આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬૨
સરદાર વલ્લભભાઈ


ન કાઢે અથવા નુક્તેચીની ન કરે તે માટે મુંબઈ સરકારના સેનિટરી ઈજનેરને વખતોવખત આમંત્રણ આપી બોલાવતા અને તેની પાસે થયેલું કામ તપાસરાવતા. બોર્ડના સધળા મેમ્બરો તેમને મળી શકે તે માટે બોર્ડની મીટિંગમાં પણ તેમને બોલાવતા. તા. ૧૧-૧૨–’૨૬ની આવી એક મીટિંગના રિપોર્ટના નીચે આપેલા પ્રસ્તુત ભાગ ઉપરથી આ બાબતમાં સરદારની કાર્યપદ્ધતિનો ખ્યાલ આવે છે :

“મુંબઈ સરકારના સેનિટરી એન્જિનિયર મિ. મેડોક્સ તથા અમદાવાદના એક્ઝિક્યૂટિવ એન્જિનિયર મિ. તૈયબજીનું મીટિંગમાં સ્વાગત કર્યા પછી મ્યુનિસિપલ પ્રમુખ સાહેબે મીટિંગની તારીખ સુધીમાં થયેલાં કામોનો ટૂંક ખ્યાલ આપ્યો અને પછી જે યોજના પ્રમાણે કામો ચાલતાં હતાં તેની સંગીનતા વિષે તથા એ યોજનાનો અમલ બરાબર થઈ રહ્યો છે કે કેમ તે વિષે બોર્ડના સભ્યો આગળ પોતાનો અભિપ્રાય જણાવવા તેમને વિનંતી કરી. મિ. મેડોક્સે ઊભા થઈને કહ્યું કે, આ કામોનું નિરીક્ષણ કરવાની અગાઉ પણ મને તકો મળેલી છે. આ યોજનાની વિગતો તથા તેના ખર્ચનો અંદાજ સરકારે મંજૂર કર્યો તે પહેલાં હું કાળજીપૂર્વક તપાસી ગયો છું અને આ વખતે બે દિવસ સુધી બધે ફરીને મેં બધાં કામ બરાબર તપાસ્યાં છે. તે ઉપરથી હું કહેવાની સ્થિતિમાં છું કે બોર્ડે જે નીતિ અખત્યાર કરી છે તે સંગીન છે અને બધાં કામોનો અમલ મ્યુનિસિપલ એન્જિનિયરે બહુ સંતોષપૂર્વક કર્યો છે. પછી તેમણે જણાવ્યું કે સભ્યો મને હવે જે કાંઈ સવાલ પૂછશે તેના જવાબ હું આપીશ. તે ઉપરથી કેટલાક સભ્યોએ સવાલો પૂછ્યા અને તેના એમણે સંતોષકારક ખુલાસા આપ્યા. ત્યાર પછી એ બંને ગૃહસ્થોનો આભાર માનવામાં આવ્યો.”

શહેરમાંની ગિરદી ઓછી કરવા માટે એલિસબ્રિજ ટાઉન પ્લૅનિંંગ તથા કાંકરિયા ટાઉન પ્લૅનિંગ સ્કીમ ખીલવવા માંડી. બીજી તરફથી કાળુપુર રિલીફ રોડ બનાવવાની અને કોટ તોડી પાડવાની યોજનાને આગળ ધપાવવા માંડી. આ બે યોજનાઓની સામે લોકોમાં બહુ વિરોધ જાગ્યો. કાળુપુર રિલીફ રોડ સામે વિરોધ તો જેમનાં મકાન કપાઈ જતાં હોય તેઓ પોતાનું મકાન લાઈનદોરીમાં ન આવે તે માટે અથવા આવી ગયા પછી તેનો બદલો વધારે મળે તે માટે અંગત કારણો હતા. તે ઉપરાંત અમદાવાદમાં પોળબંધી ઢબે રહેવાની પદ્ધતિ છે અને આ યોજનાથી કેટલીક પોળો કપાઈ જતી હતી અને ઉઘાડી પડી જતી હતી તે કારણે કાંઈક સાર્વજનિક વિરોધ પણ હતો. શહેરને ફરતો કોટ તોડી પાડવા સામે પણ લોકોનો વિરોધ, અમારી પોળો તથા અમારાં ઘર ઉઘાડાં પડી જશે અને અમારું રક્ષણ જતું રહેશે એ કારણે હતો. કોટ એ અમદાવાદના મુસલમાન સુલતાનોનું એક મોટું સ્મારક છે અને સ્થાપત્ય કળાનો એક નમુનો છે, એ પણ એક દલીલ હતી. પણ આ કોટ કાઢ્યા