આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭
ગુજરાત સભા


માટે બન્યો. અમદાવાદનો આખો જુવાન વર્ગ તિલક મહારાજનું ભારે જાહેર સ્વાગત કરવાના અને સ્ટેશન ઉપરથી તેમને ઉતારે સરઘસમાં લઈ જવાના બહુ ઉત્સાહવાળો હતો. પણ કૉન્ફરન્સની સ્વાગત સમિતિ જે મુખ્યત્વે વિનીત વિચારના સભ્યોની બનેલી હતી તે આવું કાંઈ કરવા ઇચ્છતી ન હતી. કોઈકે, ઘણું કરીને ડૉ. હરિપ્રસાદે આ વાત ગાંધીજીને કરી. ગાંધીજીને જુવાનિયાઓની માગણી સાચી લાગી કે, લોકમાન્યનું સ્વાગત તો અમદાવાદને શોભે એવું બહુ જ ભવ્ય થવું જોઈએ. તેમણે સ્વાગત સમિતિ પાસે ન જતાં પોતાના નામથી જ પત્રિકા કાઢી અને તિલક મહારાજના માનમાં શહેરને શણગારવાની તથા સ્ટેશને તેમનું ભવ્ય સ્વાગત કરવાની તથા સરઘસમાં ભાગ લેવાની અમદાવાદના શહેરીઓને અપીલ કરી. એને પરિણામે સ્ટેશન ઉપર તિલક મહારાજનું ભવ્ય સ્વાગત થયું તથા અમદાવાદમાં તે પહેલાં નહીં નીકળેલું એવું મોટું સરઘસ નીકળ્યું. આ ઉપરાંત શ્રી શ્રીનિવાસ શાસ્ત્રિયાર જેઓ ગોખલેજીના અવસાન પછી હિંદ સેવક સમાજના પ્રમુખ નિમાયા હતા તેઓ પણ પરિષદમાં આવ્યા હતા. ગાંધીજી અમદાવાદમાં આશ્રમ સ્થાપીને રહ્યા હતા એટલે સ્વાભાવિક રીતે જ તેઓ પરિષદમાં પૂરેપૂરો ભાગ લેતા હતા. વળી તે વખતે મિસિસ બેસન્ટને સરકારે નજરકેદ કર્યાં હતાં અને મુંબઈના હોમરૂલ લીગવાળાઓ તેમને છોડાવવા માટે કાંઈ સીધું પગલું ભરવાનો વિચાર કરી રહ્યા હતા અને તેમાં ગાંધીજીની આગેવાની મેળવવા પ્રયત્ન કરતા હતા. એ બધા પણ પરિષદમાં આવ્યા હતા. એ ઉપરાંત ઊગતા આગેવાનોમાં શ્રી વિઠ્ઠલભાઈ પટેલ મુખ્ય હતા. આમ અમદાવાદની પ્રાંતિક પરિષદ બહુ ઉત્સાહભરેલા અને કાંઈક ગરમ વાતાવરણમાં ભરાઈ હતી. સરદાર અમદાવાદમાં જ રહેતા હતા અને આ પરિષદમાં શ્રી વિઠ્ઠલભાઈની સાથે હાજરી આપતા; પણ પરિષદમાં બધું જોયા કરવા ઉપરાંત તેમણે બીજો કશો ભાગ લીધો નહોતો. મુફસિલ શહેરોની મ્યુનિસિપાલિટીઓમાં સરકારે સિવિલિયન અમલદારને મ્યુનિસિપલ કમિશનર તરીકે નીમવાની જે પ્રથા શરૂ કરી હતી તેનો વિરોધ કરનારો એક ઠરાવ આ પરિષદમાં પસાર કરવામાં આવ્યો હતો તેમાં પણ સરદારે ભાગ લીધો નહોતો. એમણે તો વિઠ્ઠલભાઈ સાથે કામની વહેંચણી કરી લીધી હતી કે પોતે કુટુંબસેવા કરે અને વિઠ્ઠલભાઈ દેશસેવા કરે. પણ આ કારણ તો ઉપર ઉપરનું હતું. ખરી વાત એ હતી કે નરમ પક્ષવાળા સરકારને અરજીઓ કરતા અને ગરમ પક્ષવાળા લોકો આગળ તીખા તમતમતાં ભાષણો કરતા, પણ સરકાર પ્રજાની વાત ન માને તો બેમાંથી એક્કે પાસે પ્રતિકાર શી રીતે કરવો તેનો કશો કાર્યક્રમ નહોતો. તે વખતે ચાલતા અરજી કરનારા અથવા નિરર્થક થૂંક ઉડાડનારા રાજકારણમાં સરદારને જરાયે રસ ન હતો. એ