આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૪
સરદાર વલ્લભભાઈ


સરદારે તરત નક્કી કરી નાખ્યું કે ગુજરાતમાં અનુકૂળ મથકો સાથે સંબંધ બાંધી સંકટગ્રસ્ત પ્રદેશમાં જોઈતી મદદ કરવા સ્વયં સેવક ગોઠવી દેવા. તેમની પાસે અનુભવી અને તાલીમ પામેલા તથા ગુજરાતના ખૂણે ખૂણાના ભોમિયા એવા કાર્યકર્તાઓ અને સ્વયંસેવકો તૈયાર હતા. તા. ૨૯મીએ વરસાદ બંધ થયો ત્યાર પછી ચાર જ દિવસમાં એટલે તા. ૩જી પહેલાં સ્વયંસેવકો આખા સંકટગ્રસ્ત પ્રદેશમાં રેલવે લાઈનથી અથવા પાકી સડકથી દૂર છેક ખૂણાનાં ગામડાંમાં ઘૂંટણસમાં અને કેડસમાં પાણી ખૂંદી અથવા કેડે તૂમડાં બાંધી નદીનાળાં ઓળંગી ગામેગામ પહોંચી ગયા. તેઓએ સંકટગ્રસ્ત પ્રદેશ નજરે નિહાળી વિગતો મોકલવા માંડી ત્યારે આફતનો ઠીક ચિતાર આવ્યો. લોકોનાં ઘરબાર, માલમતા, ઢોરઢાંખર, ખેતીવાડી બધું જ કેટલીક જગાએ તણાઈ ગયું હતું. ઊંચે આભ અને નીચે પાણી વચ્ચે કોઈએ ઝાડે વળગીને તો કોઈએ ઊંચા ઓટલાવાળા ચોરા કે ધર્મશાળાઓનો આશ્રય લઈને, કોઈએ પડોશીના ઘરનો આશ્રય લઈને અને તેનુંય ઘર પડી જતાં બન્નેએ વળી ત્રીજાનો આશ્રય લઈ ને પ્રાણની રક્ષા કરી હતી. નીચાણના પ્રદેશનાં જે ગામ આખાં ને આખાં ડૂબ્યાં ત્યાંની વસ્તીને કેવળ ઝાડનો જ આશ્રય લેવો પડ્યો હતો. એવા પ્રદેશમાં તો જેમ જેમ પાણી ચઢતાં ગયાં તેમ તેમ લોકો ઘર છોડી નીકળતા ગયા. જેમને વખત મળ્યો તેમણે ઝાડ પર ખાટલા બાંધ્યા અને ત્યાં પોતાનાં બાળબચ્ચાં લઈને બેઠા, જેમને એવો વખત ન મળ્યો તેઓ એમ ને એમ ઝાડ પર ચડી ગયા. લોકોએ પોતાનાં ઢોરઢાંખર છોડી મૂક્યાં, જેથી તેઓ પણ પોતાને ફાવે તેમ પ્રાણની રક્ષા કરી શકે. અને ઝાડ ઉપર પાંચ પાંચ દિવસના ઉપવાસ કરીને નિરાંતે બેસવાનું તો નહોતું જ. પોતાનાં દરોમાં પાણી ભરાઈ જવાથી તેનો ત્યાગ કરી રેલમાં તણાતાં સર્પાદિ પ્રાણીઓને પણ ઝાડનો જ આશ્રય રહ્યો હતો. પોતાના ફુંફાડાથી ફફડાવી મારે એવા સર્પો પણ કુદરતના આ કોપ આગળ રાંક બની પોતાનો જીવ બચાવવા ઝાડની ડાળીઓને વીંટળાઈ પડ્યા રહ્યા. એમની સાથે જ કેટલીક જગ્યાએ તો લોકોને ત્રણ ત્રણ અને ચાર ચાર દિવસ અને રાત ગાળવાં પડેલાં. ઢાઢર નદીના કાંઠા પરના એક ગામની પાસેના પરામાં માત્ર સાત ભીલ ખેડૂતોનાં છાપરાં હતાં અને તેમાં બધાં મળીને ૬૧ માણસો રહેતાં. પરામાં એક સમડીનું ઝાડ અને બે નાની લીમડીઓ હતી. તેના ઉપર ચડી આ ૬૧ જીવો જેમતેમ બાઝી રહ્યા. ચાર દિવસ તો આવી નોધારી હાલતમાં એ લોકો ટક્યાં. પણ પાંચમે દિવસે બાળકો અને બુઢ્ઢાં ઠૂંઠવાયેલાં અને નિર્જીવ જેવાં ટપોટપ ખરી પડવા લાગ્યાં અને તણાઈ ગયાં. એ રીતે ૬૧માંથી ૩૧ ગયાં. ધોળકા તાલુકાના એક ગામમાં નાનાંમોટાં ૧૮ માણસ આવી રીતે તણાઈ ગયાંનો