આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૩
ગુજરાતમાં રેલસંકટ

ખરી હકીકત શી છે અગર જાનમાલની ખુવારી કેટલી થઈ છે તેની કશી સત્તાવાર હકીકતો અહીં સુધી પહોંચી શકે એવો વહેવાર હજી ચાલુ થયો નથી. પરંતુ અમદાવાદ શહેરની જે સ્થિતિ થઈ પડી છે તે ઉપરથી તેમ જ બહારગામથી આવતી ચોંકાવનારી વાતો ઉપરથી ચોમેર ફરી વળેલા સંકટનો કંઈક ખ્યાલ કરી શકાય તેમ છે.

“અમદાવાદમાં વરસાદની વાર્ષિક સરેરાશ ત્રીસ ઇંચની ગણાય છે, જ્યારે આ વખતે અત્યાર સુધીમાં સિત્તેર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. આમાંનો બાવન ઇંચ એકલા ગયા અઠવાડિયામાં જ પડ્યો છે. આવી અતિવૃષ્ટિ છેલ્લાં પચાસ વર્ષમાં થઈ હોય એવું કોઈના સ્મરણમાં નથી. અમદાવાદમાં જ હજારો લોકો ઘરબાર વગરના થઈ પોતાની માલમિલકત છોડી પહેર્યે લૂગડે બહાર નીકળ્યા છે, મજૂરો અને ગરીબ લોકોના લત્તા પાણીમાં ડૂબ્યાં છે. આવામાં ગામડાંના લોકોની, તેમનાં ખેતરોની અને વાવેતરોની સ્થિતિનો ખ્યાલ કરતાં હૃદય કંપે છે.
“સંકટનો ખરો ખ્યાલ તો રેલવે ટપાલ ઇત્યાદિ વહેવાર ચાલુ થાય અને ચોમેરની હકીકતો મળે ત્યારે જ આવે. પણ આ સંકટ લગભગ આખા ગુજરાત કાઠિયાવાડ ઉપર એકાએક તૂટી પડ્યું છે એમ માનવાને કારણ છે.
“ગુજરાતે તેમ ગુજરાત બહાર વસતા ગુજરાતીઓએ અત્યાર સુધી બીજા પ્રાંતોના સંકટનિવારણાર્થે અનેક વેળા છૂટે હાથે મદદ કરી છે. દયાધર્મ ગુજરાતની પ્રજાનો વિશેષ ગુણ મનાય છે. તેઓ આ ઘરની આફતને વખતે પ્રજાના સંકટનિવારણાર્થે તાત્કાલિક મદદ કરવામાં પાછા નહીં પડે એવી મને પૂરી આશા છે. . . .”

એટલામાં ખેડાના કલેક્ટરનો સંદેશો અમદાવાદના કલેક્ટર ઉપર આવ્યો કે આખું ખેડા શહેર ચારે બાજુએ પાણીથી ઘેરાઈ ગયું છે. માઈલો સુધી જળજળાકાર જ દેખાય છે. ખેડા શહેરનો જિલ્લા સાથેનો સંબંધ તૂટી ગયો છે. શહેરમાં અનાજ અને રોજની જરૂરની વસ્તુઓના ભાવો બેહદ વધી ગયા છે, અમે નિરુપાય છીએ માટે મદદ મોકલો. અમદાવાદના કલેક્ટર વિચારમાં પડ્યા, કારણ સરકારી કામકાજના બધા વિધિ રહ્યા દીર્ઘસૂત્રી. તેમણે પોતાની મુશ્કેલીની સરદારને વાત કરી. તેમણે તાબડતોબ ઘઉં, ચોખા, ખાંડ, ઘાસલેટ વગેરે જરૂરી વસ્તુઓનું એક વૅગન ભરાવીને મહેમદાવાદ સ્ટેશને રવાના કર્યું. તેની સાથે શ્રી. મણિલાલ તેલી તથા ચાર સ્વયંસેવકોને મોકલ્યા તથા સઘળો માલ કોઈ પણ રીતે ખેડા પહોંચતો કરવાની મહેમદાવાદના મામલતદારને સૂચના અપાવી. ખેડાના કલેક્ટરે શ્રી તેલી સાથે સરદાર ઉપર કાગળ મોકલીને આભાર માન્યો અને ગરીબ લોકોની દયાજનક દશામાં આ વસ્તુઓ આશીર્વાદ સમાન થઈ પડશે એમ જણાવ્યું.