આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૪
સરદાર વલ્લભભાઈ

પંડિત હૃદયનાથ કુંઝરુ, ‘સર્વન્ટ્સ ઑફ ઇન્ડિયા’ના તંત્રી શ્રી વઝે તથા ઠક્કર બાપા બારડોલી આવ્યા. નવી આકારણી આર્થિક દૃષ્ટિએ વાજબી છે કે કેમ એટલી જ તપાસ તેમને કરવી હતી. એટલે સરકારની દમનનીતિ વિષે, લોકોના સંગઠન વિષે અથવા બારડોલીમાં ચાલતા રચનાત્મક કામ વિષે, એ કશું જોવાની તેમણે સાભાર ના પાડી. લૅન્ડ રેવન્યુ કોડ તથા સેટલમેન્ટ મૅન્યુઅલની રૂએ આ આકારણી કેટલે દરજ્જે વાજબી છે તેની પ્રત્યક્ષ તપાસ ઘણાં ગામોએ ફરીને તેમણે કરી અને તેઓ એ અભિપ્રાય ઉપર આવ્યા કે, ‘ફરી તપાસની માગણી સંપૂર્ણ રીતે ન્યાયી છે,’ અને ‘વીરમગામ તાલુકાની થયેલી નવી આકારણીનો ફરી વિચાર કરવાનું સરકારે બહાર પાડ્યું છે એટલે બારડોલીની આકારણીનો પણ ફરી વિચાર કરવાનો કેસ જવાબ ન આપી શકાય એવો મજબૂત બને છે.’ શ્રી વઝેએ એક વિશેષ નોંધ બહાર પાડી જેમાં તેમણે ‘બારડોલીની વર્તમાન લડત શુદ્ધ આર્થિક લડત છે અને સામુદાયિક સવિનય ભંગના એક અંગરૂપ નથી’ એ વસ્તુ ઉપર ખાસ ભાર મૂક્યો :

“મારી તપાસથી મને સંતોષ થયો છે કે આ પ્રવૃત્તિના સંચાલકો, બારડોલીના ખેડૂતોને જે ક્રૂર અન્યાય થયેલા છે તે દૂર કરવા માટે પોતાથી બને તેટલા પ્રયત્ન કરવા ઉપરાંત બીજા કોઈ પણ હેતુથી આ લડત આગળ ચલાવવા પ્રેરાયેલા નથી. આ લડતમાં વ્યાપક રાજદ્વારી હેતુ બિલકુલ નથી, છતાં તેવા હેતુનું સરકાર આરોપણ કરે છે તે અતિશય ગેરવાજબી અને અન્યાયી છે.”

આ ત્રણ ગૃહસ્થનો રિપોર્ટ તેમની શાંત, તટસ્થ વિચારસરણીને છાજે એવો હતો. તેમાં નકામી એક પણ વિગત નહોતી કે એક પણ વિશેષણ નહોતું. જુદા જુદા રાજદ્વારી પક્ષના નેતાઓ ઉપર તેની બહુ અસર થઈ. બરાબર આ વખતે ભાઈ મણિલાલ કોઠારી આખા દેશમાં ફરી વળ્યા. તેઓ અનેક પક્ષના નેતાઓને મળ્યા. તેમને બારડોલીના કેસથી અને બારડોલીની પરિસ્થિતિથી વાકેફ કર્યા અને પોતાના વિચારો બહાર પાડવા વિનંતી કરી. એનું પરિણામ સુંદર આવ્યું. એક પછી એક આ નેતાઓએ પોતાના વિચાર વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ કર્યા અને પ્રજાને એ સંબંધમાં વિચાર કરતા કરી મૂકી. પંડિત મોતીલાલ નેહરુએ છાપાં જેવી એક લાંબી યાદીમાં કહ્યું :

“હું એમ સમજ્યો છું કે મુંબઈ સરકાર ફરી તપાસ આપવા તો તૈયાર છે, પણ તપાસ આપતાં પહેલાં વધારેલું તમામ મહેસૂલ ભરાઈ જવું જોઈએ એવો આગ્રહ રાખે છે. સરકારનું આ વલણ બહુ વિચિત્ર લાગે છે. જે વધારો પ્રથમ દર્શને જ ખોટો અને અન્યાયી હોય અને તેનો ફરી વિચાર થવાની જરૂર હોય તો એ વધારો વસૂલ કરવાની માગણી કરવી એ તદ્દન અજુગતું અને ન્યાયવિરુદ્ધ છે.”