આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭૯
ગુજરાતમાં રેલસંકટ

રહે તો મોતની જ વારી આવે. એટલે સરદારે કમિશનર સાહેબને જણાવી દીધું કે, ‘તમે આ સંકટને નાનુંસૂનું ન ગણો, લોકોને અન્નવસ્ત્રની અને એવી બીજી તાત્કાલિક રાહત આપવાની છે તેની ચિંતા ન કરો, એ અમે બરાબર જોઈ લઈશું. પણ લોકોની ધોવાઈ ગયેલી ખેતી નવેસરથી થઈ શકે તે માટે તથા તારાજ થયેલાં ઘરબાર ફરી ઊભાં કરવા માટે ભારે મદદની જરૂર પડશે. જેને લોકસંસ્થાઓ તથા ખાનગી વ્યક્તિઓથી ન જ પહોંચી શકાય, તેનો વિચાર કરો અને તે માટે સરકારને તૈયાર કરો.’

આવા સંકટને પ્રસંગે રૈયતને મદદ કરવા માટે મુંબઈ સરકાર પોતાની વાર્ષિક આવકમાંથી અમુક ટકા દુષ્કાળનિવારણ ફંડ માટે અનામત રાખતી. તેનું અઢી કરોડ રૂપિયા જેટલું ભંડોળ એકઠું થયેલું હતું. આમાંથી મોટી રકમ આ સંકટનિવારણ માટે સરકારે કાઢવી પડશે એમ સરદારે મુંબઈ સરકારને લખ્યું ત્યારે એકાઉન્ટન્ટ જનરલે એવો મુદ્દો કાઢ્યો કે ભંડોળ દુષ્કાળનિવારણ માટે છે અને આ તો રેલસંકટ છે માટે એમાંથી કશી મદદ ન થઈ શકે ! પછી મુંબઈ સરકારના નાણામંત્રી સર ચૂનીલાલ મહેતા સંકટની પરિસ્થિતિ જોવા નડિયાદ આવ્યા અને સરકારી અમલદારો તથા સંકટનિવારણનું કામ કરતા મુખ્ય કાર્યક્તઓને મળ્યા. તેમણે ખાતરી આપી કે દુષ્કાળનિવારણના અનામત ફંડમાંથી મદદ આપી શકાશે, એટલે એ ચર્ચા અટકી.

સંકટ જેમ મોટું હતું તેમ રાહતનું કામ પણ બાહોશીપૂર્વક ગોઠવાઈ ગયું હતું. એ બધું જોવા મુંબઈના ગવર્નર ૮મી સપ્ટેમ્બરથી ૧૫મી સપ્ટેમ્બર સુધી એક અઠવાડિયું ગુજરાતમાં ફર્યા. તેમણે ઘણાં ગામડાં તથા સંકટનિવારણનાં મથકો જોયાં. લોકો સાથે છૂટથી વાતો કરી ખરી સ્થિતિનો ખ્યાલ મેળવવાનો તેમણે પ્રયત્ન કર્યો. પ્રજાનાં દુઃખનો તેમને બરાબર ખ્યાલ આવ્યો અને સરકાર તરફથી ઘટતી મદદ આપવાનું તેમણે લોકોને આશ્વાસન આપ્યું. ગુજરાતના ખેડૂતોએ રેલ દરમ્યાન જે હિંમત અને બહાદુરીથી પોતાનો બચાવ કર્યો હતો તેની તેઓએ તારીફ કરી. રેલ પછી જે ઉદ્યમ અને ખંતથી તેઓ પોતાનાં વેરણછેરણ થઈ ગયેલાં ખેતરોને સમારી ફરી વાવેતર કરવા લાગી ગયા હતા તે જોઈ તેઓ આશ્ચર્યચકિત થયા. વરસાદ બંધ થતાં ની સાથે જ સરદારના મોંમાંથી શબ્દ નીકળતાં સંકટનિવારણનું આખું તંત્ર ખડું થઈ ગયું હતું અને ગામડે ગામડે રાહતનું કામ ગોઠવાઈ ગયું હતું, એ તો તેમને એક ચમત્કાર જ લાગ્યો. ખૂબી તો એ હતી કે અન્નવસ્ત્રની તંગીની કે બીજી પ્રાથમિક રાહતની કોઈએ તેમની પાસે માગણી જ ન કરી. મોટાં ભારે નુકસાન થયાં હતાં તે માટે વ્યાજના હળવા દરે લોનની માગણી લોકોએ કરી.