આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૦
સરદાર વલ્લભભાઈ


તા. ૨૦મી સપ્ટેમ્બરે ના○ શહેનશાહ તરફથી રેલસંકટનિવારણ અર્થે રૂ. ૨,૦૦૦ની મદદ જાહેર કરવામાં આવી અને ભારતમંત્રી લાર્ડ બર્કનહેડે દસ પાઉન્ડ સંકટનિવારણ ફંડમાં મોકલી આપ્યા.

હવે મકાન વગેરે માટે સરકાર કેવી શરતોએ લોન આપવાનું કરે છે તે જાણવા લોકો અધીરા થવા માંડ્યા હતા. સરદાર તો સરકારને હલાવી જ રહ્યા હતા. છેવટે એની યોજના વિચારવા માટે બૉમ્બે સેન્ટ્રલ ફ્લડ રિલીફ કમિટીના સભ્યોને તેમ જ સરદાર તથા ઠક્કર બાપાને તારથી પૂના બોલાવવામાં આવ્યા. તા. ૨૭–૯-’૨૭ના રોજ બપોરે એક વાગે સર ચૂનીલાલ મહેતાને બંગલે મીટિંગ થઈ. તેમાં લોનની શરતોનો ખરડો નક્કી થયો. દરેક આસામીની નુકસાનીનો અંદાજ કરી તેને આપવાની લોનની રકમ નક્કી કરવામાં સરકારી અમલદારની સાથે પ્રાંતિક સમિતિનો એક એક પ્રતિનિધિ રહે એવું નક્કી કરવામાં આવ્યું. બે વચ્ચે મતભેદ પડે તો તેનો નિર્ણય ઉપરી સરકારી અમલદાર તથા ઠક્કર બાપા કરે એમ ઠરાવ્યું. સરકારે એક કરોડ ત્રીસ લાખ રૂપિયા સુધીની લોન આવી રીતે આપવી એમ પણ ઠરાવ્યું. વધુમાં વધુ લોન રૂપિયા બે હજારની અને ભરપાઈ કરવાની મુદ્દત વધુમાં વધુ દસ વર્ષની રાખવામાં આવી. ઓછામાં ઓછો વાર્ષિક હપ્તો રૂા. ર૦નો ઠરાવ્યો. દલિત કોમોના ગરીબ વર્ગના માણસોને માટે મફત મદદના રૂપિયા દસ લાખ નક્કી કરવામાં આવ્યા અને વધુમાં વધુ રૂા. ૫૦ સુધીની મફત મદદ આપવાનું નક્કી થયું. તા. ૩૦મીના રોજ સરકારે આ ખરડો મંજૂર કર્યો અને એ પ્રમાણે જાહેરાત કરવામાં આવી.

વરસાદ બંધ થયા પછી તરત તા. ૩જી ઑગસ્ટના રોજ મુંબઈમાં સેન્ટ્રલ ફ્લડ રિલીફ કમિટીની સ્થાપના થઈ હતી. એ ફંડમાં સાડાતેર લાખ રૂપિયા એકઠા થયા હતા. તેમાંથી ગુજરાતમાં મદદ આપવા માટે તેમણે કેટલીક યોજનાઓ બનાવી. પણ ગુજરાત પ્રાંતિક સમિતિ તરફથી આખા સંકટગ્રસ્ત પ્રદેશમાં રાહતનું કામ ગોઠવાઈ ગયું હતું અને નાણાં પણ તેમને જોઈએ તેટલાં પ્રાંતિક સમિતિ તરફથી મળતાં હતાં, એટલે બૉમ્બે સેન્ટ્રલ ફંડનાં નાણાં ખર્ચાવાને માટે અવકાશ ન રહ્યો. એને લીધે એ ફંડના દાતાઓમાં કશી ગેરસમજ ઊભી થવા ન પામે એટલા માટે એના મંત્રી સર પુરુષોત્તમદાસ ઠાકુરદાસ અને સરદારની સહીથી એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું. તેમાં જણાવ્યું કે અનાજ, કપડાં, બિયાવું, દવા વગેરે તાત્કાલિક મદદ પૂરતા પ્રમાણમાં ગુજરાત પ્રાંતિક સમિતિ તરફથી અપાઈ છે. હવે તારાજ થયેલા ભાગોની પુનઃરચના કરવાનું કામ કરવાનું છે. ઘરો ફરી બાંધવાના સંબંધમાં સરકારે મદદ કરવાની પોતાની નીતિ જાહેર કરી છે તે પ્રમાણે લોકોને