આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૨
સરદાર વલ્લભભાઈ

જવાબ આપતાં તેમણે કહ્યું કે, કોઈ ને રૂપિયા ભરવા હોય અને ડર લાગતો હોય તો મારી પાસે આવો, હું મામલતદારને ત્યાં તમારી સાથે આવીશ અને કોઈ તમારા પર ઘા કરવા આવશે તો તેને પહેલો મારા માથા પર ઘા કરવા કહીશ. આ ખામોશીની સલાહ સાથે સરદારે પોતાના સિવાય બીજા કોઈ પણ જણે ભાષણ ન કરવાનો હુકમ કાઢ્યો, સત્યાગ્રહી ગીતો ગવાતાં હતાં તે પણ બંધ કર્યા, જેથી આ અમલદારો ઉશ્કેરણીનું કશું બહાનું ન કાઢી શકે.

આ તરફ જપ્તીઅમલદારોએ તો માઝા જ મૂકી. ગમે ત્યારે, કશી ચોકસી કર્યા વિના, માલિક કોણ છે તેની તપાસ કર્યા વિના, ખાતેદારોની સાથે બિનખાતેદારોનાં ઢોર પણ જપ્તીમાં લેવા માંડ્યાં. રોજ ઢગલો ઢોર પકડાય, પણ એની માવજત કોણ કરે ? તેને વળે વળે પાણી કોણ પાય ? ભેંસો પકડવા અને સાચવવા માટે પેલા પઠાણોને ભાડે રાખેલા. બારડોલીમાં પકડાયેલી એક ભેંસ બરાડા પાડતી થાણામાં મરી ગઈ ! ખાતેદાર નહીં એવા એક ગરીબ દરજીની ત્રણ ભેંસો પકડીને થાણામાં ગોંધી દીધી. પેલો છોડાવવા ગયો એટલે મહાલકરી કહે : ‘તમારી ભેંસને બે દિવસ અમારે રાખવી પડી છે અને ઘાસચારો નાખવો પડ્યો છે માટે એનો ખરચ આપી ભેંસો લઈ જાઓ !’ પેલો કહે : ‘આ તો ઊલટો ન્યાય. તમે મને નુકસાની આપો કે ઊલટો દંડો ?’ આ ભેંસોને હરાજીમાં રાખનાર તાલુકામાંથી કોઈ મળતું નહીં, એટલે બહારથી ખાટકીઓને સમજાવીને લાવવા માંડ્યા. થાણામાં ભેંસો તડકામાં પાણી વિના ટળવળે, બરાડો પાડે અને તેનાં પાણીને મૂલે લિલામ થાય, એ જોઈ બારડોલીના એક દયાળુ વણિક ગૃહસ્થે મામલતદારને કહ્યું: ‘આ બિચારી ભેંસોને બરાબર ઘાસચારો અને પાણી મળે તે માટે હું થોડું દાન આપવા ઈચ્છું છું.’ મામલતદારે જવાબ આપ્યો: ‘સરકાર પાસે તિજોરીમાં પૂરતાં નાણાં છે. તમારી મદદની જરૂર નથી.’

પોતાનાં બાળકો જેટલાં વહાલાં પશુઓ ઉપર ગુજરતો ત્રાસ ખેડૂતોથી જોયો જતો ન હતો. ગમે તેમ થાય તો પણ ભેંસને આવી રીતે રિબાવા ન દેવી એ વિચારથી આખા તાલુકાએ કારાગૃહ બનવાનો નિશ્ચય કર્યો. જપ્તી ન થઈ શકે તે માટે રાતદિવસ બારણાં બંધ રાખ્યાં અને ઘરમાં માણસો અને ઢોરો કેદમાં પુરાયાં. ઢોરને પાણી પણ ઘેર લાવીને પાવામાં આવે. જેમનાં સગાંવહાલાં ગાયકવાડીમાં હતાં તેમણે પોતાનાં ઢોર ગાયકવાડીમાં મોકલી દીધાં અને છોકરાંને દૂધ છાશ પીતાં બંધ કર્યા. પણ બધાં ઢોર કાંઈ એમ મોકલી શકાય ? એટલે સૌએ કારાગૃહવાસ પસંદ કર્યો. સરદારે એક જ વિનોદથી લોકોને પેટ પકડીને હસાવ્યા અને તેમનું દુ:ખ ભુલાયું : ‘ઓહો ! તમારી ભેંસો તો. ઘરમાં ને ઘરમાં રહી ગોરી મડમડીઓ બની જવા માંડી છે !’