આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૨
સરદાર વલ્લભભાઈ


આગ્રહપૂર્વક લખ્યું : ‘મને પ્રમુખની ખુરશીમાં બેસાડીને, મારા માથા ઉપર કાંટાનો મુગટ પહેરાવીને, મારું સંકટ દૂર બેઠા બેઠા જોશા મા.’ ગાંધીજી નેહરુ રિપોર્ટને એ વર્ષનું એક મોટું કાર્ય ગણતા હતા, ખાસ કરીને એટલા માટે કે દેશનો એકેએક પક્ષ એના ઉપર એકત્ર થયો હતો. આ ઉપરાંત મિત્રધર્મ તો હતો જ એટલે તેમણે પંડિતજીને લખી દીધું : ‘તમે કહેશો તે દિવસે સેવામાં હાજર થઈશ અને તમે કહેશો તે દિવસે રજા લઈશ.’ તેની જ સાથે તેમણે મન સાથે નિશ્ચય કરી લીધો કે નેહરુ રિપોર્ટ એક અખંડ અને અખંડ્ય માગણી તરીકે દેશ તરફથી સરકાર આગળ રજૂ કરવામાં આવે અને સરકાર ચોક્કસ કરાવેલી મુદ્દતની અંદર તેનો સ્વીકાર ન કરે તો એ અસ્વીકારનો ઉચિત જવાબ વાળવો જોઈએ. જવાહરલાલજી, શ્રી શ્રીનિવાસ આયંગર, સુભાષબાબુ અને દેશનો જુવાન વર્ગ તો સંપૂર્ણ સ્વાતંત્ર્યની જ ધૂનમાં હતો. ગાંધીજીએ બધાને ખૂબ સમજાવ્યા અને એમને ગમશે એમ ધારીને કૉંગ્રેસ પાસે એ ઠરાવ કરાવવાનું સૂચવ્યું કે નેહરુ રિપોર્ટ એ સમસ્ત દેશની માગણી હોઈ તેને આ કૉંગ્રેસ વધાવી લે છે અને એ માગણી મેળવવાને તે તત્પર છે એમ વાઈસરૉયને જાહેર કરે છે; વાઈસરૉયને એ માગણી સ્વીકારી લેવા બે વર્ષની મુદ્દત આપવી, એટલામાં તે કાંઈ ન કરે તો દેશે અહિંસાત્મક એવો સંપૂર્ણ અસહકાર જાહેર કરવો અને જોઈએ તો સંપૂર્ણ સ્વાતંત્ર્ય પણ જાહેર કરવું. પણ જવાહરલાલજીને તો સ્વાતંત્ર્ય માટે બે મિનિટ પણ થોભવું અશક્ય લાગતું હતું, ત્યાં બે વર્ષ તેઓ શેના જ સ્વીકારે ? ગાંધીજીની દલીલ એ હતી કે આપણે સ્વાતંત્ર્ય તો લેવું જ છે, પણ તે લેવાને માટે કામ પણ કરવું છે ના ? કામ જ મોટી વાત છે. જવાહરલાલનો જવાબ એ હતો કે એ હું સમજું છું. આપના જેવાને મારે કશું કહેવાનું નથી. પણ લોકોનું માનસ ઘડવા માટે ધ્યેય બહુ મહત્વની વસ્તુ છે. વળી ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ પક્ષને એ પણ ખૂંચતું હતું કે સ્વાતંત્ર્યના યુદ્ધે ચઢનારા આપણે વાઈસરૉય પાસે કશી માગણી લઈને કેમ જઈ શકીએ ? વાત એટલી કસ પર ચડી કે કૉંગ્રેસમાં ભાગલા પડી જવાનો ભય ઊભો થયો. તે ટાળવાની ખાતર પોતાને નહોતું ગમતું છતાં ગાંધીજીએ પોતાના ઠરાવમાં વાઈસરૉયને માગણીવાળો ભાગ કાઢી નાખ્યો અને મુદ્દત માટે બેને બદલે એક વર્ષ કર્યું. ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’વાળા તત્કાળ તો રીઝ્યા અને મસલત સમિતિમાં શ્રી શ્રીનિવાસ આયંગરે જ ગાંધીજીના ઠરાવને ટેકો આપ્યો અને તે ભારે બહુમતીથી પસાર થયો. પણ બીજે દિવસે કૉંગ્રેસના અધિવેશન પહેલાં જ ખબર પડી કે આ સમાધાનથી ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’વાળા કોઈને સંતોષ થયો ન હતો. શ્રી શ્રીનિવાસ આયંગરને લાગ્યું કે આ સમાધાન સ્વીકારવામાં પોતે મોટી ભૂલ કરી છે, સુભાષબાબુએ