આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૫
કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ

મુશ્કેલી છે, તેમ જ વધારે મુદ્દતની જરૂર છે. એ કામ પણ સુંદર ચાલી રહ્યું છે એમ હું સાંભળું છું. એ કામની પૂર્ણતામાં બોરસદ તાલુકાના વતનીઓની તેમ જ સ્વયંસેવકોની શક્તિ અને લાયકાતની આંકણી રહેલી છે.”

તા. ૧૩મી મેના રોજ બોરસદમાં સાતમી ગુજરાત રાજકીય પરિષદની બેઠક શ્રી કાકાસાહેબના પ્રમુખપણા નીચે થઈ. તેની જ સાથે શ્રી મામા સાહેબ ફડકેના પ્રમુખપણા નીચે અંત્યજ પરિષદ થઈ તથા શ્રી રવિશંકર મહારાજના પ્રમુખપણા નીચે ઠાકોર પરિષદ થઈ. એ પરિષદમાં ગાંધીજી આવશે એમ આશા રાખવામાં આવેલી. પણ મિત્રોએ અને દાક્તરોએ એમને જૂહુ છોડવા ન દીધું. બોરસદની પરિષદને તેમણે પ્રેરક સંદેશ મોકલી આપ્યો. તેમાં બોરસદની પ્રજાને કહ્યું :

“બોરસદે ગુજરાતને શોભાવ્યું છે. બોરસદે સત્યાગ્રહ કરી, ભોગ આપી. ત્યાગ કરી, પોતાની અને હિંદુસ્તાનની સેવા કરી છે. બોરસદે જમીન સાફ કરી. ચણતર કરવાનું બાકી છે ને તે કઠણ કામ છે. તે કામ થઈ રહ્યું છે એમ હું જાણું છું. તે પૂરું તો ત્યારે થયું કહેવાય જ્યારે બોરસદ તાલુકો હાથે કાંતેલી ખાદી સિવાય બીજું કાપડ ન વાપરે, ન ખરીદે; તેની હદમાં એક પણ પરદેશી કે મિલના કાપડની દુકાન ન હોય; તાલુકામાં કોઈ દારૂ, ગાંજો, અફીણ ન પીએ, કોઈ ચોરી વ્યભિચાર ન કરે, તાલુકાનાં બાળકો અને બાલિકાઓ, પછી ભલે તે અંત્યજનાં હોય કે બીજાં, રાષ્ટ્રીય શાળાઓમાં ભણતાં હોય, તાલુકામાં કજિયા ફિસાદ હોય નહીં અને કદાચ હોય તો તેનો નિકાલ પંચ મારફત થાય, હિંદુમુસલમાન ભાઈ સમાન થઈને રહે, અંત્યજનો કોઈ તિરસ્કાર ન કરે. આ કરવા ધારીએ તો સહેલું છે. એટલું બોરસદ કરે તો હિંદને સ્વરાજ અપાવે એમ મારી ખાતરી છે. એમ કરવાની પ્રતિજ્ઞા તેઓ લે. એ પ્રતિજ્ઞા લેવાનું તમારામાં બળ હોય એમ ઇચ્છું છું. પ્રતિજ્ઞા તો જ લેવી જો પાળવાનો પૂરો આગ્રહ હોય. તેના પાલન પાછળ હરિશ્ચંદ્રના જેટલો જ આગ્રહ હોવો જોઈએ, નહીં તો ન લેવી એ ડહાપણ છે.”

પરિષદમાં ઠરાવ આ સંદેશાને અનુસરીને થયા. દરબાર સાહેબના પર ગાંધીજીના સંદેશાની ઊંડી અસર થઈ હતી. તેમને રાતે ઊંઘ ન આવી. પોતાના સાથી કાર્યકર્તાઓને રાતે એક વાગ્યે જગાડ્યા. તેમની સાથે ખૂબ ચર્ચા કરી અને બોરસદમાં દટાઈ જઈ તાલુકાને સ્વરાજની લડત માટે તૈયાર કરવાનો પોતાનો સંકલ્પ તેમની આગળ જાહેર કર્યો. તેમની સાથે દસેક મરણિયા તૈયાર થયા. પરિષદમાં ઠરાવ થયો તેમાં ગુજરાતનાં અમુક ક્ષેત્રો અને કામની સર્વદેશીય સેવા કરી તેમને સ્વરાજ્ય માટે તૈયાર કરવાનાં જે ભાઈબહેનોએ આજીવન વ્રત લીધાં તેમને અભિનંદન આપવામાં આવ્યાં. પણ સરદાર એમ લાગણીના આવેશમાં ખેંચાઈ જાય એમ નહોતું. બોરસદનું ક્ષેત્ર કેટલું કઠણ