આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સરદાર વલ્લભભાઈ


થયો. અહીં એ નોંધવા જેવું છે કે તે વખતે મ્યુનિસિપાલિટીનું જનરલ બોર્ડ ગેરવહીવટ માટે સસ્પેન્ડ થયેલું હતું અને કારભાર સરકારે નીમેલી કમિટી ઑફ મૅનેજમેન્ટના હાથમાં હતો. જાહેર સભાનો આ ઠરાવ સરકાર તરફ રવાના કરતાં કલેક્ટરે પોતાના તરફથી શેરો માર્યો કે ‘આ પ્રશ્ન એટલો તાકીદનો છે કે તેનો નિકાલ જલદી લાવવો જ જોઈએ. સરકારની યોજના મુજબ કામ આવતા શિયાળામાં શરૂ કરવું જ જોઈએ. દરમિયાન ઑગસ્ટ અથવા સપ્ટેંબરમાં આ યોજના સાથે સંબંધ ધરાવતા સઘળા નિષ્ણાતોની એક મીટિંગ અમદાવાદમાં રાખવામાં આવે અને તેમાં બધું નક્કી કરી નાખવામાં આવે એ જરૂરનું છે. નહીં તો આવતા ઉનાળામાં કૂવા અડધા ખાલી, એન્જિનો બેકાર, પાઈપો અડધી જ ભરેલી અને ફરિયાદોનો વરસાદ એ સ્થિતિ ભોગવવી પડશે.’ છેવટે સૂચવાયેલા સુધારા પ્રમાણે યોજના ફેરવવામાં આવી. તેના ખર્ચનો સુધરેલો અંદાજે રૂપિયા બાર લાખનો થયો, પણ કશું કામ થયું નહીં. દર વરસે ચોમાસા પછી કામ શરૂ કરીશું અને આવતા ઉનાળામાં પાણીની બૂમ નહીં રહે એમ વાયદા કરવામાં આવતા.

૧૯૧૭માં ગુજરાત સભા મારફત બોલાવેલી શહેરીઓની જાહેર સભા અને ગુજરાત સભાના મંત્રીઓની સાથે કમિશનર મિ. પ્રૅટના વર્તનની હકીકત છઠ્ઠા પ્રકરણમાં આવી જાય છે એટલે પુનરુક્તિ નથી કરી. અહીં એ નોંધવા જેવું છે કે કૅન્ટોન્મેન્ટને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા સરકારી અમલદારોએ એવી ગોઠવાવી હતી કે તેમને ચોવીસે કલાક પાણી મળે.

આટલો પૂર્વ ઈતિહાસ આપ્યા પછી પાણીની જરૂરિયાત કેટલી હતી અને તેને પહોંચી વળવા શું કરવું જોઈએ તે પોતાના રિપોર્ટમાં સરદાર જણાવે છે.

જણ દીઠ પાણીની વપરાશ રોજના ઓછામાં ઓછા ત્રીસ ગૅલન અને વસ્તી ઓછામાં ઓછી ત્રણ લાખ ગણીને દરરોજ નેવું લાખ ગૅલન પાણી જોઈએ એમ તેમણે ગણ્યું છે. તે વખતે જેટલા કૂવા હતા તે પચાસ લાખ ગૅલનથી વધુ પાણી આપી શકે એમ ન હતું અને પેલી સર્વગ્રાહી યોજના પૂરેપૂરી અમલમાં મુકાય ત્યારે પણ સાઠથી સિત્તર લાખ ગૅલનથી વધુ પાણી મળી શકે એમ નહોતું એમ મુંબઈના સૅનિટરી એન્જિનિયરે પોતાનો અભિપ્રાય જણાવ્યો હતો. એટલે વધુ પાણી મેળવવાનો ઇલાજ તાત્કાલિક તો નદીનું પાણી સીધું લેવું એ જ છે એમ એણે પણ અભિપ્રાય આપ્યો હતો.