આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
સરદાર વલ્લભભાઈ

હું : “ત્યારે મારો વખત બગડે એમ શા સારુ કહો છો ? હુંયે આખો દિવસ વાંચવા લખવામાં આપું એના કરતાં આટલું કામ કરું તો સારું ના ?”

વલ્લભભાઈ વચ્ચે પડીને : “તમે એમને જવાબ આપતાં ન પહોંચી શકો. હોઠ સાજા તો ઉત્તર ઝાઝા. કઈ વાતમાં તેઓ આપણું માને છે ?”

બાપુ : “વલ્લભભાઈ, હોઠ તો મારા કરતાં તમારા મોટા છે એવો અનુભવ છે.”

વલ્લભભાઈ : “ત્યારે શું ? પણ અહીં જ્યાં બેસવાનું ત્યાં જ ખાવાનું, ત્યાં જ ફળ તૈયાર કરવાનાં. અહીં પાણી ઢોળાશે, અહીં માખી થશે.”

બાપુ: “મીરાબહેનની એક જ ઓરડીમાં રસોડું, સૂવાનું, વાંચવાનું, ઊઠવા બેસવાનું બધું જ છે ના ?”

વલ્લભભાઈ : “એ તો એક જ ઓરડીમાં આખું ઘર હોય તેમનું પણ એમ જ હોય છે ના ? અહીં જ્યારે જગ્યા છે ત્યારે શા માટે એનો ઉપયોગ ન કરીએ ?”

બાપુ: “ગરીબ માણસની થોડી નકલ તો કરીએ. આફ્રિકામાં સાદું જીવન ગાળવાના અખતરા પછી રસોડું, બેસવાનું, મોં ધોવાની કૂંડી, વાસણ માંજવાનું, સૂવાનું બધું એક જ ઓરડીમાં હતું. છતાં એની સ્વચ્છતા વિષે કોઈ કહી જ ન શકે.”

તા. ૩૦-૧૦-’૩ર : સાંજે ખાતાં ખાતાં મહાવીર વિષે પુસ્તક વાંચતા હતા તેમાંથી એક વાક્ય પોતે જે કર્યું છે અને કરવા ધારે છે એના અણધાર્યા ટેકા તરીકે મળ્યું. તે મને ઇશારો કરીને બતાવ્યું. મેં કહ્યું : “ખરે ટાંકણે જ આવ્યું છે ના ?” બાપુએ સાનંદાશ્ચર્યથી ડોકું હલાવ્યું.

વલ્લભભાઈ : “પોતાને માટે ટેકો શોધ્યા જ કરવાના.”

અમારા બંને તરફ આંગળી બતાવીને સૂચવ્યું, તમારે માટે પણ એ છે. એટલે વલ્લભભાઈ કહે : “જૈનોને તો એમ દેહ છોડવામાં ક્યાં વાંધો છે ? સનાતનીઓને સમજાવો ત્યારે ખરા.”

તા. ૧–૧૧–’૩ર : રાત્રે વલ્લભભાઈ ખૂબ ઊકળ્યા. બાપુને કહે : “તમારે ઉપવાસની* *[૧] નોટિસ આપવી જોઈએ. ચાર દિવસની નોટિસ નહીં ચાલે. તમે લોકોને અને સરકારને બંનેને અન્યાય કરશો. બીજાની આગળ પણ અમે તમારો કંઈ બચાવ ન કરી શકીએ. લોકો કહેશે કે આ એક ઉપવાસ પૂરા કરીને બીજા શરૂ કર્યો. કાગળ લખે તે પણ પોતે જ લખે અને પોતે જ સમજે. તમારી અસહકારની ફિલસૂફી સરકાર શેની સમજે ? ન સમજે તો, એને તમને પૂછવાનો કાંઈ ધર્મ નથી. તમે તો એ લોકો તમારા તાબેદાર હોય એવી રીતે વર્તે છો.” ઇત્યાદિ. દસ દિવસની નોટિસ આપવી જ જોઈએ એ આખા સપાટાનો સાર હતો.


  1. * અસ્પૃશ્યતાના કામ માટે બાપુ ઇચ્છે તેને મળવા દેવાની અને લખેલા કાગળ ઇચ્છે તો છાપવા દેવાની છૂટ માટે બાપુએ તા. ૨૫મી ઓક્ટોબરે નોટિસ આપેલી કે શરીર ચાલે ત્યાં લગી પહેલી નવેમ્બરથી સી કલાસનો ખોરાક લેવા માંડીશ. તે જ દિવસે સમાધાન થઈ ગયેલું. જુઓ ‘મહાદેવભાઈની ડાયરી પુસ્તક ૨’ પાનું ૧૯૬.