આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
સરદાર વલ્લભભાઈ


સરકારના ખેરખાહ એવા કાઉન્સિલરોને તો આ ઠરાવથી આભ તૂટી પડ્યા જેવું લાગ્યું હશે પણ તેની એક પણ વિગતનો તેઓ ઈન્કાર કરી શકે એમ નહોતું. છતાં ઠરાવને મોળો કરી નાખવાના ત્રણ ચાર સુધારા આવ્યા. એક સુધારો તો કાગળિયાં ફાઈલ કરવા સુધીને આવ્યો. એ બધા ઉપર મત લેવાતાં આખરે સરદારની દરખાસ્ત બહુમતીથી પસાર થઈ.

આ મિ. શિલિડીએ પોતાના અધિકાર બહાર જઈને કેટલીક ખરીદીઓ કરેલી, અને કેટલાક ઓર્ડરો આપેલા તથા કોન્ટ્રાક્ટો કરેલા તે વિષે પણ બોર્ડની મીટિંગમાં ઠરાવ પસાર કરીને તેમનો જવાબ માગવામાં આવેલો. પણ પહેલો ઠરાવ સરકાર પાસે ગયો કે તરત એમને અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી પાછા બોલાવી લેવામાં આવ્યા અને તેઓ ગયા એટલે બીજા ઠરાવનું કામ માંડી વાળવામાં આવ્યું.

મિ. શિલિડીના ગયા બાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિ. માસ્ટર આવ્યા. તેઓ મોળા હતા અને પોતાના કામમાં પણ ઢીલા હતા. એમને તો મ્યુનિસિપાલિટીની નોકરીમાંથી બને તેટલો આર્થિક લાભ મેળવી લેવો હતો. પોતાના પગાર ઉપરાંત કેટલાંક ભથ્થાંની એમણે માગણી કરી. સરદાર તે વખતે સૅનિટરી કમિટીના ચેરમેન હતા. પોતાની પાસે એ કાગળો આવતાં સરદારે એ દાબી મૂક્યા. એક દિવસ મિ. માસ્ટરે મૅનેજિંગ કમિટીના ચૅરમૅન રા. સા. હરિલાલભાઈ ને પૂછ્યું કે મારા કાગળોનું શું થયું? મને નુકસાન થાય છે માટે એનો વહેલા નિકાલ થાય એ જરૂરનું છે. વળી પોતાને માગ્યા પ્રમાણે ભથ્થાં ન મળે એમ હોય તો પોતે અહીં રહેવા રાજી નથી એમ પણ ઉમેર્યું. હરિલાલભાઈએ એ કાગળો સૅનિટરી કમિટી પાસે છે એમ જણાવી તરત જ મિ. માસ્ટરની રૂબરૂ જ એણે કહેલી બધી હકીકત સરદારને કહી. સરદારે તો સાફ સંભળાવી દીધું કે, “સરકારે પગાર વગેરે નક્કી કરી એમની નિમણૂક કરીને અહીં મોકલ્યા છે. એમને એ પ્રમાણે પરવડતું હોય તો રહે અને જવું હોય તો જાય.” મિ. માસ્ટર તો આ સાંભળી ચૂપ જ થઈ ગયા. પછી થોડા વખતમાં તેઓ ચાલ્યા ગયા.

આ વખતે ઉત્તર વિભાગના કમિશનર મિ. પ્રૅટ કરીને હતા. ખેડા સત્યાગ્રહની લડતના પ્રકરણમાં તેમનો વિશેષ પરિચય આપણને થવાનો છે. તેઓ બાહોશ ગણાતા પણ તેની સાથે અમલદારશાહીનો દોરદમામ પણ તેમનામાં એટલો જ હતો. પોતાના વિભાગની સઘળી મ્યુનિસિપાલિટીઓ અને લોકલબોર્ડો ઉપર પોતાનો કાબૂ રહે એમ તેઓ ઇચ્છતા. એમના મનમાં તો એમ પણ હશે કે તો જ બધે કાર્યદક્ષતા સચવાશે. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં મ્યુનિસિપલ કમિશનર તો ગોરો સિવિલિયન હતો જ, મ્યુનિસિપલ એન્જિનિયર અને હેલ્થ ઑફિસર પણ ગોરા લાવવાની તેમની પેરવી હતી.