આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરદાર વલ્લભભાઈ


હિંસાના ઉપાયોને માનનારા ત્રાસવાદી લોકો તોફાન કરે તો શું કરવું એ બીજો વિચાર હતો. તે વિષે પણ ગાંધીજીએ એ જ લેખમાં પોતાના વિચારો જણાવ્યા :

“હિંદુસ્તાનમાં એક હિંસક દળ પણ કામ કરી રહ્યું છે. તે માને છે કે અહિંસાથી કદી આ હિંસાનો પરાજય થવાનો નથી અને સ્વતંત્રતા મળવાની નથી. અહિંસક દળ ગતિમાન થતાં આ હિંસક દળ વચમાં પડી પોતાનું બળ અજમાવવાની ભૂલ કરે એવો સંભવ છે. એટલે અહિંસક દળ સૂડી વચ્ચે સોપારીની જેમ અત્યારે આવી પડ્યું છે. પણ જ્યારે ત્યારે આ જોખમ ખેડ્યે જ છૂટકો છે. અણીને ટાંકણે અહિંસા કામે ન લાગી શકે તો તે નિરર્થક શસ્ત્ર ગણાવું જોઈએ. અનુભવી ઋષિમુનિઓની પ્રતિજ્ઞા એવી છે કે અહિંસાના સાન્નિધ્યમાં હિંસા શમી જાય છે. તેથી મારો સંપૂર્ણ વિશ્વાસ છે કે જો હિંદુસ્તાનમાં ખરેખર અહિંસક દળ હશે તો તે બધા ભયોને અને જોખમોને પહોંચી વળશે. પણ જો એ દળ નામમાત્રનું જ હશે અને દૂરથી જ રળિયામણું દેખાતું હશે તો તેનો નાશ થઈ જાય એ જ બરાબર છે. એમ થશે તો પરાજય અહિંસાનો નહીં થાય, પણ અહિંસા પાળવાનો પ્રયત્ન કરતાં કરતાં પોતાના કાર્ય પૂરતી અહિંસાને ન પહોંચી શકનારનો થયો એમ સિદ્ધ થશે. એમાંથી શુદ્ધ અહિંસા પ્રગટ થશે. એ વિશ્વાસ ઉપર અત્યારે અહિંસક યુદ્ધની આખી રચના હું નમ્ર ભાવે હૃદયમાં યોજી રહ્યો છું.”

પોતાના મન સાથે તેમ જ દેશ આગળ આટલી સ્પષ્ટતા કરીને ગાંધીજીએ તા. ૧રમી માર્ચે સાબરમતી સત્યાગ્રહ આશ્રમમાંથી પગપાળા કૂચ કરી, અને સુરત જિલ્લામાં આવેલા દાંડી ગામના સમુદ્રકિનારે પહોંચી ત્યાં કુદરતી રીતે બનેલું મીઠું ઉપાડી મીઠાના કાયદાના ભંગથી લડત શરૂ કરવાનું ઠરાવ્યું.

લડતને વિષે ગાંધીજીના વિચારો તો સરદારને માન્ય હતા જ. પણ તેમના દિલમાં એક બીજી જ લાગણી કામ કરી રહી હતી. ૧૯૨૨માં જ્યારે ગાંધીજીને છ વરસની સજા કરવામાં આવી ત્યારે તેમની જ સલાહથી અને બહાર રહેલા નેતાઓના પ્રયત્નથી દેશમાં શાંતિ રહી હતી. તેનો અનર્થ કરી લૉર્ડ બર્કનહેડ પાર્લમેન્ટમાં એવું બોલેલા કે, “ગાંધીજીને પકડ્યા છતાં હિંદુસ્તાનમાં એક કૂતરુંયે ભસ્યું નહોતું અને અમારો કારવાં (સંઘ) સુખેથી આગળ ચાલી રહ્યો હતો.” લૉર્ડ બર્કનહેડના આ શબ્દોનો બરાબર જવાબ દેશે આપવો જોઈએ, એમ સરદારને લાગતું હતું. ગાંધીજીને જ્યારે પકડવામાં આવે ત્યારે આખો દેશ સત્યાગ્રહની લડતથી સળગી ઊઠે, બધી જેલો ભરાઈ જાય અને સરકારને જમીનમહેસૂલની એક કોડી પણ ન મળે તો સરદારને સંતોષ થાય એમ હતું. જોકે આ વિષે ગાંધીજીને એમ લાગતું હતું કે આર્થિક મુદ્દા ઉપર જમીનમહેસૂલ ન ભરવાની લડત ચલાવવી એ પ્રમાણમાં હળવી વાત ગણાય, પણ