આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮૯
બારડોલી સત્યાગ્રહ

મજૂરી આપવાની રીત વગેરે બાબતોમાં એટલી બધી વિવિધતા છે કે પોતાની ખેતીમાં ખેડૂતને કેટલું ખર્ચ થયું એ નક્કી કરવું બહુ મુશ્કેલ છે. અને ખેતીનું ખર્ચ ન ગણી શકાય તો ખેતીનો ચોખ્ખો નફો શી રીતે તારવી શકાય ? માટે ગણોતે અપાતી જમીનના ગણોતને જ ખેતીનો ચોખ્ખો નફો ગણવો જોઈએ. મહેસૂલમાં તેમને વધારો તો કરવો જ હતો પણ તે માટે શ્રી જયકરની દલીલો ચાલે એવી તેમને ન લાગી. શ્રી જયકરના રિપોર્ટ ઉપર તેમનો મુખ્ય સપાટો એ હતો કે :

“હું દિલગીર છું કે એમણે જમીનના પાકની કિંમત કેટલી વધી જાય છે એના ઉપર જ બધો આધાર રાખ્યો છે. . . . તે જણાવે છે કે તાલુકાની ખેતીના કુલ ઉત્પન્નમાં લગભગ પંદર લાખ જેટલો વધારો થયો છે, અને એ જણાવ્યા પછી તેમની બુદ્ધિમાં ઉદય થતો જણાય છે કે એમ કહેવાનો કશો અર્થ નથી. કારણ એવી રીતે ખેતીનું ખર્ચ પણ પંદર લાખ વધ્યું છે, તો વધારે મહેસૂલ લેવાને કોઈ આધાર રહેતો નથી. વારુ, પણ ખેતીનું ખર્ચ, પંદર નહીં પણ સત્તર લાખ વધ્યું હોય તો તો મહેસૂલ ઓછું કરવું જોઈએ, વધારવાની તો વાત જ બાજુએ રહી. . . . આમ તેઓ કિલ્લાનો મુખ્ય દરવાજો જ ખુલ્લો રાખે છે, એટલે કોઈને હુમલો કરવો હોય તો ઘડીમાં એના કાચા કિલ્લા ઉપર તૂટી પડી તેને સર કરી શકે એમ છે. ખેતીનું ખર્ચ ખેતીના ઉત્પન્ન કરતાં વધ્યું છે એમ કોઈ બતાવી દે એટલે શ્રી જયકર પાસે કશો જવાબ જ રહેતો નથી. આ સમજ્યા પછી જ કદાચ સમજાશે કે મહેસૂલ આકારણી ખેતીના ખર્ચ, ઉત્પન્ન અને તેના ભાવ ઉપર ન બાંધી શકાય પણ ગણોત ઉપર જ બાંધી શકાય.”

આમ કહીને ઍન્ડર્સન સાહેબે શ્રી જયકરનો આખો રિપોર્ટ ફેંકી દીધો. માત્ર ગણોતના આંકડાવાળી પુરવણી, જે પછીની તપાસમાં ભારે બેદરકારીથી તૈયાર કરેલી અને અનેક ભૂલોવાળી સાબિત થઈ, તે તેમણે આંખો મીંચીને સ્વીકારી અને તેમાંય એક બાબતમાં તો તેઓ ભીંત ભૂલ્યા. શ્રી જયકરે પોતાની પુરવણીમાં સાત વર્ષનાં ગણોતો લીધાં હતાં અને સાતે વર્ષમાં ગણોતે અપાયેલી જમીનનો સરવાળો ૪૨,૯૨૩ એકર થતો હતો. એટલે ખરી રીતે તો દર વર્ષે છ હજાર એકર જમીન ગણોતે અપાતી હતી. પણ ઍન્ડર્સન સાહેબે એવી ગણતરી કરી કે તાલુકાની કુલ જમીન ૧,૨૭,૦૦૦ એકર છે તેમાંથી ૪૩,૦૦૦ એકર જમીન ગણોતે અપાય છે, એટલે કે આખા તાલુકાની ત્રીજા ભાગ જેટલી જમીન ગણોતે અપાય છે. આમાં આધભાગે અને બીજી રીતે અપાતી જમીન ઉમેરીને તેમણે હિસાબ કાઢ્યો કે કુલ જમીનની અડધોઅડધ જમીન ગણોતે અપાય છે !