આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

લઈ લે. પછી અમે ત્રણે અસ્પૃશ્યતાનિવારણનું કામ કરીશું. એ લોકોને કેમ કંઈ વિચાર ન થતો હોય ? તમારે જેલમાંથી બહાર આવવું જોઈએ એમ કહેતા આવે છે. પણ કોઈ સરકાર પાસે જાય છે ? અને તેને સંભળાવે છે ? મિસિસ કઝિન્સનો આખો કેસ ‘સોશિયલ રિફૉર્મર’માં છાપ્યો છે. પણ એ કેસથી પણ કાંઈ બોધ લેવાય છે? એ બાઈને ફતવારાજ્ય અસહ્ય થઈ પડ્યું. પણ આપણને અસહ્ય થઈ પડે છે ?”

તા. ર૫-૧૨-’૩૨: બારડોલી આશ્રમનાં મકાન વેચવા કાઢ્યાં છે એવી ખબર આજે આવી. વલ્લભભાઈ કહે : “સારું છે વેચાઈ જાય છે. આપણા હાથમાં સત્તા આવશે ત્યારે એ બધાં પાછાં આપ્યે જ છૂટકો છે. સત્તા ન આવે ત્યાં સુધી આ બધાં એમનાં મકાનો (જેલો)નો કબજો આપણી પાસે પડેલો જ છે ને ?”

તા. ૩૦-૧૨-’૩૨ : મદ્રાસમાં ખ્રિસ્તી થયેલા અસ્પૃશ્યોની સાથે ખ્રિસ્તીઓ પોતાના દેવળમાં પણ અસ્પૃશ્યતા રાખે છે. તેમને દૂર રાખવા કઠેરા નાખી દીધા છે. તેની સામે કેટલાક ખ્રિસ્તીઓએ અનશન કરવાની નોટિસ મદ્રાસના બિશપને આપી છે, એવું આજે વાંચવામાં આવ્યું. બાપુને રમૂજ પડી.

વલ્લભભાઈ : “એ કઠેરા શા સારુ ઉખેડી નાખતા નથી ?”

બાપુ : “તમારા મનમાં તો જાણે એ અહિંસામાં જ ખપે કેમ ?”

વલ્લભભાઈ : “એ કઠેરા ક્યાં કોઈને ઉખેડીને મારવાના છે? ઉખેડીને ફેંકી દેવાની વાત છે.”

બે શાસ્ત્રીઓ પૂનામાં વેદસંહિતાનું પારાયણ કરતા કરતા અગિયાર દિવસનું અનુષ્ઠાન કરે છે એમ ‘જ્ઞાનપ્રકાશ’માં વાંચીને બાપુએ એ લોકોને લખ્યું કે: મારી સામે તમે એ કરતા હો તો તમે મને તો એ વિષે લખ્યું નથી ? પણ મારી સામે ન હોય અને કેવળ ભૂતમાત્ર પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને હિંદુ ધર્મની રક્ષા કરવા ખાતર એ કર્યું હોય તો તમારી તપશ્ચર્યાથી હિંદુ ધર્મનું શ્રેય થાઓ.”

વલ્લભભાઈ આ ઉ૫ર કહે: “પેલા બધા સેંકડો ખ્રિસ્તી અને મુસલમાન થયા ત્યારે આ અનુષ્ઠાન કરનારા ક્યાં ગયા હતા ?”

તા. ૩-૧-’૩૩ : વલ્લભભાઈ પોતાની રીત પ્રમાણે એક વાતને વળગે પછી છોડે નહીં, આજ સાંજે વાતોમાં એમણે એવું વિધાન કર્યું કે, “નિવૃત્ત જજ (Ex-Judge) હોય એ રાજપ્રકરણમાં ભાગ ન લે.”

બાપુએ કહ્યું : “લે, સરકારી નોકરની સ્થિતિ જુદી છે.”

વલ્લભભાઈ : “અગાઉ કોઈ નિવૃત્ત જજે રાજપ્રકરણમાં ભાગ લીધો હોય એવો દાખલો આપો.”

નિવૃત્ત જજ એટલે રિટાયર્ડ પેન્શનર એ અર્થમાં એ શબ્દ વપરાતો હતો. મેં કહ્યું: “નિવૃત્ત જજના કરતાં વધારે સારો દાખલો દત્તનો છે.”

વલ્લભભાઈ : “દત્તનું હું જાણતો નથી.” અમે સહુ ખડખડાટ હસ્યા ત્યારે કહે: “એ તે દિવસે હશે. આજે કોઈ જજ પેન્શનર થાય ને પછી કૉંગ્રેસનો પ્રમુખ થાય ખરો ?”