આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯૫
બારડોલી સત્યાગ્રહ

સાધન નથી કે તમારો નિશ્ચય તોડાવી શકે. તે તમને ભાંગી શકે. પણ કોઈના ચઢાવવાથી, કોઈના કે મારા જેવા ઉપર આધાર રાખીને નિશ્ચય ન કરશો. તમારા જ બળ ઉપર ઝૂઝવું હોય, તમારી જ હિંમત હોય, આ લડત પાછળ ખુવાર થઈ જવાની તમારામાં શક્તિ હોય તો જ આ કામ કરો. . . . જો નિશ્ચય કરો તો ઈશ્વરને હાજર સમજીને પાકે પાયે કરજો કે પાછળથી કોઈ તમારા તરફ આંગળી ન ચીંધે. પણ જો તમારા મનમાં એમ હોય કે મીણનો હાકેમ પણ લોઢાના ચણા ચવડાવે, ત્યાં આવડી મોટી સત્તા સામે આપણું શું ગજું, તો તમે આ વાત છોડી જ દેજો. જો તમને લાગે કે જે રાજ્ય કોઈ રીતે ઇન્સાફની વાત કરવા તૈયાર નથી તેની સામે ન લડવું ને પૈસા ભરી દેવા તેમાં આપણી ને આપણાં બાળબચ્ચાંની બરબાદી જ થાય છે, એટલું જ નહીં પણ આપણું સ્વમાન પણ જાય છે, તો જ તમે આ લડત માથે લેજો. . . . આ કંઈ લાખ સવાલાખના વધારાનો કે ત્રીસ વરસના સાડત્રીસ લાખનો સવાલ નથી, પણ સાચજૂઠનો સવાલ છે, સ્વમાનનો સવાલ છે. આ સરકારમાં ખેડૂતનું કોઈ કદી સાંભળે નહીં એ પ્રથાની સામે આમાં થવાનું છે. ”

પરિષદમાં ધારાસભાના ત્રણ સભ્યોએ હાજરી આપી હતી. તેઓએ પોતાના ભાષણમાં જણાવ્યું કે અમારાથી લઈ શકાય તેટલાં પગલાં અમે લઈ ચૂક્યા, અને તેમાં ન ફાવ્યા એટલે હવે સત્યાગ્રહને પંથે દોરી શકે એવા નેતાને તમને સોંપતાં અમને આનંદ થાય છે.

પછી પરિષદે અનાવલા, પાટીદાર, વાણિયા, પારસી, મુસલમાન, રાનીપરજ, એમ બધી કોમોના પ્રતિષ્ઠિત ખાતેદારોના ટેકાથી સત્યાગ્રહનો નીચેનો ઠરાવ પસાર કર્યો :

બારડોલી તાલુકાના ખાતેદારની આ પરિષદ ઠરાવ કરે છે કે અમારા તાલુકામાં લેવામાં આવતા મહેસૂલમાં સરકારે જે વધારો લેવાનો જાહેર કર્યો છે તે અયોગ્ય, અન્યાયી અને જુલમી છે એમ અમારું માનવું છે; એટલે જ્યાં સુધી સરકાર ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા, અગર તો નિષ્પક્ષ પંચ મારફતે આ આંકણી ફરી તપાસવા તૈયાર ન થાય ત્યાં સુધી સરકારને મહેસૂલ મુદ્દલ ન ભરવું; અને તેમ કરતાં સરકાર જપ્તી, ખાલસા વગેરે જે કઈ ઉપાય લે તેથી પડતાં સઘળાં કષ્ટ સહન કરવાં.
જો વધારા વિનાના ચાલુ મહેસૂલને પૂરેપૂરા મહેસૂલ તરીકે લેવા સરકાર કબૂલ થાય તો તેટલું મહેસૂલ બિનતકરારે તુરત ભરી દેવું.

આમ સંગ્રામ મંડાયા. તાલુકામાં કોઈ નબળા પોચા હોય તેને ઉત્સાહિત કરવા, કોઈ સ્થળે જુદી જુદી કોમો વચ્ચે મેળ ન હોય તો મેળ કરાવી એક