આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧૬
સરદાર વલ્લભભાઈ

અને બન્નેની થઈ ને આઠ મહિના વીસ દિવસની સખ્ત કેદની સજા કરવામાં આવી. કાઠિયાવાડથી આવેલા બે વીર ભાઈ શિવાનંદ તથા ભાઈ અમૃતલાલને તથા વાલોડના જ રહીશ એવા ત્યાગી કાર્યકર્તા ભાઈ સન્મુખલાલને તેડાં આવ્યાં. ભાઈ સન્મુખલાલ ઉપર આરોપ એવો હતો કે એક શખ્સના ઘરમાંથી તલાટી, રેવન્યુ પટાવાળો તથા જપ્તી અમલદાર જુવારની ત્રણ ગુણો જપ્તીમાં લેતા હતા તે વખતે જપ્તીનું કામ નહીં કરવાનું સમજાવવાના હેતુથી આરોપીએ તલાટીને અને સરકારી પટાવાળાને સામાજિક બહિષ્કારથી નુકસાન પહોંચાડવાની ધમકી આપી. ભાઈ શિવાનંદ તથા અમૃતલાલ સામે એક પ્રચંડ પઠાણે ફરિયાદ નોંધાવેલી કે શિવાનંદે તેના ઉપર ધસારો કર્યો અને અમૃતલાલ મારવા ગયા. ભાઈ સન્મુખલાલને છ મહિનાની સખ્ત કેદની સજા તથા ભાઈ શિવાનંદ તથા અમૃતલાલને નવ નવ મહિનાની સખ્ત સજા કરવામાં આવી.

થોડા દિવસ પછી વાંકાનેર નામના એક ગામમાંથી ઓગણીસ જણને ડેપ્યુટી કલેક્ટરનો સામાન લઈને જતાં ત્રણે ગાડાંને રોકવા માટે અને ટંટાફિસાદ કરવા માટે પકડવામાં આવ્યા. તેમાં એક ગૂજરાત વિદ્યાપીઠનો વિદ્યાર્થી, એક સરદારની મોટરનો ક્લિનર અને બીજા સત્તર ખેડૂતો હતા. પણ તેમની સામે કશો પુરાવો તો હતો જ નહીં. એક માણસ જેની પાસે ઝાંખું બળતું એક ફાનસ હતું તે, એ ફાનસના પ્રકાશથી બધા આરોપીને ઓળખી શક્યો ! આ પુરાવા ઉપર મૅજિસ્ટ્રેટની પણ બધા આરોપીઓને સજા કરવાની હિંમત ન ચાલી. પાંચને કોર્ટમાં ઓળખાવી ન શકવાને લીધે આરોપ મૂક્યા વિના છોડી દેવા પડ્યા અને ત્રણને પાકા પુરાવાને અભાવે નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા. બાકીના અગિયાર એ ગુના ઉપર છ છ મહિનાની સખત કેદની અને સાપરાધ બળ વાપરવાને માટે એક એક મહિનાની સાદી કેદની સજા થઈ. આ નાટક પૂરતું ન હોય તેમ આ ભાઈઓને જેલમાં લઈ જતાં બબ્બેના જોડકામાં દોરડે બાંધ્યા અને હાથમાં બેડીઓ પહેરાવી. વાંકાનેરના તલાટીથી આ દૃશ્ય જોયું ન ગયું અને તેણે પોતાની પચીસ વરસની નોકરીનું રાજીનામું આપ્યું.

સરકારે આ કાર્યકર્તાઓને અને ખેડૂતોને પકડી કશા કાંદા ન કાઢ્યા. રવિશંકર મહારાજનું થાણું સંભાળવા ડૉ. સુમન્ત મહેતા અને શ્રીમતી શારદાબહેન આવી પહોંચ્યાં. તેમણે સરભોણમાં પડાવ નાખ્યો. મોતાની શ્રી ચિનાઈની છાવણી ડૉ. ધિયા અને શ્રીમતી ગુણવંતબહેને આવીને સંભાળી લીધી અને કાઠિયાવાડના કાર્યકર્તાઓનું સ્થાન લેવા શ્રી અમૃતલાલ શેઠ અને શ્રી બળવંતરાય મહેતા સ્વયંસેવક તરીકે આવીને ઊભા. આ ઉપરાંત ભાઈ રામદાસ ગાંધી, કુમારી મણિબહેન પટેલ તથા શ્રી જેઠાલાલ રામજી કામ કરવા આવી પહોંચ્યાં. સરદારને પણ હવે અમદાવાદ જવા આવવાની પંચાત રહી નહોતી. ત્યાંના