આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૩
૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ

સમાધાન સ્વીકાર્યું હતું પણ દિલની શ્રદ્ધા વિના. એટલે મસલત સમિતિમાં કબૂલ રાખેલા ઠરાવ ઉપરની શાહી સુકાય તે પહેલાં જ સુભાષબાબુએ ઠરાવને અવમાન્ય કર્યો અને પ્રમુખને નોટિસ આપી કે કૉંગ્રેસમાં પોતે ઠરાવનો વિરોધ કરશે. ‘સંપૂર્ણ સ્વાતંત્ર્ય’ની મોટી મોટી વાતો કરનારાઓની આવી ચંચળ વૃત્તિ જોઈ ગાંધીજીને ભારે દુ:ખ થયું. સ્વાતંત્ર્ચવાદીઓએ સમાધાનીને ફગાવી દીધા પછી ગાંધીજી પોતાના મૂળ ઠરાવ ઉપર જઈ શકતા હતા. પણ સમાધાનમાં નક્કી થયા પ્રમાણેના જ પોતાનો ઠરાવ તેમણે કૉંગ્રેસમાં રજૂ કર્યો :

“સર્વ પક્ષી સમિતિના રિપોર્ટમાં જે બંધારણ સૂચવ્યું છે તેનો પૂરો વિચાર કર્યા પછી આ કૉંગ્રેસ તે બંધારણને હિંદુસ્તાનના રાજકીય અને કોમી પ્રશ્નોના નિવારણના એક મોટા ઉપાય તરીકે વધાવી લે છે. એ ભલામણ લગભગ એકમત થઈ છે તે માટે નેહરુ કમિટીને કૉંગ્રેસ ધન્યવાદ આપે છે; અને મદ્રાસ કૉંગ્રેસનો સ્વાતંત્ર્યનો ઠરાવ કાયમ રાખતાં છતાં એ બંધારણને દેશની રાજકીય ઉન્નતિમાં એક મહત્ત્વનું પગલું ગણે છે, કારણ એની ઉપર દેશના સર્વે મહત્ત્વના પક્ષોનું વધારેમાં વધારે ઐક્ય મેળવી શકાયું છે.
“દેશમાં કાંઈ અણધાર્યા સંજોગો ઉત્પન્ન થાય અને આ બંધારણને બ્રિટિશ પાર્લમેન્ટ ૩૧ મી ડિસેંબર ૧૯૨૯ સુધીમાં પૂરેપૂરું સ્વીકારે તો કૉંગ્રેસ તેની ઉપર કાયમ રહેશે; પણ જો તે ન સ્વીકારે તો કૉંગ્રેસ અહિંસાત્મક અસહકાર જાહેર કરશે અને સરકારને કર ન આપવાની અને એવી જ બીજી ભલામણો દેશને કરશે.
“આ ઠરાવને બાધ ન આવે એવી રીતે કૉંગ્રેસને નામે સ્વાતંત્ર્યના ધ્યેયનો પ્રચાર કરવામાં કશો વાંધો નથી.”

સુભાષબાબુએ બ્રિટિશ સંબંધ તોડ્યા વિના ન જ ચાલે એ મતલબનો સુધારો આ ઠરાવ ઉપર રજૂ કર્યો અને પંડિત જવાહરલાલે તેને ટેકો આપ્યો. ગાંધીજીની હૃદયવ્યથાનો પાર નહોતો. ઠરાવ ઉપર બન્ને પક્ષનાં ભાષણો થઈ ગયા પછી પોતાના છેવટના ભાષણમાં ગાંધીજીએ અતિશય દર્દભરી વાણીમાં જે શબ્દો કહ્યા તે કાયમને માટે હૃદયમાં કોતરી રાખવા જેવા છે. પહેલાં હિંદીમાં કહ્યું :

“આ નેહરુ રિપોર્ટ આપણા નેતાઓની કૃતિ છે. મદ્રાસ કૉંગ્રેસમાંથી એની ઉત્પત્તિ છે, એમાં સરકારનો જરા પણ હાથ નથી અને એનું નામ ગમે તે હોય પણ તેમાં આઝાદીનો પટ્ટો છે — આજને માટે તો છે જ, કાલને માટે છે કે નહીં તે નથી જાણતો. પણ અત્યારે તમારી આગળ તો મારે આબરૂ અને સ્વમાનની વાત કરવી છે. કોઈ પણ દેશ પોતાની આબરૂ, પ્રતિજ્ઞા, સત્ય છોડે તો તે સ્વાતંત્ર્ય — ‘ઇન્ડિપેન્ડન્સ’ માટે લાયક નથી રહેતો. મને મહાદર્દ એ છે કે કાલે તમે જે સમાધાનીનો ઠરાવ સ્વીકાર્યો હતો તે આજે છોડી દો છો. મારા દિલનો ઠરાવ તો બીજો હતો, પણ તમને