આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

.


ગુજરાત સભા

તે વખતે ગુજરાતનું બધું રાજદ્વારી કામ ગુજરાત સભા કરતી. એ સંસ્થા સને ૧૮૮૪માં સ્થપાયેલી અને આખા ગુજરાતના રાજદ્વારી પ્રશ્નોમાં રસ લેતી. રાજદ્વારી દૃષ્ટિએ ફરિયાદ કરવા જેવા અથવા વાંધો ઉઠાવવા જેવા પ્રશ્ન ઉપર જૂની વિનીત વિચારસરણી પ્રમાણે સરકારને અરજી કરી પ્રજાની અડચણો તથા મુશ્કેલીઓ તે સરકારને જણાવતી. અમદાવાદના બે જાણીતા વકીલો શ્રી ગોવિંદરાવ આપાજી પાટીલ અને શ્રી શિવાભાઈ મોતીભાઈ પટેલ તથા એક દાક્તર શ્રી જોસેફ બેન્જામિન, એ ત્રણ ગૃહસ્થોએ ઘણાં વરસો સુધી તેના મંત્રી તરીકે કામ કરેલું. અમદાવાદમાં સને ૧૯૦૨માં કૉંગ્રેસનું અઢારમું અધિવેશન ભરાયેલું તે પણ આ ગુજરાત સભાના પ્રયાસને આભારી હતું અને તેના મંત્રીઓમાંથી શ્રી ગોવિંદરાવ પાટીલ સ્વાગત સમિતિના પ્રધાન મંત્રી અને બીજાઓ સાધારણ મંત્રીઓ તરીકે ચૂંટાયેલા. સને ૧૯૧૬માં અમદાવાદમાં કાયદે–આઝમ ઝીણાના પ્રમુખપણા નીચે મુંબઈ પ્રાંતિક રાજકીય પરિષદનું અધિવેશન થયું તેની તૈયારીઓ પણ આ સભા મારફત જ શરૂ થઈ હતી. તે વખતે કાયદે–આઝમ ઝીણા ચુસ્ત કૉંગ્રેસી નેતા હતા, હિંદુ–મુસ્લિમ એકતાના તેઓ ભારે હિમાયતી હતા અને કૉંગ્રેસ તથા મુસ્લિમ લીગ એકબીજા સાથે હળીમળીને દેશની રાજદ્વારી નૌકા ચલાવે એવા પ્રયાસ કરવામાં અગ્રણી હતા. ૧૯૧પમાં બે સંસ્થાઓ વચ્ચે એકતા સાધી બંનેનાં અધિવેશન મુંબઈમાં સાથે સાથે ભરાવવામાં તેઓ સફળ થયા હતા. અમદાવાદની આ પરિષદ બીજી એક રીતે પણ બહુ મહત્ત્વની હતી. ૧૯૦૭ની સુરતની કૉંગ્રેસના ભંગાણ પછી તિલક મહારાજની આગેવાની નીચે ગરમ પક્ષ કૉંગ્રેસમાંથી અલગ પડી ગયો હતો. પણ ૧૯૧પમાં નરમ પક્ષના બે મોટા નેતાઓ ફિરોજશાહ મહેતા અને ગોખલેજી ગુજરી ગયા પછી તિલક મહારાજના પક્ષનું કૉંગ્રેસ સાથે સમાધાન થયું અને અમદાવાદની પરિષદમાં ઘણાં વર્ષો પછી નરમ દળના અને ગરમ દળના આગેવાનો એક જ મંચ પર એકઠા થયા. આ પરિષદમાં મુંબઈ પ્રાંતના નરમ દળના આગેવાનો સર ચિમનલાલ સેતલવાડ, ગોકુળદાસ કહાનદાસ પારેખ વગેરેએ હાજરી આપી હતી અને ગરમ દળના આગેવાનો તિલક મહારાજ, શ્રી કેળકર વગેરે પણ આવ્યા હતા. તિલક મહારાજના આગમનના સંબંધમાં એક નોંધવા જેવો પ્રસંગ અમદાવાદને

૬૬