આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪૧
બારડોલી સત્યાગ્રહ

ખુલ્લી અને સ્વતંત્ર તપાસ કરાવવા તૈયાર છે.’ હું એ દર્શાવવા ઇચ્છું છું કે લડતનો હેતુ સવિનય ભંગ કરવાનો નહોતો અને નથી જ. હું જાણું છું કે સવિનય ભંગના કાયદેસરપણા વિષે તથા ડહાપણ વિષે બધા પક્ષનો એક અભિપ્રાય નથી. એ બાબત મારો પેાતાનો અભિપ્રાય દૃઢ છે. પરંતુ બારડોલીના લોકો સવિનય ભંગ કરવાનો હક સ્થાપિત કરવાની લડત લડતા નથી. તેઓ તો સવિનય ભંગની રીતે — અથવા તેઓએ સ્વીકારેલી રીતને જે નામ આપવામાં આવે તે રીતે — પોતા ઉપર થયેલો મહેસૂલનો વધારો સરકાર પાસે રદ્દ કરાવવા, અથવા થયેલો વધારો ખોટી રીતે થયેલો સરકારને ન લાગતો હોય તો સત્ય શોધી કાઢવા માટે નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસ કરાવવા માટે લડે છે. એટલે પ્રશ્ન તો કેવળ નવી આકારણીના ન્યાયીપણાનો જ છે. અને સરકાર જો ‘એ પ્રશ્નની સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’ કરવા માગતી હોય તો તેઓ પોતે જ જે વસ્તુ સ્વીકારે છે તેનું તેમાંથી સ્પષ્ટ રીતે ફલિત થતું પરિણામ તેઓએ સ્વીકારવું જ જોઈએ. એટલે કે, જે વધારા માટે તકરાર છે તે ભરાવી દેવાનો આગ્રહ ન રાખવો જોઈએ અને લડત શરૂ થઈ તે પહેલાં જે સ્થિતિ હતી તે સ્થિતિમાં લોકોને મૂકવા જોઈએ. વળી, ‘સંપૂર્ણ, ખૂલ્લી અને સ્વતંત્ર તપાસ’ને 'પ્રગટ થયેલા જાહેરનામામાં જેની રૂપરેખા આપી છે’ એવું વિશેષણ વાક્ય લગાડવામાં આવે છે તે સંબંધમાં લોકોને હું ચેતવું છું. એ વાક્ય બહુ ભયંકર છે, કારણે સુરતની યાદીમાં ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’નું વચન નથી. પણ તપાસની એક મશ્કરીનો જ ઉલ્લેખ છે. સુરતની યાદીમાં તો બહુ જ મર્યાદિત તપાસનો વિચાર દર્શાવેલો છે. ન્યાયખાતાના અમલદારની મદદથી રેવન્યુ અમલદાર સરવાળા બાદબાકીની અને હકીકતની ભૂલો તપાસે એ ‘સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર તપાસ’થી એક જુદી જ વસ્તુ છે. એટલે હું આશા રાખું છું કે ગવર્નરે પોતાના ભાષણમાં આપેલી ધમકીઓથી અસ્વસ્થ થયા વિના લોકમત મેં દર્શાવેલા માત્ર એક જ મુદ્દા પર એકાગ્ર રહેશે.”

ગાંધીજીએ પણ ‘યંગ ઈન્ડિયા’માં લેખ લખીને સરદારની માગણીનું વાજબીપણું અને સરકારપક્ષનું ખોટાપણું સ્પષ્ટ કર્યું. લેખના અંતમાં તેમણે જણાવ્યું :

“હું તો એમ પણ સૂચવવા માગું છું કે આથી જો જરા પણ થોડું તે (સરદાર) માગે અથવા સ્વીકારે તો તેમણે ભારે વિશ્વાસભંગ કર્યો ગણાય. આબરૂભર્યું સમાધાન કરવાની તેમની તત્પરતા અને ન્યાયપરતા તેમની પાસે આટલી એાછામા ઓછી માગણી કરાવે છે. નહીં તો જમીનમહેસૂલની સરકારની આખી નીતિનો પ્રશ્ન તેઓ ઉપાડી શકે છે, અને પોતાના કાંઈ પણ દોષ વિના છેલ્લા ચાર ચાર માસ થયાં લોકો જે સિતમ વેઠી રહ્યા છે. તેને માટે નુકસાની પણ માગી શકે છે.
“સરકારની આગળ બે જ માર્ગ ૫ડેલા છે : આખા દેશના લોકમતને માન આપી શ્રી વલ્લભભાઈની માગણી સ્વીકારે, અથવા પોતાની જૂઠી પ્રતિષ્ઠા