આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૪
સરદાર વલ્લભભાઈ

પસંદ કરી પોતાનો પ્રયોગ તેમાં અજમાવવો એ નક્કી કરવું ગાંધીજીને મુશ્કેલ પડે, એવી અપીલ તેમણે ગુજરાતને કરી.

સાસૂન હૉસ્પિટલમાંથી દાક્તરે મુક્તિ આપી એટલે મિત્રોના આગ્રહથી આરામ અને હવાફેર માટે ગાંધીજી જૂહુ જઈને રહ્યા. તા. ૬ઠી એપ્રિલથી તેઓશ્રીએ ‘નવજીવન’ અને ‘યંગ ઈડિયા’ માં લખવાનું શરૂ કર્યું', તે જ અંકમાં પોતાના કારાવાસ દરમિયાન ગુજરાતની અને સરદારની કામગીરી વિષે તેમણે લખ્યું :

“ગુજરાતનો છેલ્લાં બે વર્ષનો ઇતિહાસ ગુજરાતીને શોભાવનારો છે. જે ગુજરાતને શોભાવે તે હિંદુસ્તાનને શોભાવે. આપણી પ્રવૃત્તિ એવી છે કે તેમાંની જે વસ્તુ એક પ્રાંતને લાભ દે તે સમસ્ત હિંદુસ્તાનને લાભ આપે. તેથી જેટલે અંશે ગુજરાત ચડ્યું છે તેટલે અંશે આખો દેશ ચડ્યો છે. વલ્લભભાઈની કાર્યદક્ષતા દરેક અંગમાં જોઈ શકાય છે. જેવા તે, તેવા તેમના સાથીઓ. બોરસદ સત્યાગ્રહ એ સાત્વિક ઉદ્યમનો ઉજ્જવળ દાખલો છે.
“બોરસદ સત્યાગ્રહ ખેડાના સત્યાગ્રહથી ઘણે અંશે ચડી જાય છે. ખેડાની જીત કેવળ માનની જીત હતી. અમદાવાદના મજૂરોના સત્યાગ્રહની જીતને મારા ઉપવાસની ઝાંખપ હતી, કેમ કે તે ઉપવાસનું અયોગ્ય દબાણ મિલમાલિકો ઉપર પડ્યું હતું.
“બોરસદમાં સત્યાગ્રહનો જ ઘણો વિજય થયો. તેમાં માન અને અર્થ બંને સચવાયાં અને જીત મળવામાં બીજાં કોઈ યોગ્ય કે અયોગ્ય સાધનનું મેળવણ થયું જ નહીં’.
“કોઈ એમ ન ધારી લે કે સંજોગ અનુકુળ હતા તેથી જીત થઈ, કેમ કે ગવર્નર સારા નીવડ્યા. ગવર્નરને ન્યાય કરવા સારુ આપણે અવશ્ય તેમને ધન્યવાદ આપીએ. પણ સૂબો કઠણ હૃદયનો હોત તો તે કંઈ બોરસદના શુદ્ધ આગ્રહને દાબી શકત કે ? શ્રદ્ધાળુ એટલું માને કે સાત્વિક પ્રવૃત્તિને ચલાવનાર સાત્ત્વિક વૃત્તિના હોય તો સંજોગે એની મેળે અનુકુળ થઈ જાય છે. સત્યાગ્રહની રીત એ છે કે વિરોધીને મિત્ર બનાવો એટલે કે સાત્ત્વિક સંજોગ ઉત્પન્ન કરવા.
“જો બોરરસદનો સત્યાગ્રહ કરીને ગુજરાતે આરામ લીધો હોત તોપણ કોઈ આંગળી ચીંધત નહીં. પણ સત્યાગ્રહીને આરામ કેવો ? તેની ‘વેકેશન’ તેનો નિત્યનો ઉદ્યમ છે. સત્યાગ્રહને અર્થે અંતરદર્શન પણ કરી શકાય. બોરસદમાં લોકોએ અંતરદર્શન કર્યું એટલે જોયું કે બોરસદ ઉપર સજા અર્થે પોલીસ બેસાડી તેમાં કંઈક દોષ પોતાનો પણ હતો. એક દોષ જોતાં બીજો પોતાની મેળે દેખાઈ આવે છે, તેથી હવે ત્યાં આંતર-સુધારણાનું કામ થઈ રહ્યું છે. સરકારની સામે ઝૂઝવા કરતાં આ કામ વધારે કીમતી તેમ જ કઠિન છે. સરકારની સામે લડીને જય મેળવો એ નીંદણ ક્રિયા હતી. હવે પાકને ઉગાડવાની ને ઉતારવાની મહેનત કરવી તેમાં વધારે