આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૫૯
મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે

આમાં આવું છું.’ મિ. પેન્ટરે આ વાત સ્વીકારી. પંચનો ફેંસલો મ્યુનિસિપાલિટીની તરફેણમાં આવ્યો અને એન્જિન સરકારને માથે પડ્યું.

બીજો જૂનો ઝઘડો કૅમ્પના પાણી બાબતનો હતો. લગભગ સને ૧૯૦૦ની સાલથી અમદાવાદ મ્યુનિસિપાલિટી પાસેથી દર હજાર ગૅલનના અઢી આનાના દરે કૅમ્પને પાણી પૂરું પાડવાની ગોઠવણ સરકારે કરાવેલી. શહેરમાંના કર ભરનારા જેમના પૈસાથી પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી તેમની પાસેથી દર હજાર ગૅલનના આઠ આના લેવામાં આવતા. આમ કૅન્ટોન્મેન્ટવાળા મફત દાખલ પાણી લેતા હોવા છતાં ત્યાં રહેનારા મોટા મોટા સરકારી અમલદારો હોઈ વૉટરવર્ક્સના ઈજનેરને દબડાવી એવી વ્યવસ્થા રખાવતા કે શહેરમાં પાણીની ગમે તેવી બૂમો પડતી હોય પણ કૅન્ટોન્મેન્ટમાં ચોવીસે કલાક જોસબંધ પાણી મળતું રહે. સરદારે ૧૯૨૦માં મ્યુનિસિપાલિટીમાં ઠરાવ પાસ કરાવેલો કે કૅન્ટોન્મેન્ટવાળા પાસેથી પાણીના દર તથા બીજું ખર્ચ વરાડે લેવું. આની સામે એ લોકોએ એવો મુદ્દો ઉઠાવ્યો કે અમારે તો મ્યુનિસિપાલિટી સાથે ત્રીસ વર્ષનો કરાર થયેલો છે અને તેથી મ્યુનિસિપાલિટી અમને પાણી એ જ દરે આપવાને બંધાયેલી છે. આમ વાત તકરારમાં પડી અને પછી તો મ્યુનિસિપાલિટી બરતરફ થઈ. ફરી ચૂંટાઈને આવતાં જ સરદારે મૅનેજિંગ કમિટી પાસે તા. ૨૨–૪–’૨૪ના રોજ નીચેનો ઠરાવ કરાવ્યો અને તેને જનરલ બોર્ડે બહાલી આપી :

“૧. કૅન્ટોન્મેન્ટના સત્તાવાળાઓને નોટિસથી ખબર આપવી કે તેઓએ ૧૯૨૦–૨૧ના વર્ષ થી તે અત્યાર સુધી દર એક હજાર ગૅલન પાણીના આઠ આના લેખે વધારાની રકમ આપવી જ પડશે.
“૨. ઉપર મુજબ રકમ નહીં આપવામાં આવે તો પાણી પૂરું પાડવાનું તરત જ બંધ કરવામાં આવશે.
“૩. તે કર વસૂલ કરવા માટે સલાહ મળ્યા મુજબ બીજાં કાયદેસર પગલાં લેવામાં આવશે.
“૪. રીમેમ્બરન્સ ઑફ લીગલ ઍફેર્સના અભિપ્રાય પ્રમાણે કૅમ્પમાં એટલે મ્યુનિસિપલ હદની બહાર મ્યુનિસિપાલિટીએ પાણી આપવું એ ગેરકાયદે છે તેથી કૅન્ટોન્મેન્ટના સત્તાવાળાઓને ખબર આપવી કે નોટિસ આપ્યા બાદ છ મહિનાની આખર પછી જો તેઓ એક હજાર ગૅલનના આઠ આના કરતાં વધારે આપશે તોપણ તેમને પાણી પૂરું પાડવાનાં સાધનો કાઢી નાખવામાં આવશે.”

આ ઠરાવ મુજબ તેમને નોટિસ આપવામાં આવી ત્યારે કેન્ટોન્મેન્ટના સત્તાવાળાઓએ વધારાના દરની રકમ પોતાનો વિરોધ નોંધાવીને ભરી તો દીધો પણ તે પાછી મેળવવા મ્યુનિસિપાલિટી સામે દાવો માંડ્યો અને દાવાનો નિકાલ