આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
વકીલાત


કર્યું છે કે એને પ્રથમ એક વખત નવ માસની સજા થયેલી છે અને એની નોંધ ઉપર આરોપીની સહી પણ લેવામાં આવી છે, પછી બીજો પુરાવો શો જોઈએ ? સરદારે આ નોંધ જોઈને જજને બતાવી. એમાં લખેલું હતું કે ત્રીસ વર્ષ ઉપર આરોપીને નવ માસની એકાંત જેલની સખ્ત સજા થયેલી. પછી સરદારે ચાર્જશીટમાં આરોપીની ઉંમર ત્રીસ વર્ષની લખેલી હતી તે હકીકત તરફ કોર્ટનું ધ્યાન ખેંચ્યું. કોર્ટમાં બેઠેલા સૌ ખડખડાટ હસી પડ્યા. સરકારી વકીલ તો તદ્દન ફિક્કા પડી બેસી ગયા. પછી સરદારે પોતાનો સપાટો ચલાવ્યો કે તપાસ કરનાર સુપરિન્ટેન્ડેન્ટમાં કેટલી અક્કલ હોવી જોઈએ ? વળી આવી વાત પર ભાર દેનાર સરકારી વકીલને ખાસ અમદાવાદથી લાવી સરકારને નકામું ખર્ચ કરાવનાર અને આવા ક્ષુલ્લક કેસને અણઘટતું મહત્વ આપી ખાસ મૅજિસ્ટ્રેટ નિમાવનાર બધા અમલદારો ઉપર સખત પ્રહારો કરી વિઠ્ઠલભાઈ પર કરેલી ટીકાઓ રદ કરવા અને આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા રમૂજભરી પણ ચોટડૂક દલીલો કરી. આરોપી છૂટી ગયો, વિઠ્ઠલભાઈ ઉપરની ટીકાઓ રદ કરવામાં આવી અને સામેથી સુપરિન્ટેન્ડેન્ટ ઉપર સખત ટીકા થઈ, જેને પરિણામે એને રાજીનામું આપવું પડ્યું.

૨. એક અંગ્રેજ મૅજિસ્ટ્રેટની તુમાખીનો પાર ન હતો. અમદાવાદના મોટા મોટા વકીલોનું પણ તે અપમાન કરતો. તેની પાસે જતાં સૌ ડરતા. એક ખૂનનો કેસ એની પાસે ચલાવવાનું સરદાર પાસે આવેલું. સાક્ષીઓને શરમાવવા અને દબાવવા ખાતર એ મૅજિસ્ટ્રેટ દરેક સાક્ષીની સામે મોટો અરીસો મુકાવતો. આ કેસમાં એક પટેલ આરોપી હતો. તેની સામે એણે અરીસા મુકાવ્યો અને અરીસામાં જોતાં જોતાં જુબાની આપવા હુકમ કર્યો. સરદારે તુરત જ મૅજિસ્ટ્રેટને કહ્યું કે, “આ અરીસો સામે રાખીને આરોપીની જુબાની લેવાય છે એ વાતની નોંધ કરો.” મૅજિસ્ટ્રેટે કહ્યું: “એવી નોંધ કરવાની કશી જરૂર નથી.” સરદારે કહ્યું: “એ અરીસો તો પુરાવામાં રજૂ થયેલો ગણાશે અને કેસના કાગળ સાથે સેશન્સ કોર્ટમાં પહોંચશે.” હવે પેલો કાંઈક ગભરાયો કારણ આવી રીતે પડકારનાર કોઈ માથાનો વકીલ એને મળ્યો નહોતો. તોપણ એણે સરદારની વાત માની નહીં અને સામસામે ગરમાગરમ તકરાર થઈ. છેવટે, મારે આ કેસ તમારી પાસે ચલાવવો નથી, એમ કહીને સરદારે આ કેસ બીજી કોર્ટમાં ચલાવવો જોઈએ એવી અરજી આપવા માંડી એટલે પેલો મોળો પડ્યો અને સરદારને બચાવના સાક્ષીઓ લાવવા કહ્યું. સરદારે કહ્યું: “એકે સાક્ષી હું અહીં રજૂ કરવા માગતો નથી. પણ આ બંધ પાકીટમાં હું સાક્ષીઓનાં નામ લખું છું તે સાક્ષીઓ હું સેશન્સ કોર્ટમાં રજૂ કરીશ.” એ પાકીટ સેશન્સ કોર્ટમાં જ ફોડવામાં આવે એવી એના પર નોંધ કરીને કોર્ટને આપ્યું. મૅજિસ્ટ્રેટ