આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩૬
સરદાર વલ્લભભાઈ

ગયો છે. ભરૂચમાં શ્રી નરીમાનના, નડિયાદમાં શ્રી ખાડિલકરના અને અમદાવાદમાં શ્રી કેલકરના પ્રમુખપણા નીચે જિલ્લા પરિષદ ભરાઈ. ભરૂચમાં સરદારે કહ્યું : ‘જો સરકારની દાનત જમીન પર હોય તો હું તેને ચેતવું છું કે આવતી મોસમે હું એક છેડેથી બીજે છેડે તાલુકો સળગાવી દઈશ, પણ એક પૈસો એમ ને એમ નહીં આપવા દઉં'.’ અમદાવાદમાં કહ્યું : ‘તમને ગુમાન હશે કે આપણી પાસે રાવણ કરતાં વધારે સામર્થ્ય છે. પણ રાવણ બાર મહિના સુધી એક વાડીમાં પૂરેલી અબળાને વશ ન કરી શક્યો, અને એનું રાજ્ય રોળાઈ ગયું. અહીં તો એંશી હજાર સત્યાગ્રહીઓ છે. એમની ટેક છોડાવી શકનાર કોણ છે?’ જ્યાં સરદાર જવાના હોય, ત્યાં લોકો ઘેલા થઈ તેમને સાંભળવા જતા હતા. શ્રીમતી શારદાબહેને તેમને વિષે બોલતાં કહેલું: ‘તેમનો એકેએક બોલ અંતરના ઊંડાણમાંથી જ આવતો લાગે છે. વલ્લભભાઈ ઈશ્વરી પ્રેરણાથી બોલે છે. પરિસ્થિતિ તેમને વાચા આપે છે, અને સાંભળનારને ઉચ્ચ ભૂમિકામાં લઈ જાય છે.’

લોકજાગૃતિના આ ચઢતા પૂરે ઘણાઓને તેમની ઘોર નિદ્રામાંથી જગાડ્યા. ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા’ પણ જાગ્યું. તેણે પોતાના ખાસ ખબરપત્રીને બારડોલી મોકલ્યો.

મહાદેવભાઈ લખે છે:

“કોઈ પાપીને પુણ્ય ખૂંચે, સ્વછંદીને સંયમ ખૂંચે, અવ્યવસ્થિતને વ્યવસ્થા ખૂંચે, સ્વાર્થીને ત્યાગ ખુંચે તેમ ‘ટાઈમ્સ’ના આ ખબરપત્રીને પોતાની ટેકને માટે ખુવાર થવા બેઠેલા ખેડૂતાનો નિશ્ચય ખૂંચ્યો, પડ્યો બોલ ઉઠાવી લેનારા સ્વયંસેવકોની શિસ્ત અને તાલીમ ખૂંચી, પોતાના સરદારની આંખોમાંનો પ્રેમ જોઈ ઘેલી બનનારી વીરાંગનાની ભક્તિ ખૂંચી. તેણે તો એમ માન્યું હતું કે બારડોલીના ૨૫૦ સ્વયંસેવકો લોકોના પૈસે તાગડધિન્ના કરતા હશે; સ્વરાજથાણામાં પડ્યાપડ્યા ઊંઘતા હશે. પણ તેની આંખ બારડોલીમાં આવીને ઊઘડી ગઈ. વલ્લભભાઈની ગેરહાજરીમાં પણ આશ્રમમાં તો તેણે કામ, કામ ને કામ જ જોયું. સ્વયંસેવકો પણ રેંજીપેંજી નહીં, કઠણ જીવન ગાળનારા જોયા. ઘણા જૂના જોગીઓ જોયા. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ જોયા. આશ્રમમાં તેણે જાડીપાતળી રોટલી અને ભાતદાળ અને કેવળ રાત્રે જ શાક મળતાં જોયાં. ગાંધીજીનો દીકરો રામદાસ પણ આ રસોડે લુસલુસ ખાઈ લઈ કામ પર જવાને તૈયારી કરતો જોયો. આ બધું જોઈને એ બિચારો શું કરે ? એણે આંખો ચોળી, લોકો કેટલું કષ્ટ સહન કરી રહ્યા છે, તે પણ તેણે જોયું. તેણે કહ્યું: “બેશક, બારડોલીનાં ગામડાં ભયંકર તાવણીમાંથી પસાર થયાં છે. આખો દિવસ બંધ રહેતાં ઘરમાં પોતાનાં ઢોરઢાંખર સાથે સ્ત્રીપુરુષો અઠવાડિયાંનાં અઠવાડિયા સુધી શી રીતે ભરાઈ રહી શક્યાં હશે ! મળમૂત્રના ત્રાસથી કેમ કોઈ ૨ાગચાળો ફાટી નીકળ્યો નહીં હોય એ વિષે