આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮
સરદાર વલ્લભભાઈ


“સ્વતંત્રતા જોઈતી હોય તો આ દેશમાં સંન્યાસી જોઈએ, સ્વાર્થત્યાગ કરી સેવા કરવી જોઈએ. માટે અમે બન્નેએ નિશ્ચય કર્યો કે બેમાંથી એકે દેશસેવા કરવી અને બીજાએ કુટુંબસેવા કરવી. ત્યારથી મારા ભાઈએ પોતાનો ધીકતો ધંધો છોડી દેશસેવાનું કાર્ય કરવા માંડ્યું અને ઘર ચલાવવાનું મારે માથે પડ્યું. આથી પુણ્યકામ તેમને નસીબે આવી પડ્યું અને મારે માથે પાપનું કામ આવી પડ્યું. પણ તેમના પુણ્યમાં મારો હિસ્સો છે એમ સમજી મન વાળતો.”

બીજે દિવસે સરદાર અમદાવાદ આવ્યા. લાલ દરવાજા પાસે આવેલી કામાની હોટેલમાં ઊતરીને તરત એક કેસને અંગે પંચમહાલ જવા ઊપડ્યા. ત્યાંથી પાછા આવ્યા બાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાસે એક મકાન ભાડે રાખ્યું. એ મકાનમાં આઠેક મહિના રહ્યા હશે. બાદ ભદ્રમાં દાદાસાહેબ માવળંકરના કાકાના બંગલામાં રહેવા ગયા. મુંબઈથી ખાસ મંગાવેલા ફૅશનેબલ ફર્નિચરથી પોતાની ઑફિસ સજાવી અને ઠાઠથી રહેવા લાગ્યા. ફર્નિચરની પસંદગી કરવામાં સરદારની સુરુચિનાં વખાણ કરતાં શેઠ કસ્તૂરભાઈ ઘણી વાર કહેતા કે સરદારની ઑફિસના જેવું ફર્નિચર મેં અમદાવાદમાં બીજી કોઈ ઑફિસમાં જોયું નથી. ફર્નિચર ઝાઝું નહોતું, પણ સાદું, ઊંચા પ્રકારનું અને સુંદર હતું. તે વખતનું એમનું શબ્દચિત્ર દાદાસાહેબ માવળંકર સરદારની સિત્તેરમી જયંતી ઉપર લખેલા એક લેખમાં નીચે પ્રમાણે આપે છે :

“ફાંફડો જુવાન, છેક છેલ્લી ઢબના કટવાળાં કોટપાટલૂન પહેરેલાં, ઊંચામાં ઊંચી જાતની બનાતની હૅટ માથા ઉપર કંઈક વાંકી મૂકેલી, સામા માણસને જોતાં જ માપી લેતી તેજસ્વી આંખો, બહુ ઓછું બોલવાની ટેવ; મોઢું સહેજ મલકાવીને મળવા આવનારનું સ્વાગત કરે પણ તેની સાથે ઝાઝી વાતચીતમાં ન ઊતરે; મુખમુદ્રા દૃઢતાસૂચક અને ગંભીર; કાંઈક પોતાની શ્રેષ્ઠતાના ભાન સાથે દુનિયાને નિહાળતી તીણી નજર; જ્યારે પણ બોલે ત્યારે એના શબ્દોમાં આત્મવિશ્વાસથી અને પ્રભાવથી ભરેલી દૃઢતા; દેખાવ કડક અને સામા માણસને પોતાની આમન્યા રાખવાની ફરજ પાડે એવો — આવા આ નવા બૅરિસ્ટર અમદાવાદમાં વકીલાત કરવા આવ્યા. તે વખતે અમદાવાદમાં છ સાત બૅરિસ્ટર હતા. તેમાં વધારે પ્રૅક્ટિસવાળા તો બે કે ત્રણ જ હતા. સ્વાભાવિક રીતે જ નવા અને જુવાનિયા વકીલોનું આ નવજવાન બૅરિસ્ટર પ્રત્યે ધ્યાન ખેંચાયું. એમના વ્યક્તિત્વમાં અને વર્તનમાં જ અમુક વિશિષ્ટતા હતી. કાંઈક આકર્ષણ, કાંઈક માન, કાંઈક અંજાઈ જવું, અને બીજા પ્રત્યે તેઓ જે રીતે જોતા તેને લીધે કદાચ કાંઈક રોષ પણ — એવી મિશ્ર લાગણીઓથી વકીલમંડળમાં તેમનો સત્કાર થયો.”