આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
સરદાર વલ્લભભાઈ


અમદાવાદમાં કાંકરિયા તળાવની પાસે શુષ્કર નામનું નાનું તળાવ છે. તે સરકાર તરફથી અમદાવાદ મ્યુનિસિપાલિટીને ૧૯૧૪ની સાલમાં સોંપવામાં આવેલું. તળાવને લીધે એ લત્તામાં મચ્છર ખૂબ થતા તેથી એ તળાવ પુરાવી નાખવાની મ્યુનિસિપાલિટીની યોજના હતી. પણ તે વખતના એક મ્યુનિસિપલ કાઉન્સિલર ફતેહમહમદ મુનશીની તળાવની પાસે જ દીવાસળીની મિલ હતી અને દીવાસળીઓ બનાવવા માટેનાં લાકડાં તેમાં કોહવા માટે રાખવા સારુ તેમને તળાવની બહુ જરૂર હતી. તેના ઉપર માલકી હકનો દાવો કરી સરકાર ઉપર તેમણે કેસ પણ માંડેલો. તેમાં હાઈકોર્ટ સુધી લડ્યા અને છેવટે તેની વિરુદ્ધ ફેંસલો આવેલો. પણ એમણે વૉર લોનમાં ઠીક ઠીક રકમ ભરેલી એટલે મ્યુનિસિપલ કમિશનર મિ. શિલિડી પાસે તેઓ પહોંચી ગયા અને કોઈ પણ રીતે તળાવનો કબજો પોતાની પાસે રહે અને મ્યુનિસિપાલિટી તરફથી તળાવ પુરાવવામાં ન આવે એમ કરવા તેમને સમજાવ્યા. મિ. શિલિડીએ તેમની યુદ્ધમદદની કદર કરવા સારુ, સરકારનો સ્પષ્ટ ઠરાવ છતાં એ તળાવ ઉપર મ્યુનિસિપાલિટીનો કશો હક નથી, એ મ્યુનિસિપાલિટીને કશા ખપનું નથી વગેરે ઉટાંગ બહાનાં કાઢી મુનશીનો કબજો ચાલુ રહે એવી તજવીજ કરી. છેવટે ઉત્તર વિભાગના કમિશનરે જ્યારે ફરી ઠરાવ્યું કે એ તળાવ મ્યુનિસિપાલિટીની માલકીનું છે ત્યારે મુનશીને એ કાયમી પટે આપવામાં આવે એવી મિ. શિલિડીએ સરકારને ભલામણ કરી. આમ જાતજાતનાં બહાનાં કાઢી બોર્ડની મીટિંગમાં થયેલા ઠરાવોનો તેઓ અમલ કરતા નહીં અને કોઈને ગાંઠતા નહીં.

સરદારની મ્યુનિસિપાલિટીમાં ચૂંટણી નક્કી થઈ ગઈ એટલે તેમણે પહેલું કામ આ હાથ ધર્યું. સરકાર ઉપરના દાવામાં મુનશી કેવી રીતે નિષ્ફળ ગયેલા તેની બધી હકીકત સરકારી વકીલ શ્રી મણિલાલ ભગુભાઈ પાસેથી મેળવી અને મિ. શિલિડીની દાંડાઈના દાખલા મ્યુનિસિપલ રેકર્ડ ફેંદીને કાઢ્યા. એમ તેની સામે સજ્જડ કેસ તૈયાર કરી બધી વિગતો સાથે લાંબો ઠરાવ જનરલ બોર્ડની તા. ૭-૬-'૧૭ની મીટિંગમાં લાવ્યા. ઠરાવની મતલબ એ હતી કે:

“શુષ્કર તળાવની બાબતમાં મ્યુનિસિપલ કમિશનરે જે વલણ લીધું છે તેથી બોર્ડ બહુ કઢંગી હાલતમાં મુકાય છે. કાં તો તેણે મ્યુનિસિપલ કમિશનરનું આવું પ્રતિગામી વલણ અને તોછડાઈ ચૂપચાપ સહન કરી લેવાં, કાં તો તેની પાસે બીજો એક જ માર્ગ ખુલ્લો છે તે અખત્યાર કરવો.

“મિ. શિલિડીએ બોર્ડને વગર પૂછ્યે કારવ્યે સરકારને પોતાનો અભિપ્રાય લખી જણાવ્યો છે કે ‘મ્યુનિસિપાલિટીને આ તળાવની કશી જરૂર નથી, તેને એનો કશો ઉપયોગ નથી, સૅનિટરી કમિટીના પહેલા ઠરાવમાં ગૃહીત કરી લેવામાં આવ્યું છે કે તળાવ મ્યુનિસિપાલિટીની માલકીનું છે તે આધાર વિનાનું છે, એ