આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭
મ્યુનિસિપાલિટીમાં સાફસૂફી


સરદારને ઘરોબો હતો તેમણે આ ચૂંટણીમાં સરદારને બહુ મદદ કરેલી. પણ આ ચૂંટણી સામે કેટલાક વાંધા ઉઠાવવામાં આવ્યા અને એ તા. ૨૬-૩-’૧૭ના ડિસ્ટ્રિક્ટ કોર્ટના હુકમથી રદ થઈ. તા. ૧૪-૫-’૧૭ના રોજ ફરી ચૂંટણી થઈ તેમાં સરદાર સામે બીજો કોઈ ઉમેદવાર ઊભો ન થયો એટલે તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા.

આ વખતે બોર્ડ ચાળીસ સભ્યોનું હતું. સર રમણભાઈ તેના પ્રમુખ હતા અને રા. સા. હરિલાલ દેસાઈભાઈ મૅનેજિંગ કમિટીના ચેરમેન હતા. એ બંને મ્યુનિસિપાલિટીનું કામ સેવાભાવના અને બાહોશીથી કરતા. પણ તેમને કામમાં સાથ આપે એવું જૂથ મ્યુનિસિપાલિટીમાં તે વખતે ન હતું. આ બે નેતાઓથી સ્વભાવે તેમ જ વિચારોમાં સરદાર ઘણા જુદા પડતા હતા. પણ પૂરા દિલથી શહેરની સેવા કરવાની તમન્ના ત્રણેમાં સામાન્ય હતી અને તેથી ત્રણે સાથે મળીને એકરાગથી મ્યુનિસિપાલિટીનું કામ કરવા લાગ્યા. અસહકારના વખતમાં ત્રણેના રાહ જુદા પડ્યા ત્યારે પણ એકબીજા પ્રત્યે સદ્‌ભાવ અને આદર કાયમ રહ્યો. કારણ રાજદ્વારી વિચારો જુદા હોવા છતાં સરકારના અન્યાય અને જોહુકમીમાં પેલા બે નેતાઓ સરકારની હાએ હા ભણે એવા નહોતા. સાધારણ રીતે કોઈ સાક્ષર પ્રત્યે સરદારનું હેત ઊભરાઈ જતું જાણ્યું નથી. પણ સ્વ. રમણભાઈ પોતાની ઋજુતા, નિઃશંક પ્રામાણિક્તા અને ઉત્કટ સેવાભાવનાથી તેમનું દિલ જીતી શક્યા હતા. અમલદારો સાથે લડવાની હિંમતથી અને શહેર સુધરાઈનાં કામો ઝપાટાથી આગળ ધપાવવાના જુસ્સાથી સરદાર મ્યુનિસિપાલિટીના ભાવિ નેતા તરીકે જતાંવેંત જ આગળ તરી આવ્યા.

મ્યુનિસિપલ કામની સરદારમાં કુદરતી જ રુચિ અને કુશળતા છે એ તો હવે સિદ્ધ થઈ ચૂકેલી વસ્તુ છે. ભલે પેલા સિવિલિયનને પાંશરો કરવાનું કામ એમના મ્યુનિસિપલ પ્રવેશનું નિમિત્ત બન્યું હોય પણ તે વખતેય એમનો ઉદ્દેશ તો અમદાવાદની સૂરત બદલી નાખી શહેરની સેવા કરવાનો જ હતો. પણ તેમ કરવા માટે સાથી કાઉન્સિલરો વફાદાર અને બાહોશ જોઈએ તથા મ્યુનિસિપલ અમલદારો પણ કુશળ અને કર્તવ્યનિષ્ઠ જોઈએ. અહીં તો કેટલાક મુખ્ય અમલદારો પણ ઘણી વાર શહેરના હિત પ્રત્યે બેદરકારી અને બિનજવાબદારી રાખતા જોવામાં આવતા. વળી કલેક્ટર અને કમિશનરની મ્યુનિસિપલ કામમાં ઠીક ઠીક દખલગીરી રહેતી. તેને લીધે આખા તંત્રમાં અંધેર અને સુસ્તી પેસી ગયેલાં હતાં. સરદારની મ્યુનિસિપલ કારકિર્દીના શરૂઆતનાં લગભગ બે વર્ષ આ બધું સાફ કરવામાં જ ગયાં. પહેલું કામ મ્યુનિસિપલ કમિશનરને ઠેકાણે લાવવાનું સરદારે હાથ ધર્યું. એનો કારભાર બારીકાઈથી તપાસવા માંડ્યો અને થોડા જ વખતમાં તેને બરાબર પકડ્યો.