આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૯
ગૃહજીવનમાં ડોકિયું

બંને બાળકો શું ભણે છે, પરીક્ષામાં કેવું કરે છે એ બધું ગાંધીજી મણિબહેનને પૂછી લેતા. ડાહ્યાભાઈ ગાંધીજી સાથે બહુ વાતો ન કરતા તેમ પત્રવ્યવહાર પણ ન રાખતા. પણ મણિબહેન ગાંધીજીને વારંવાર મળતાં રહેતાં તથા તેમની સાથે પત્રવ્યવહાર પણ રાખતાં. વિદ્યાપીઠના સ્નાતક થયા પછી શું કરવું એ બાબતમાં ગાંધીજીની દોરવણી તેમને મળ્યાં કરતી. ડાહ્યાભાઈને દાક્તરીનો અભ્યાસ કરવો હોય તો હકીમ અજમલખાન સાહેબની તિબ્બી કૉલેજમાં જવાની અને ઈજનેર થવું હોય તો કોઈ મોટા કારખાનામાં કામ કરતે કરતે ઈજનેરી શીખવાની ગાંધીજીએ સૂચના કરેલી અને અભ્યાસ માટે પરદેશ જવું હોય તો તેની ગોઠવણ કરી આપવા પણ કહેલું. બિરલાની કોઈ મિલમાં ગોઠવવાની વાત આવેલી પણ ડાહ્યાભાઈ કાપડની મિલમાં કામ કરે એ ગાંધીજીને પસંદ નહોતું. આમ અનેક વિચારો થયા. પણ ડાહ્યાભાઈએ પોતે જ વીમાની લાઈન પસંદ કરી અને તેમાં આપમેળે જ પોતાની ગોઠવણ કરી લીધી. પોતાને માટે કન્યાની પસંદગી પણ ડાહ્યાભાઈએ પોતે જ કરી લીધી હતી. લગ્નનો દિવસ નક્કી કરવાનો વખત આવ્યો ત્યારે ડાહ્યાભાઈએ ગાંધીજીને કહ્યું કે, “મણિબહેન મોટાં છે માટે એમનાં લગ્ન થઈ ગયા પછી હું પરણીશ.” ગાંધીજીને મણિબહેને કહ્યું કે, “મારાં લગ્ન માટે ડાહ્યાભાઈ બેસી રહેશે તો એને બેસી જ રહેવું પડશે. કારણ મારે પરણવું નથી.” પછી સાબરમતી આશ્રમમાં ગાંધીજીની હાજરીમાં જ સને ૧૯૨૫ના માર્ચમાં ડાહ્યાભાઈનાં લગ્ન થયાં. એ વિષે ગાંધીજીએ ‘નવજીવન’માં લખ્યું છે:

“શ્રી વલ્લભભાઈના પુત્ર ચિ. ડાહ્યાભાઈ તથા શ્રી કાશીભાઈ અમીનની દીકરી ચિ. યશોદાનાં તો સ્વેચ્છાએ થયેલાં લગ્ન ગણાય. બંનેએ એકબીજાંને શોધ્યાં ને પોતાની ઇચ્છાએ પણ વડીલોની સંમતિ લઈ વિવાહનો નિશ્ચય કર્યો. . . . પાટીદાર કોમને સારુ આ આદર્શ લગ્ન કહી શકાય. બંને જાણીતાં કુટુંબ છે. શ્રી કાશીભાઈ ખર્ચ કરવા ધારે તો કરી શકે તેમ હતા. છતાં ઇરાદાપૂર્વક વિના ખર્ચે લગ્ન કરવાનો તેમણે નિશ્ચય કર્યો અને કેટલેક અંશે તેમના નાતીલાનો રોષ વહોરી લીધો. મારી ઉમેદ તો એવી છે કે એવાં લગ્ન બીજા પાટીદારો કરે અને બીજી ન્યાત પણ કરે ને ઘણા ખર્ચના બોજામાંથી નીકળી જાય. તેમ કરે તો ગરીબને શાંતિ થાય અને ધનિક પોતાની ઇચ્છાનુસાર દેશસેવાના અથવા ધર્મના કાર્યમાં દ્રવ્ય વાપરે.”

અસહકારની શરૂઆતમાં મુંબઈની સ્કૂલ છોડી ડાહ્યાભાઈ અમદાવાદ આવ્યા. ત્યાર પછી થોડા વખતમાં ગાંધીજીએ પરદેશી કપડાંની હોળી કરાવી તેમાં પોતાનાં તમામ કપડાં બાળી નાખી બન્ને ભાઈબહેને ખાદી ધારણ કરી. ખાદીમાં પણ મણિબહેને તો સફેદ સિવાય બીજી ખાદી વાપરી જ નથી.