આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
સરદાર વલ્લભભાઈ


ખેસ ઓઢીને આવ્યા છો એટલે મેં જાણ્યું કે શરાફી પેઢી કાઢી હશે.” પેલો સાક્ષી ધીરધારનો ધંધો કરતો પણ શરાફ કહી શકાય એવી તેની પેઢી નહોતી. આ હુમલાથી તે ગભરાઈ ગયો અને જુબાનીમાં ટકી શક્યો નહીં.

આ કેસોમાં સરદાર ઘણા આરોપીઓને છોડાવી શક્યા હતા. એક કેસમાં સરદારની સાથે વકીલ તરીકે દાદાસાહેબ માવળંકર હતા. ફરિયાદ પક્ષને પોતાનો આ કેસ મજબૂત લાગતો હતો પણ તે આખો ભાંગીને ભુક્કો થઈ ગયો. પેલા ફરિયાદી વકીલે બિચારાએ ઍસેસરો આગળ કહ્યું: “બુદ્ધિમાન અને હોશિયાર માવળંકર વકીલની મહેનતનો અને વલ્લભભાઈ જેવા વિચક્ષણ બૅરિસ્ટરના બચાવનો લાભ આરોપીને મળે પછી અમારું શું ચાલે ?”

તે વખતે મહાદેવભાઈ અને હું તદ્દન નવા વકીલો હતા અને ખાસ રસ પડે એવા કેસો હોય ત્યારે સેશન્સ કોર્ટમાં સાંભળવા બેસતા. કેટલાક વકીલોનાં અમે નામ પાડ્યાં હતાં. સરકારી વકીલ શ્રી મણિલાલ ભગુભાઈ બહુ રૂઆબદાર અને મિજાજી હતા અને સામા પક્ષ ઉપર એવા તડૂકતા કે એ વકીલ કાચો પોચો હોય તો દબાઈ જ જાય. એમને અમે વાઘ કહેતા. એક ત્રંબકરાય મજમુદાર બૅરિસ્ટર વયોવૃદ્ધ હતા અને બહુ થોડા કેસોમાં આવતા પણ જ્યારે આવતા ત્યારે મોટી ગર્જનાઓ કરી કોર્ટને ગજાવતા. આ એ જ મજમુદાર બૅરિસ્ટર જે ગાંધીજી બૅરિસ્ટર થવા વિલાયત ગયા ત્યારે એમની સાથે સ્ટીમરમાં હતા અને વિલાયતમાં જેમણે ગાંધીજીને “તારામાં આ કળજુગ કેવો ! તારું એ કામ નહીં. તું ભાગ અહીંથી.” એમ કહીને પડતા બચાવ્યા હતા. આ વાત તે દિવસે કાંઈ અમે જાણતા નહીં પણ એમની આકૃતિ અને એમની ગર્જનાને લીધે અમે એમને સિંહ કહેતા. એક દિવસ મેં મહાદેવને કહ્યું: ‘આ વલ્લભભાઈ બૅરિસ્ટર પણ સિંહ જ છે.’ મહાદેવ કહે: ‘છે ખરા, પણ એ હજી નાનો સિંહ છે. સિંહનું બચ્યું છે. આપણે એમને સિંહશાવક કહીશું.’ પુરુષસિંહ તરીકે આખા દેશમાં એ પછીથી જાણીતા થવાના હતા પણ સિંહનું બચ્ચું મોટા હાથી ઉપર કૂદીને ચઢી જાય અને તેના ગંડસ્થળને ચીરી નાખે તેમ તે વખતનુ આ સિંહશાવક પણ મોટા જબરા વકીલોને અને જજોને ભારે પડતું.

હું કોઈ કોઈ વાર આ મજમુદાર બૅરિસ્ટરને ઘેર જતો. વાતવાતમાં એક વાર તેમણે કહેલું મને બરાબર યાદ રહી ગયું છે કે, “વલ્લભભાઈના જેવી સારી રીતે કેસ ચલાવનાર બીજા કોઈ બૅરિસ્ટરને મેં જોયો નથી.” સરદારમાં કેસના મૂળ મુદ્દાને તારવીને પકડી લેવાની અને અવાંતર બીનાઓને બાજુએ કાઢી નાખી પોતાનો કેસ રજૂ કરવાની શક્તિ અજબ હતી. સાક્ષીઓને પણ એટલા મુદ્દાસર સવાલ પૂછતા કે તેમની ઊલટતપાસ બહુ ટૂંકી પણ સાક્ષીને