આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૧
૧૯૨૯નું તૈયારીનું વર્ષ

ઉપર શિરજોરી કરતા અટકાવવા છે કે આ બ્રાહ્મણોને અટકાવવા છે ? આ બ્રાહ્મણોએ તમારું બહુ બગાડ્યું છે એમ માની લઈએ. પણ પેલા બ્રાહ્મણો જેટલું તો નથી જ બગાડ્યું. અને આ બ્રાહ્મણો તમારા કરતાં ઊંચા છે ? શા માટે તમે તમને એમના કરતાં ઊંચા નથી માનતા ? જે માણસ ખેતી કરી અનાજ પકવે છે તે આખી દુનિયામાં ઊંચામાં ઊંચો છે. હું એ જ જાતિમાંથી આવેલો છું. તમે પણ એ જ જાતિના છો. તમે શા સારુ તમને નીચા માનો ? જ્યાં રામાનુજ જેવાએ અબ્રાહ્મણ ગુરુ કર્યા, જ્યાં ગાંધીજી જેવા અબ્રાહ્મણની આગળ ભલભલા માંધાતા જેવા બ્રાહ્મણોની ગરદન ઝૂકે છે, ત્યાં તમે એ બ્રાહ્મણોના ઊંચાપણાથી શા સારુ ડરો છો ?”

બીજે એક સ્થળે અધીરા અબ્રાહ્મણોને કહ્યું :

“બધું તોડવા બેઠા છો, પણ એને સ્થાને એવું ચિરસ્થાયી કશું મૂકવાની શક્તિ ન હોય તો ન તોડશો. . . . તમારે ચાર આનામાં લગ્ન કરવાં હોય તો સુખે કરો, પણ ચાર મિનિટમાં લગ્ન કરવાની વાત કરો છો ત્યારે હું ધ્રૂજું છું. ભલે તમારે બ્રાહ્મણ ન જોઈએ. પણ એ ગંભીર વિધિના સાક્ષી કોઈક તો જોઈશે જ ને ? . . . તમને ભાન છે ખરું કે વિધિમાત્રનો નાશ કરવાથી કોઈ બદમાશ ગમે તેવા પ્રતિષ્ઠિત માણસની છોકરી ઉપાડી જઈને પાંચ સાક્ષી ઊભા કરીને કહેશે કે, “આ મારી સ્ત્રી છે, તો તમે શું કરશો ?”

આ સાંભળતાં અબ્રાહ્મણોને પણ જાણે થથરાટી છૂટી. સરદારની આવી વાતોની સામાન્ય અબ્રાહ્મણ સમાજ ઉપર બહુ સારી અસર થઈ. પણ તેમનાં છાપાંઓ સરદાર ઉપર રોષે ભરાયાં. તેમના તો ધંધા ઉપર તરાપ પડતી હતી ને ! એક વૃદ્ધ ખેડૂત તો સરદારનાં ભાષણો ઉપર એવો આફરીન થઈ ગયો કે એમની સાથે પ્રવાસમાં જ ફરવા લાગ્યો. ‘આજ સુધી અમારાં દુઃખો અને અમારી મુશ્કેલીઓ જાણનારો આવો કોઈ જોયો નથી અને અમને બધું બરાબર સમજાવી અમારામાં જાગૃતિ આણનાર પણ કોઈ આવ્યો નથી.’ એમ કહેતો જાય અને સરદારનાં ભાષણો સાંભળી સાંભળીને ઘેલો થતો જાય.

આ પ્રવાસમાં ગુજરાતીઓ સરદારને ખોળી કાઢવાનું ચૂક્યા નહોતા. મદ્રાસ, ત્રિચિનાપલી, સેલમ, મદુરા બધે જ સ્થળોએ તેઓ ભેગા થયા. સરદાર તેમને ટૂંકી સલાહ આપતા :

“ગુજરાતને શોભાવો. જ્યાંથી પૈસા કમાઓ છો તે પ્રદેશના હિતમાં સંપૂર્ણ રસ લો, તેની સેવા કરો. ખાદી વિષે એટલો પ્રેમ કેળવો કે દૂરથી ખાદીની ધોળી ટોપી. અને ખાદીનો આખો પોશાક પહેરેલા જોઈને એમ જ થઈ જાય કે આ તો ગુજરાતી જ હશે.”