આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૬
સરદાર વલ્લભભાઈ

વાત ગરમ થતી જતી હતી. તેમાં પછી મેજરની વાત નીકળી. એ વિઝિટરો પાસેથી છાપાં લઈ લે છે, સગવડો આપતાં ડરે છે, એ વાત પણ નીકળી. બાપુ કહે: “એની મુશ્કેલીઓ વધી તો છે એ કબૂલ કર્યા વિના ચાલે ?”

એટલે વલ્લભભાઈ પાછા ઊકળ્યા, “શેની મુશ્કેલી વધી છે ? હિંદુસ્તાન સરકારના હુકમનો અમલ કરવાનો તે કરતા નથી અને મુશ્કેલી વધવાની વાત કરે છે. શા સારુ આવી છૂટ સરકારે આપી ? એને વિચાર નહીં થયો હોય ?”

કામ વધારે ગરમ થતું જોઈને બાપુ કહે: “વલ્લભભાઈ, હવે ઠંડી તો ગઈ જ છે. આજે તો ગયે વર્ષે આપણે આવ્યા અને લાગતું હતું તેવું જ લાગે છે. બપોરે તો ગરમી લાગતી હતી !”

તા. ૭-૧-’૩૩ : બાપુની સાથે વાત કરતાં ઠક્કરબાપા બોલેલા: “તમારે હવે અહીં ક્યાં લાંબું રહેવું છે ?”

એના જવાબમાં બાપુએ કહેલું: “પાંચ વર્ષ તો ખરાં જ.” એ ઉપરથી નરહરિએ પૂછેલું: “પાંચ વર્ષ રહેવું પડશે એમ બાપુ માનતા હશે ?”

એ સાંભળી વલ્લભભાઈ કહે: “નાહકનો ગભરાય છે. એમાં ગભરાવાનું શું છે ? એટલે ૬૯-૭૦ વર્ષ જીવશે એવું તો નક્કી થયું ના ? પછી શું ?”



વલ્લભભાઈની કામ કરવાની ચપળતાનું વર્ણન કરતાં બાપુ કહે: “એટલું ઝપાટાબંધ કરે છે કે આપણને આશ્ચર્ય થાય. દાડમ છોલતા અને રસ કાઢતા હોય તો આપણને લાગે કે ધીમે ધીમે કરે છે. પણ ઝપાટામાં બધું પતાવે છે. પાકીટો બનાવે છે તે પણ કશી ધાંધલ વિના. થાકતા જ નથી. ઢગલો પાકીટો કાઢ્યે જ જાય છે. અને એને માટે માપની જરૂર નથી પડતી. હથોટી બેસી ગઈ છે એટલે અટકળથી કરે છે. પણ સેંકડો પાકીટો સરખાં જ બનાવ્યે જાય છે.”

તા. ૧૦-૧-’૩૩ : આજે સવારે રણછોડદાસ પટવારીને લાંબો કાગળ લખ્યો. એના ૮૮ સવાલના ૮૮ જવાબ અપાવ્યા. બીજો કોઈ હોય તો આટલી ધીરજથી ભાગ્યે જ એનો કાગળ વાંચતો કે જવાબ આપતો. પણ બાપુ તો ઉ૫કારને જિંદગી સુધી ન ભૂલે એવા. કાળી રાતે એણે કામ આપ્યું હતું. *[૧]

વલ્લભભાઈ : “એ કાળી રાત કયાં સુધી ગણાવશો ? આજે તો ધોળી રાતે પણ કામ આપે એમ નથી.”

બાપુ: “મરું ત્યાં સુધી ગણાવીશ.”

તા. ૧૨-૧-’૩૩: કાલે રાત્રે વલ્લભભાઈએ બાપુની સામે પોતાનો ઉકળાટ કાઢ્યો: “તમે તમારા સાથીઓને પૂછ્યા વિના ઘણી વાર એવી સૂચનાઓ ફેંકો છો કે એ માણસ મૂંઝાઈ પડે છે, અને એની સ્થિતિ કફોડી થઈ જાય છે. મંદિરપ્રવેશ વિશેના સમાધાનની સૂચના તમે રાજગોપાલાચારીને પૂછ્યા વિના


  1. * બાપુજી ભણવા માટે વિલાયત જવાના હતા તેને આગલે દિવસે મુંબઈમાં રહેતા મોઢ વણિકો એ ઠરાવ કર્યો કે એ જાય તો એને ન્યાત બહાર મૂકવો અને કોઈએ કશી મદદ કરવી નહીં. એટલે જેને ત્યાં રૂપિયા મૂકેલા તેણે રૂપિયા આપવાની ના પાડી. તે વખતે રણછોડદાસ પટવારીએ એમને રૂપિયા પાંચ હજાર ધીર્યા અને બાપુજી બીજે દિવસે જઈ શકયા.