા લાગ્યો. આ બધી મુલાકાતો પરસ્પર વિશ્વાસના તત્ત્વ પર ચાલેલી અને એ વાત બંને પક્ષ વચ્ચે અનેક વખત સ્પષ્ટ કરવામાં આવી હતી. પણ ચીફ સેક્રેટરીએ તો એ મુલાકાતોને એકપક્ષી અને સત્યને મારીમચડીને વિકૃત અર્થ કર્યો છે. અમે લખેલા અને અત્યારે સરકારના