આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૯
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો


મુખી — અમારી પાંચ સાત પેઢીમાં આવો વેરો અમે જોયો નથી. આ વેરો ઉધરાવવા આવવાનું મારાથી નહી બને.

મામ○ — તો તમને સસ્પેન્ડ કરવામાં આવે છે.

સાંજે ગામે ભેગા થઈ ઠરાવ કર્યો કે મુખી તથા રાવણિયાઓની જગ્યા ગામમાંથી કોઈએ લેવી નહીં.

૧૨. સુણાવ ગામમાં સર્કલ ઇન્સ્પેકટર તલાટી, મુખી તથા રાવણિયાઓને લઈ જપ્તી કરવા નીકળ્યા. એક ઘર આગળ ગયા ત્યાં પુરુષવર્ગ હાજર નહોતો. સ્ત્રીઓને પૂછતાં જવાબ મળ્યો કે, ‘આ રહ્યું ઘ૨. હાથમાં આવે તે લઈ જાઓ.’ સર્કલ ઇન્સ્પેક્ટરે રાવણિયાઓને વાસણ લાવવા કહ્યું. તેઓએ ચોખ્ખી ના પાડી. સર્કલે કહ્યું, ‘આમ કેટલાં ઘરમાં વાસણ લાવવા નહીં પેસો?’ રાવણિયાઓએ હિંમતથી કહ્યું, ‘કોઈના ઘરમાં નહીં પેસીએ.’ સર્કલે પૂછ્યું, ‘લાવી આપું તો ચોરામાં લઈ જશો ?’ એની પણ પેલાઓએ ના પાડી. સર્કલે કહ્યું, ‘આખા તાલુકામાં કોઈ ગામના રાવણિયા આટલી હદે પહોંચ્યા નથી. લોકોના ઘરમાં ન પેસે પણ બહાર માલ લાવી આપે તે ઉપાડે તો છે જ. આવી પહેલ તાલુકામાં તમે જ કરો છો. માટે સહન કરવું પડશે.’ રાવણિયાઓએ જવાબ આપ્યો, ‘અમે નોકરી છોડી દઈશું. શાહુકાર લોકો પૈસાની લાલચથી ગમે તે કરે. અમારે શું ? અમારે અહીં કે બીજે મજૂરી જ કરવી છે ને ? અમે તો ડરીએ પણ નહીં અને ડગીએ પણ નહીં. પછી મુખીને ઘરમાં પેસવાનું કહેતાં તેણે જવાબ આપ્યો, ‘ગામનો ધણી છું. મને આબરૂ વહાલી છે. લોકોના ઘરમાંથી વાસણો કાઢવાનું અને ઊંચકવાનું કામ મારું નથી.’ સર્કલે મુખી અને રાવણિયાના લેખી જવાબ લીધા. પછી મજૂરની શોધ કરી પણ કોઈ મળ્યું નહીં એટલે ચોરામાં પાછા ફર્યા.

જપ્તીઓનું કામ શરૂ થયું કે થોડા જ દિવસમાં લોકોએ એક નવો પેંતરો રચ્યો. ગામને પાદરે ઝાડ પર મોટું નગારું લઈને સ્વયંસેવક બેસે અને જપ્તીવાળાને આવતા દેખે કે વગાડવા માંડે, જે સાંભળીને લોકો ઘર બંધ કરી તાળાં દઈ ઢોરને લઈ સીમમાં ચાલ્યા જાય. ઘરમાં સ્ત્રી વગરે રહે તો પણ બારણે તાળું દીધેલું હોય. ગામના છોકરાઓ ગામમાં ગાતા ગાતા ફરે ‘ના ભરશો રે ના ભરશો, અન્યાયી વેરો ના ભરશો.’ બોરસદ જેવાં મોટાં ગામોમાં તો લડત ચાલી એટલા બધા દિવસ દહાડે બધાં ઘર તાળાંબંધ રહેતાં અને રાતે બધો વહેવાર ચાલતો. સ્થળે સ્થળે કિસન દીવા અને સ્વયંસેવકોનો ચોકીપહેરો ગોઠવી દેવામાં આવતો. બજાર પણ રાતે ઊઘડતું અને બહેનો પાણી ભરવા પણ રાતે જતી.

આમ જપ્તીમાં કશી સફળતા ન મળી એટલે મામલતદારે કેટલાંક ગામે વેરો નહીં ભરનારાની જમીન ખાલસા કરવાની નોટિસો કાઢી. તરત જ