આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૫૩
બારડોલી સત્યાગ્રહ


સાથેના પોતાના સંબંધને ‘અતિશય મીઠા સંબંધ’ તરીકે વર્ણવ્યું છે, અમે આપેલી મદદને ‘કીમતી મદદ’ ગણી છે અને લોકોની વૃત્તિ ‘તદ્દન વિરોધ વિનાની અને આશા નહોતી રાખી એટલે સહકાર આપવાની’ કહી છે.

તપાસ કમિટીનું કામ સરકારી હુકમમાં નીચેના શબ્દોમાં નિયત કરવામાં આવ્યું હતું :

“એક મહેસૂલી અધિકારી અને બીજા ન્યાયખાતાના અધિકારી એમને તપાસ સોંપવામાં આવશે, એ બે વચ્ચે મતભેદના પ્રસંગે ન્યાયખાતાના અધિકારીનો મત નિર્ણયાત્મક ગણાશે; તપાસની શરતો નીચે પ્રમાણે રહેશે :

“સદરહુ અમલદારોએ બારડોલી તાલુકાના અને વાલોડ મહાલના તથા ચોર્યાસી તાલુકાના લોકોની નીચેની ફરિયાદની તપાસ કરી રિપોર્ટ કરવો:

“(ક) એ તાલુકાઓમાં કરવામાં આવેલો મહેસૂલવધારો લૅંડ રેવન્યુ કોડ પ્રમાણે વાજબી નથી;

“(ખ) સદરહુ તાલુકા વિષે જે રિપોર્ટો બહાર પડેલા છે તેમાં સરદહુ વધારાને વાજબી ઠરાવવા પૂરતી હકીકત નથી, અને કેટલીક હકીક્ત ખોટી છે;

“અને જો એ અમલદારને સદરહુ ફરિયાદ વાજબી માલૂમ પડે તો જૂના મહેસૂલમાં કેટલો વધારો અથવા ઘટાડો થવો જોઈએ તે જણાવવું.

“તપાસ સંપૂર્ણ, ખુલ્લી અને સ્વતંત્ર થનાર હોવાથી લોકોને તેમના પ્રતિનિધિઓની, કાયદાના સલાહકાર સુધ્ધાંની મદદથી જુબાનીએ આપવાની ને તપાસવાની છૂટ રહેશે.”

શ્રી ભૂલાભાઈ દેસાઈ એ પોતાની પ્રારંભિક ચર્ચામાં જણાવ્યું હતું કે સેટલમેન્ટ ઑફિસર શ્રી જયકર અને સેટલમેન્ટ કમિશનર મિ. ઍન્ડર્સનની ભલામણો ગણોતના આંકડાને આધારે કરવામાં આવી છે એ લૅન્ડ રેવન્યુ કોડની ૧૦૭મી કલમ પ્રમાણે બરાબર નથી. એ કલમમાં તો જમીનમાંથી થતા ચોખ્ખા નફા ઉપર જ મહેસૂલ નક્કી કરવાનું ઠરાવ્યું છે. અને ચોખ્ખો નફો તો ખેડૂતને થતા ઉત્પન્નમાંથી તેને થતો ખર્ચ બાદ કરીને જ કાઢી શકાય. વળી ગણોતની ઉપર આધાર ત્યારે જ રખાય જ્યારે સેટલમેન્ટ મેન્યુઅલ પ્રમાણે ગણોતે આપેલી જમીનનું પ્રમાણુ બહુ મોટું હોય. મિ. ઍન્ડર્સને બારડોલી તાલુકામાં ૩૩ ટકાથી તે ૫૦ ટકા સુધી જમીન ગણાતે અપાય છે એમ કહ્યું છે તે તદ્દન કપોલકલ્પિત છે, માંડ છ-સાત ટકા જમીન ખરી ગણાતે અપાય છે.

પહેલે જ દિવસે આફવા નામનું ગામ તપાસ્યું તો ત્યાંના ગણોતના આંકડામાં ભારે ગોટાળા જણાયા. સેટલમેન્ટ મેન્યુઅલ પ્રમાણે શુદ્ધ ગણોતના આંકડા જુદા તારવવા જોઈએ. શ્રી જયકરનો દાવો એવો હતો કે એમણે બધાં જ ગણોત તપાસેલાં છે અને તેમાંથી શુદ્ધ ગણોત તારવેલાં છે. અમે તપાસ