આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮
સરદાર વલ્લભભાઈ


૮. વીરસદ ગામમાં રાવણિયાઓએ ઘરમાં પેસવાની ના પાડી. સર્કલ ઇન્સ્પેક્ટર જાતે માલ કાઢવા ઘરમાં પેઠા. આખા દિવસમાં સાત જપ્તીઓ થઈ શકી. પંચાતનામાં કે પહોંચની કંઈ વિધિ થતી નથી.

૯. દેવાણના ઠાકોરે સ્વયંસેવકોને જણાવ્યું કે તમારે અહીં આવવાની જરૂર નથી. હું એક પૈસો પણ ભરાવા દઈશ નહીં. મેં તો કલેક્ટરને લખી દીધું છે કે મારા ગામનું રક્ષણ હું કરું છું. તમારી પોલીસની મારે જરૂર નથી અને મારી પ્રજા એક પૈસો પણ ભરશે નહીં.

૧૦. એક પૅન્શનરે વેરો ભરવાનું ના પસંદ કરીને જપ્તી કરાવવાનો લહાવો લીધો.

૧૧. બોદાલમાં મામલતદાર પધાર્યા. મુખી ખેતરમાં હતા. તેમણે મુખીને બોલાવવા માણસ મોકલ્યો. એના જવાબમાં મુખીએ કહેવડાવ્યું કે મારું કામ પૂરું કરીને આવું છું, ત્યાં સુધી ચોરામાં બેસો. મામલતદાર મુખી, મતાદાર તથા રાવણિયાના ઠરાવનું જાણતા હતા. તેમણે રાવણિયાઓને કહ્યું કે તમારે જપ્તીઓનો માલ ઉઠાવવો પડશે, જપ્તીઓ કરવા ઘરમાં દાખલ થવું પડશે, સરકારી નોકરોનું પાણી ભરવું પડશે અને લાકડાં તથા જોઈતી વસ્તુઓ લાવી આપવી પડશે. રાવણિયાઓએ કહ્યું કે અમે આ વખતે એમાંનું કશું કરવાના નથી. તમારે નોકરીમાંથી કાઢી મુકવા હોય તો ખુશી છીએ. અમે આ અન્યાયી વેરો ઉઘરાવવાના હુકમને માનવાના નથી. એટલામાં મુખી આવ્યા.

મામ○ — ગામમાં કેમ ચાલે છે ?

મુખી — ગામ મક્કમ છે. હૈડિયાવેરો ભરવાની ના પાડે છે.

મામ○ — ક્યારના આવ્યા છીએ તોપણ તમારા હિસાબમાં જ નહીં, કેમ ?

મુખી — ના સાહેબ, મારે મન તો કલેક્ટર સાહેબ અને આપ બધા અમલદારો સરખા જ છો.

મામ○ — ચાલો અમારી સાથે જપ્તી કરવા આવો છો ને ?

મુખી — ના સાહેબ, હું સરકારી મહેસૂલની જપ્તી અથવા જંગલનાં લાકડાંની હરાજી કરવાની હોય તો કરી શકું. આવા અન્યાયી વેરાની જપ્તીઓ હું કરી શકું એમ નથી. મારા ભાઈઓનાં ગળા પર છરી ફેરવી શકીશ નહીં.

મામ○ — કોઈ ગામના મુખી ગામલોકથી ડરતા નથી અને તમે કેમ ડરો છો?

મુખી — અમારા ગામમાં એક બાપની પ્રજા છે. મારે ગામ સાથે પેઢીઓથી વહેવાર છે. અમારા ભાઈઓ કરતાં સરકાર મોટી નથી.

મામ○ — જો તમારાથી ના બને તો રાજીનામું આપો.