આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૭
કોકોનાડા, ગાંધીજીની મુક્તિ અને સ્વરાજ પક્ષ

સંસ્થાઓના આશ્રય નીચે કામ કરે છે. એ બધામાં ઠીક ઠીક એકરાગ અને કુટુંબભાવના છે. ગુજરાતના આ સેવકવર્ગમાં કુટુંબભાવના પ્રગટાવવામાં અને પોષવામાં ગાંધીજીની સાથે સરદારનો હિસ્સો ઘણો મોટો છે.

ગાંધીજી બહાર આવ્યા કે તરત નાફેરવાદીઓ અને સ્વરાજ પક્ષ વચ્ચેના ઝઘડામાં તેમને પડવું પડ્યું. જૂહુમાં બંને પક્ષના નેતાઓ સાથે તેમણે ખૂબ વાત કરી. બે વરસમાં જે બની ગયું હતું તે સમજી લીધું અને બન્ને પક્ષનાં દૃષ્ટિબિંદુ સમજવા પ્રયત્ન કર્યો. પંચવિધ બહિષ્કારવાળા અસહકારની નીતિ વિષે તેમના વિચારોમાં બે વરસના કારાવાસ દરમિયાન રતીભાર પણ ફરક પડ્યો નહોતો. સરકારના હૃદયપરિવર્તનનું એક પણ નિશાન તેમને દેખાતું ન હતું. સને ૧૯૨૩ના સપ્ટેમ્બરમાં ગાંધીજી સાથે મુલાકાતની પરવાનગી મેળવવા મિ. ડ્રૂ પિયર્સન નામના એક અંગ્રેજ ગૃહસ્થ મુંબઈના ગવર્નર પાસે ગયા હતા ત્યારે ગવર્નરે જે ઉદ્‌ગારો કાઢેલા તેમાંથી પ્રગટ થતા સરકારના માનસમાં કશો ફરક પડ્યો નહોતો. પેલા ભાઈએ પરવાનગીની વાત કાઢી ત્યાર પછી થયેલ સંવાદ નીચે આપ્યો છે :

“બિલકુલ અશક્ય”, તે નામદારે મારી વાતને કાપી જ નાખી. “ગાંધીને કેદ કરવાની એક જ રીત છે, તે એ કે તેમને જીવતા દાટવા. જો અહીં આવીને લોકોને એમના ઉપર પડાપડી કરવા દઈએ તો એ તો મહાત્મા બની જાય, અને જેલ એ દુનિયા માટે મક્કા બની જાય. ગાંધીને માથે કાંટાનો મુગટ પહેરાવવા કંઈ તેમને કેદ નથી કર્યા. ”
“છ વર્ષની મુદત પૂરી થતાં પહેલાં ગાંધી છૂટવાનો કાંઈ સંભવ ખરો કે ?” એમ મેં પૂછ્યું ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું :
“હું અહીં છું ત્યાં સુધી તો નહીં જ. હા, મારી મુદ્દત ડિસેમ્બરમાં પૂરી થાય છે. હું વિલાયત પાછો ફરું ત્યાર પછી ભલે તેઓ એનું જે કરવું હોય તે કરે.”

એટલે ગાંધીજી છુટેલા તે એમને વધુ વખત ‘જીવતા દાટવાની’ જરૂર સરકારને નહીં લાગેલી તેથી જ. દેશના મોટા ભાગમાં નાફેરવાદીઓનો લોકો ઉપરનો કાબૂ ઓછો થવા માંડ્યો હતો. તેમના અને સ્વરાજ પક્ષ વચ્ચેના ઝઘડાથી લોકો કંટાળી ગયા હતા. છતાં ગાંધીજી જ્યાં સુધી જેલમાં હોય ત્યાં સુધી લોકમાનસ ઉપર એની એક અસર રહેતી કે આપણે કાંઈક કરવું જોઈએ. એટલે સરકારને એમ લાગ્યું હશે કે હવે વખત એવો આવ્યો છે જ્યારે કેદી ગાંધી કરતાં મુક્ત ગાંધી ઓછા જોખમકારી છે. સ્વરાજ પક્ષવાળા ધારાસભાઓમાં સરકારે રચેલા ક્ષેત્ર ઉપર અને સરકારે બાંધેલી વાડોની અંદર લડવા ગયા હતા. ત્યાં એમને પહોંચી વળવું પોતાને માટે રમત વાત છે એ સરકાર