આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૩
બારડોલી સત્યાગ્રહ

શ્રી મુનશી પોતાની જગ્યાનું રાજીનામું આપીને સંતોષ માની બેસી ન રહ્યા. લોકોને દબાવવાના જે ઉપાયો યોજવામાં આવ્યા હતા તેની કાયદાની દૃષ્ટિએ તપાસ કરવા તેમણે એક સમિતિ નીમી. આ તપાસમાં મદદ કરવા સરકારને પણ તેમણે નોતરી, પણ સરકારે આમંત્રણ ન સ્વીકાર્યું. પુષ્કળ પ્રમાણમાં મળેલા અને જેની સામે વાંધો ન ઉઠાવી શકાય એવા જ પુરાવાના આધાર ઉપર પોતાના નિર્ણયો બાંધવાની સમિતિએ ખાસ કાળજી રાખી.

૧૨

સર પુરુષોત્તમદાસ ઠાકોરદાસ અને હિંદી વેપારીઓની ચેમ્બર ઑફ કૉમર્સના બીજા સભ્યોએ હવે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. સત્યાગ્રહીઓની ઓછામાં ઓછી માગણી શી છે તેનક્કી કરી લેવા તેઓ ગાંધીજીને સાબરમતી આશ્રમમાં મળવા ગયા અને ત્યાં સરદારને પણ હાજર રહેવા વિનંતી કરી. ગાંધીજીને મળ્યા પછી સર પુરુષોત્તમદાસ, શ્રી મોદી તથા શ્રી લાલજી નારણજી ડેપ્યુટેશનના રૂપમાં ગર્વનરને મળવા પૂના ગયા. ગવર્નર સાહેબનો ઓછામાં ઓછો એટલો આગ્રહ તો હતો જ કે ખેડૂતોએ વધારેલું મહેસૂલ પ્રથમ ભરી દેવું જોઈએ અથવા છેવટે કોઈ ત્રાહિત વ્યક્તિએ વધારા જેટલી રકમ સરકારી તિજોરીમાં અનામત મૂકવી જોઈએ, ત્યાર પછી જ ફરી તપાસ કરવામાં આવે. પછી સર પુરુષોત્તમદાસ સરદારને મળ્યા. બંનેને લાગ્યું કે સરકાર અને સત્યાગ્રહીઓ વચ્ચે કાંઈ મેળ ખાય તેમ નથી. પરિણામે શ્રી લાલજી નારણજીએ ધારાસભામાંથી પોતાની જગ્યાનું રાજીનામું આપ્યું. તેમાં સ્પષ્ટ જણાવ્યું કે, લોકોની નિષ્પક્ષ તપાસની માગણી સ્વીકારતાં પહેલાં વધારેલા દર પ્રમાણે મહેસૂલ ભરી દેવાની તેમની પાસે માગણી કરવી એ તદ્દન ખોટું છે.

આવી સમાધાનીની વાતોથી લોકો પોતાના નિર્ધારમાં જરાયે ઢીલા ન પડે તે માટે સરદાર તેમને વારંવાર સંભળાવતા :

“કેરીનું ફળ કવખતે તોડશો તો તો ખાટું લાગશે અને દાંત અંબાઈ જશે. પણ તેને પાકવા દઈશું તો તે આપોઆપ ખરી પડશે અને અમૃતસમું લાગશે. હજી સમાધાનીનો વખત આવ્યો નથી. સમાધાની ક્યારે થાય ? જ્યારે સરકારની મનોદશા બદલાય, જ્યારે તેનો હૃદયપલટો થાય, ત્યારે સમાધાની થાય. ત્યારે આપણને લાગે કે તેમાં કંઈ મીઠાશ હશે. હજી તો સરકાર ઝેરવેરથી તળે ઉપર થઈ રહી છે.”

મિત્રોને પણ તેમણે વારંવાર સંભળાવ્યું હતું કે ઉતાવળ ન કરો, પ્રજામાં આટલું ચેતન આવ્યું છે તેના ઉપર પાણી ન રેડો. હવે વિનીત દળના નેતાઓને લાગ્યું કે તેમણે પણ આ લડતનો અભ્યાસ કરી પોતાનો અભિપ્રાય જાહેર કરવો જોઈએ. જૂનના ત્રીજા અઠવાડિયામાં