આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૦
સરદાર વલ્લભભાઈ


સરદારે પોતાની અને દરબાર સાહેબની સહીથી પત્રિકા કાઢી. તેમાં જણાવ્યું કે:

“અમુક મુદ્દતની અંદર વેરો નહીં ભરાય તો ખાતેદારની જમીન ખાલસા કરવાની મામલતદારે નોટિસો કાઢી છે. અમે માનતા નથી કે સરકારને મામલતદારના આ કામની ખબર હોય. ચાર રૂપિયાનો દંડ વસૂલ કરવાને ખાતર જ્યારે જમીન ખાલસા થશે ત્યારે બહારવટિયાની અને આ રાજ્યની નીતિમાં કશો ફેર નહીં રહે. બાબર દેવાની ટોળી જાન લેવાની ધમકી આપી લોકો પાસે પૈસા કઢાવે છે. સરકારના અમલદારો આ જુલમી અને અન્યાયી વેરો વસૂલ કરવા માટે જે જમીન ઉપર પ્રજાની જાન નભી રહેલ છે તે જમીન પડાવી લેવાની ધમકી આપે છે. મામલતદાર સાહેબે તમને જે ધમકી આપી છે તેની કલેક્ટર સાહેબને ખબર જ નહીં હોય એમ અમે માનીએ છીએ. આ દંડને ખાતર જમીન ખાલસા થઈ શકે જ નહીંં. છતાં જો સરકાર એવા નિશ્ચય ઉપર આવે કે આવા દંડને ખાતર પણ ખેડૂતોની જમીન ખાલસા થઈ શકે તો આપણે સરકારનાં આવાં પગલાંને વધાવી લેવું જોઈએ. સરકાર જેમ વધારે ને વધારે અન્યાય કરશે તેમ તેનાં વળતાં પાણી વહેલાં થશે. ગુસ્સે થવાનાં અનેક કારણો મળ્યા. છતાં જે શાન્તિથી પ્રજાએ જપ્તીઓનું કામ ચાલવા દીધું છે તેને માટે તેને અમે મુબારકબાદી આપીએ છીએ.”

એક દિવસે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, આસિસ્ટન્ટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ, પોલીસ ઈન્સ્પેક્ટર વગેરે પોલીસ અમલદારો બે મોટરો લઈ દાવોલ ગામે ગયા. તેમનો ગામ લોકો સાથે થયેલ સંવાદ લોકોની દૃઢતા બતાવે છે:

સ○ — તમે કાંઈ અરજ કરવા માગો છો ?
જ○ — ના, સાહેબ. અમારે તમને કોઈ ફરિયાદ કરવાની નથી.
સ○ — કેમ ? તમારા ગામે હાલમાં શાન્તિ તો છે ને ?
જ○ — હા, સાહેબ.
સ○ — તમારા ગામમાં પોલીસ ફાળો ઉઘરાવ્યો કે નહીં ?
જ○ — અહીં મામલતદાર સાહેબ આવેલા તેમણે ગામમાંથી જપ્તીઓ કરી વાસણ તથા અનાજના કોથળા લઈ ચોરામાં નાખ્યા છે.
સ○ — આટલી જપ્તીઓ થયા છતાં તમે વેરો કેમ ભરતા નથી ?
જ○ — આ અન્યાયી વેરો ભરવા અમે રાજી નથી.
સ○ — આ વેરો નહીં ભરો તો અમે પોલીસ ઉઠાવી લઈશું.
જ○ — જેમ સરકારને ઠીક લાગે તેમ કરે. એને મુલકમાં બંદોબસ્ત રાખવાનો છે તે એક પોલીસથી રાખે કે સો પેાલીસથી રાખે.
સ○ — તમારે શાંતિ જોઈએ છે કે નહીં ?
જ○ — અમારે ને તમારે બંનેને શાન્તિની જરૂર છે. શાન્તિથી બંનેને સુખ છે.