આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨૯
બારડોલી સત્યાગ્રહ


કરવામાં આવી. પતિને જેલમાં વિદાય દેતી વખતે એ વીરાંગનાએ જે શબ્દો ઉચાર્યા તે નોંધવા જેવા છે :

“જો જો, હોં. ઢીલો બોલ ન નીકળે. જેલરને કહેજો કે તારાથી દેવાય તેટલું દુ:ખ દે. મારી સામે કે છોકરા સામે જોવાનું ન હોય. હિંમત રાખજો. અને ખખડાવીને જવાબ દેજો. શું કરું? મારા ઉપર કેસ નહીં માંડ્યો, નહીં તો બતાવી દેતે. મણ દળવા આપે તે દોઢ મણ દળીને ફેંકી દેતે. મારા ધણી જેલમાં જવા તો તૈયાર છે પણ જરા ઠંડા સ્વભાવના એટલે બોલતાં નહીં આવડે. આવે વખતે તો એવા જવાબ દેવા જોઈએ કે સરકારમાં હોય તેટલા બધાને યાદ રહી જાય.”

બારડોલીની બહેનોની આવી વીરતા અને હિંમતનો ફાળો આ લડતમાં ઘણો મોટો હતો

ખેડા સત્યાગ્રહના દિવસોમાં સરકારનું ખબર ખાતું ખૂલ્યું નહોતું. બોરસદ સત્યાગ્રહમાં તેનાં કંઈક દર્શન થયાં હતાં. પણ આ વખતે તો તેને પત્રિકાઓ કાઢવાનું શૂર ચઢ્યું હતું. અને તેમાં રોજ રોજ સરકારની ઈજ્જત ઉઘાડી પાડનારા નમૂના બહાર પડ્યા જતા હતા. એક પઠાણ મીઠું ચોરતાં પકડાયો ત્યારે ખબર ખાતાના અમલદારે કહ્યું: ‘પોલીસને જણાયું છે કે આ કેસ ખોટા કેસમાં ગણવો જોઈએ.’ એક પઠાણે એક સત્યાગ્રહી ઉપર છરી લઈને હુમલો કર્યો ત્યારે હુમલાનો તો ઈનકાર ન કરવામાં આવ્યો પણ કહેવામાં આવ્યું કે છરી ભોંકવાનો ઈરાદો નહોતો. એક પઠાણ કૂવા ઉપર નાગો ઊભો હતો ત્યારે કહેવામાં આવ્યું કે પઠાણનો હેતુ મલિન નહતો. પછી જ્યારે આ ‘નમૂનેદાર ચાલ’વાળા પઠાણોને તાબડતોબ તાલુકામાંથી ખસેડવાનો હુકમ થયો ત્યારે ખબર ખાતાએ લખ્યું: ‘હવે વરસાદની મોસમ શરૂ થઈ એટલે પાણીની જરૂર થોડી જ રહેવાનો સંભવ છે.’ વળી તેણે દલીલ કરી: ‘વાણિયા પઠાણોને ચોકીદાર રાખે છે તેની સામે તો કોઈ કાંઈ કહેતું નથી. તો પછી સરકાર પઠાણને રાખે તેમાં શું દોષ ?’ કલેક્ટર સાહેબ ‘ખેડૂતને શુભ વચનો’ કાઢતા હતા. તે વળી આ ખબર ખાતાને પણ ટપી જાય એવાં હતાં. એ શુભ વચનોમાં સરદાર અને તેમના સાથીઓને ‘દુરાગ્રહી’ વિશેષણની નવાજેશ કરવામાં આવી. તેમને ‘બારડોલી તાલુકામાં જેમને ગુમાવવાની બિલકુલ જમીન નથી એવા પરદુઃખોત્પાદક ઋષિઓ’ કહ્યા. ખાલસા જમીન પચાવતાં પહેલાં સ્વયંસેવકોના લોહીની નીકો વહેશે અને તેમનાં હાડકાનાં ખાતર થશે એવું સરદારે કહેલું તે ઉપર લખ્યું :

“હવે તો તત્ત્વજ્ઞાન અને શાંતિના પાઠો પણ વીસરાવા માંડ્યા છે. શાંતિની વાતો હવે શાંત થવા માંડી છે અને લડાઈ અને લોહીલુહાણના ગંભીર ધ્વનિ એ પરદુ:ખોત્પાદક ઋષિઓને મુખેથી કાને પડવા માંડ્યા છે.