આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦૪
સરદાર વલ્લભભાઈ


“બહિષ્કૃત માંદો હોય તો તેની સારવાર ન કરવી, તેને ત્યાં દાક્તર ન જવા દેવો, તેને ત્યાં મરણ થાય તે મરણક્રિયામાં મદદ ન કરવી, તેને કૂવા મંદિર વગેરેના ઉપયોગથી દૂર કરવા, એ હિંસક બહિષ્કાર છે. ઊંડો વિચાર કરતાં માલૂમ પડશે કે અહિંસક બહિષ્કાર લાંબા સમય નભી શકે છે. તે તોડાવવામાં બહારની શક્તિ કામ નથી કરી શકતી. હિંસક બહિષ્કાર લાંબો વખત ન ચાલે. તેને તોડવામાં બહારની શક્તિનો પુષ્કળ ઉપયોગ થઈ શકે. હિંસક બહિષ્કાર લડતને છેવટે નુકસાન જ કરે છે. આવા નુકસાનના દાખલા અસહકારના યુગમાંથી ઘણા ય આપી શકાય છે. પણ આ પ્રસંગે મેં ભેદ પાડી બતાવ્યો છે, તે જ બારડોલીના સત્યાગ્રહીઓને અને સેવકોને સારુ બસ હોવું જોઈએ.”

આ નોંધની ઘણી સારી અસર થઈ. લોકો બહિષ્કારની મર્યાદા સમજ્યા અને તેનું પાલન કરવા લાગ્યા.

સરકારનાં ચોથાઈ દંડનાં અને જપ્તીનાં પીળાં પતાકડાંની લોકો ઉપર કશી અસર ન થઈ. એટલે હવે વધુ જલદ ઉપાય લેવા જોઈએ એમ સરકારી અમલદારોને લાગવા માંડ્યું. તા. ર૬ મી માર્ચે બાજીપરાના શેઠ વીરચંદ ચેનાજીને અને વાલોડના સાત મોટા ખાતેદારોને બારણે નોટિસો ચોંટાડવામાં આવી કે તા. ૧૨-૪-’૨૮ પહેલાં મહેસૂલ નહીં ભરી દો તો તમારી જમીનો ખાલસા કરવામાં આવશે. શેઠ વીરચંદે મહાલકારીને કાગળ લખ્યું કે, “આખા મહાલમાં મને આપે નબળામાં નબળો ધારીને ખાલસા નોટિસ માટે પ્રથમ પસંદ કર્યો હશે. પણ ન્યાય ન મળે ત્યાં સુધી તાલુકામાં હવે કોઈ પૈસા ભરનાર નથી અને હું પણ ભરવાનો નથી. . . . આપણે મહોબત છે, બહુ ઘરોબો છે અને બેઠકઉઠકનો સંબંધ છે એ હકથી આપના હિતેચ્છુ તરીકે હું આપને સલાહ આપું છું કે ખેડૂતોની જમીન ખાલસા કરવાનું કામ આપને હાથે થવાનું હોય તો એવી નોકરીમાંથી છૂટા થઈ જવું એ શોભાભરેલું છે.” વાલોડના સાત વણિકોએ સરદારને કાગળ લખીને ખાતરી આપી કે, ‘નોટિસ અને જપ્તીના મારાથી પહેલી શરૂઆત અમારા ગામ ઉપર કરવામાં આવેલી હતી, પરંતુ તેમાં જેમ સરકારને નિષ્ફળતા મળી છે તેમ આ ખાલસાની નોટિસની બાબતમાં પણ સરકારને નિષ્ફળતા જ મળશે એ વિષે આપ નિશ્ચિત રહેશો.’ આ વણિકોને અભિનંદન આપવા માટે મળેલી સભામાં સરદારે લોકોને હજી વધુ આકરી લડત માટે તૈયાર થવાનું કહ્યું :

“આ લડતમાં હું ફક્ત તમારા થોડા પૈસા બચાવવા ખાતર નથી ઊતર્યો. બારડોલીના ખેડૂતોની લડત મારફત હું તો ગુજરાતના તમામ ખેડૂતોને પાઠ આપવા માગું છું કે આ સરકારનું રાજ્ય કેવળ તમારી નબળાઈ ઉપર જ ચાલે છે. એક તરફથી to વિલાયતથી મોટું કમિશન