આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
સરદાર વલ્લભભાઈ

ઓછાં અમુક તો દરેક ઉમેદવારો લેવાં જ પડે છે. એટલે સાધારણ રીતે ત્રણ વર્ષે બૅરિસ્ટર થવાય. પણ છ ટર્મ પૂરી કર્યા પછી એટલે દોઢ વરસ પછી કોઈને પૂરી પરીક્ષા આપવી હોય તો તેને આપવા દેવામાં આવે છે. આ પૂરી પરીક્ષામાં જે ઑનર્સમાં પાસ થાય તેને બે ટર્મની માફી મળે છે.

સરદારે છ ટર્મ ભરીને આખી પરીક્ષામાં બેસવાની તૈયારી કરી. આખી પરીક્ષા આપતા પહેલાં તૈયારીની પૂર્વકસોટીરૂપ (પ્રિલિમિનરી) એક પરીક્ષા થાય છે. તેમાં ઈકિવટી (Equity)ના વિષયમાં જે પહેલા આવે તેને પાંચ પાઉડનું ઈનામ મળતું. સરદાર આ પરીક્ષામાં બેઠેલા અને ઈક્વિટીનું ઇનામ તેમની અને મિ. જી. ડેવિસની વચ્ચે વહેંચાયેલું. આ મિ. ડેવિસ પછીથી આઈ. સી. એસ. થઈને હિંદુસ્તાન આવેલા અને અમદાવાદમાં ડિસ્ટ્રિક્ટ્ ઍન્ડ સેશન્સ જજ થયેલા. પાછળથી સિંધની વડી અદાલતના ચીફ જસ્ટિસ થયેલા. સરદારની અને એમની સારી મૈત્રી હતી.

છેવટની આખી પરીક્ષા તેમણે ૧૯૧રના જૂનમાં પસાર કરી. તેમાં પહેલા વર્ગ ઑનર્સમાં પહેલે નંબરે પાસ થયા અને તેમને પચાસ પાઉંડનું રોકડ ઈનામ મળ્યું.

પરીક્ષામાં આવો વિરલ યશ તેમને મળ્યો તેથી ત્યાંના હિંદીઓમાં તેમની બહુ નામના થઈ. ઍંગ્લો-ઇન્ડિયનોનું પણ તેમના તરફ ધ્યાન ખેંચાયું. મિ. શેપર્ડ નામના એક નિવૃત્ત આઈ. સી. એસ., જેઓ ઉત્તર વિભાગના કમિશનર તરીકે ગુજરાતમાં નોકરી કરી ગયેલા અને તે વખતે ગુજરાતની પાટીદાર કોમની સમાજસુધારાના કામમાં ખૂબ જ રસ લેતા, તેઓ આખા સામ્રાજ્યમાંથી બૅરિસ્ટર થવા આવનારાઓમાં એક ગુજરાતી અને પાટીદાર પહેલો આવ્યો અને તેને ઇનામ મળ્યું એ છાપામાં વાંચીને પોતાની મેળે સરદારને મળવા ગયા અને પોતાનું ઓળખાણ આપી તેમનું અભિનંદન કર્યુ તથા પોતાને ઘેર એમને જમવા બોલાવ્યા.

આમ આખી પરીક્ષા ખૂબ માન સાથે પસાર કરી બૅરિસ્ટર માટેની સંપૂર્ણ યોગ્યતા પ્રાપ્ત કરી અને છ મહિનાની માફી મેળવી. પણ હજી બે ટર્મ બાકી રહી હતી, તે દરમિયાન ભોજન લેવા ઉપરાંત કશું જ કામ કરવાનું સરદારને બાકી રહ્યું નહોતું. એટલે પોતાની ઈનના નિયામકમંડળને તેમણે અરજી કરી. તેમાં પોતાને થયેલા વાળાના દર્દને (પહેલા પ્રકરણને અંતે એની હકીકત આપેલી છે.) કારણે ઓપરેશન કરાવવું પડેલું તથા માંદગી ભોગવવી પડેલી એ હકીકત જણાવીને ઈગ્લેંડના શિયાળામાં વધુ રહેવું પોતાની તબિયતને જોખમકારક છે તથા નાહક ઈંગ્લંડમાં રહેવાનું ખર્ચ વેઠવું પોતાને ભારે પડે એમ છે અને પૂરેપૂરી પરીક્ષા તો ઑનર્સ સાથે પોતે પાસ કરી જ છે માટે બાકી રહેલી બે ટર્મ્સની માફી આપી એમને વહેલા બૅરિસ્ટર તરીકે નોંધવામાં