આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭
યરવડા જેલમાં ગાંધીજીની સાથે

પ્રસિદ્ધ કરી. એમાંથી અનેક ફણગા ફૂટ્યા છે. હરિજનો એની વિરુદ્ધ થયા, જસ્ટિસ પાર્ટીવાળા પણ વિરુદ્ધ થયા, અને સનાતનીઓને તો એને વિષે કશી પડી જ નથી. તમે આમ કામ શા સારુ બગાડો છો ? અને કામ કરનારની સ્થિતિ શા સારુ મુશ્કેલ કરો છો ? એ ટેવ તમારે સુધારવી જોઈએ.”

બાપુ: “જાણી જોઈને આમ કરું છું ? રાજાજીને આ વાત પૂછવી જોઈએ એમ મને ન લાગે તો મારે શું કરવું ? તમે મને પૂછશો કે પણ તમને એમ લાગતું કેમ નથી ? તો એનો હું શું જવાબ આપું ? મારો જે સ્વભાવ પડી ગયો છે તેનો ઉપાય શો ? મારા સાથી મારી સાથે ન રહી શકે તો શું ? મને છોડી જશે ? બીજાઓના સહકાર આમાં ન મળે તો કાંઈ નહીં, પણ જે વસ્તુ જાહેર કરવી જોઈએ એ હું કેમ રોકી શકું ?”

મેં કહ્યું : “મને લાગે છે કે એ વસ્તુ તમારા સ્વભાવ માટે અશક્ય છે. જ્યારે કોઈની સાથે વાત કરતા હો અને તેની સાથે અનેક વસ્તુ ચર્ચાતી હોય ત્યારે આપને સૂઝે એ સમાધાન તરીકે સુચવો. તે વેળા વલ્લભભાઈને કે રાજાજીને પૂછવું એ પણ અશકય હોય.”

બાપુ: “બરોબર છે. એ મારા સ્વભાવમાં જ નથી. એ દોષ હશે. પણ એ દોષ આજે શી રીતે સુધરી શકે ?”

મેં કહ્યું: “અર્વિન સાથેની વાતચીતો વખતે બે વાર વલ્લભભાઈ અને જવાહરલાલને ન ગમે એવી સમજૂતી આપ કરી આવેલા. પણ તેનો કશો ઉપાય છે ?”

બાપુ કહે : “બરોબર. હું તો લોકોનો માણસ (ડેમોક્રેટ) રહ્યો. લોકોની આગળ અનેક વસ્તુઓ જુદી જુદી રીતે મૂક્યે જ જવી રહી અને સાથે સાથે લોકમતને વશ કરવાનો રહ્યો. એટલે બીજું કશું કરી ન શકું.”

આ તો જરાક જેટલો સાર થયો પણ ચર્ચા તો લગભગ દોઢ કલાક ચાલેલી.

તા. ૧૬-૧-’૩૩ : વલ્લભભાઈનો એક વિનોદ છે. “થોડા દિવસ થયા કે બાપુને સરકારની ઉપર કાંઈક ફરિયાદ મોકલવાની હોય જ. રખેને એ લોકોને લાગે કે આ માણસ હવે ચૂપ થઈ ગયો છે.”

તા. ૨૩-૧-’૩૩ : સાંજે બાપુએ વલ્લભભાઈની સાથે ચર્ચા કરતાં કરતાં પોતાના મનની સાથે વાઈસરૉયના ઠરાવની ચોખવટ કરી લીધી. આ બિલ (મંદિર પ્રવેશ બિલ) પસાર થાય તો બધું મળી ગયું એમ કહ્યું. આ બિલ નિષેધાત્મક છે એટલે એ બિલને પરિણામે મંદિર નહીં ઉઘાડે એમ મેં કહ્યું. બાપુ કહે : “તો ભલે તે બંધ રાખે. એમ બધાં જ મંદિરો બંધ થઈ જતાં હોય તો હું રાજી થાઉં.”

મેં કહ્યું : “ત્યારે દરવાજા ઉપર મારામારી થશે.”

બાપુ : “થાય, આંબેડકરના માણસો હોય તો. પણ આપણું બળ હશે ત્યાં સનાતનીઓ સમજી જશે. નહીં તો આપણે સમજી જઈશું.” આવે સમયે પણ મારાથી કોઈને દા.ત. રાજાજીને પૂછ્યા વિના નિર્ણય ન અપાય કે ? એમ વલ્લભભાઈને પૂછ્યું.